News of Monday, 28th October 2024
એકના ત્રણ ગણા: ભાણવડના ફૈઝલે હિન્દુ નામની આઇડી બનાવી ભુજના સિકંદર, રમઝાન અને આસિફની સાથે મળી ડાંગના યુવાન સાથે ઠગાઈ કરી
સોશ્યલ મીડિયા અને મોબાઈલમાં આવતી લોભામણી લાલચમાં આવનાર સાવધાન, રૂપિયા ગુમાવવાનો વારો આવશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮ : ફેસબુક ઉપર એકના ત્રણ ગણા રૂપિયા મેળવવાની લાલચમાં આવી જઈ ડાંગના યુવાને પોતાના ૧ લાખ રૂપિયા ગુમાવવા પડ્યા હતા. ડાંગ પોલીસે આ મામલે ભાણવડ જામનગરના ૧ આરોપી અને ભુજના ૩ આરોપી સામે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ગત ૨૦/૬/૨૪ ના આહવા પોલીસ સ્ટેશને થયેલ ફરિયાદ મુજબ પોલીસે પશ્ચિમ કચ્છ એલસીબીની મદદથી આરોપીઓ સુધી પહોંચી છે. ફરિયાદ બાદ તપાસમાં ખુલેલી વિગતો પ્રમાણે ભાણવડ, જામનગરના ફૈઝલ કાસમ લંગાએ દેવા આહીર ના હિન્દુ નામે ખોટી આઇડી સાથે ફેસબુક ઉપર એક ના ત્રણ ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપી હતી. ચીટર ગેંગની આ જાળમાં ફસાઈ ડાંગના યુવાને એક લાખ રૂપિયા ફૈઝલ ના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આ રૂપિયામાંથી ફૈઝલે આવી ચીટીંગમાં માહીર એવા ભુજના તેના ૩ કુખ્યાત ચીટર સાથીદારો સિકંદર ઉર્ફે સીકલો જુસબ સોઢા, રમઝાન સાલેમામદ સોઢા અને આસીફ ઉંમર લંગાને આપ્યા હતા. પોલીસે અત્યારે ભુજના બે આરોપી રમઝાન અને આસિફને ઝડપી લીધા છે. જ્યારે ભુજનો કુખ્યાત ચીટર સીક્લો ઉર્ફે સિકંદર અને ભાણવડનો ફૈઝલ ફરાર છે. લોકો ઝડપભેર રૂપિયા કમાવવાની લાલચમાં ઠગાઈ જાય છે એ બતાવે છે કે લોભિયા હોય ત્યાં ધુતારા કમાય છે. કચ્છની ચીટર ગેંગ સસ્તા સોનાની લાલચ ના નામે ઠગાઈ કરવામાં કુખ્યાત છે. આવી ઠગ ટોળકી રૂપિયા માટે નામ, ધર્મ અને ઓળખ બદલી નાખે છે.
(9:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
