<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

કચ્છના વાગડના શૈક્ષણિક વિકાસમાં અગ્રેસર સેવા સાધના સંચાલિત છાત્રાલયમાં કમ્પ્યુટરલેબ, કાર્યાલય તથા ગૃહપતિ આવાસનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ભારતીય શિક્ષા વ્યવસ્થા માં જ્ઞાનનું વધારે મહત્વ છે જયારે પશ્ચિમી દેશોની શિક્ષા નીતિમાં માત્ર પુસ્તકિયા નોલેજ ઉપર ભાર મુકવામાં આવે છે : કાર્યક્રમના મુખ્ય વક્તા કે. રાઘવનજી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮ : કચ્છ જિલ્લાના વાગડ અને ખડીર વિસ્તારના દૂર સુદૂર સરહદના અંતરિયાળ ગામોના બાળકો સારી સુવિધાઓ સાથે સુસંસ્કારિત અને સામાજિક જીવનના પાઠ સાથે ઉચ્ચ અભ્યાસ કરી શકે તથા પરિવારને મદદરૂપ બને તેવા ઉદેશ્યથી સેવા ભારતી – ગુજરાત સલગ્ન સેવા સાધના – કચ્છ  સંસ્થા સંચાલિત કુમાર છાત્રાલય – રાપર ખાતે તારીખ: ૨૭/૧૦/૨૦૨૪ ને રવિવારના રોજ વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ હેતુ કમ્પ્યુટર લેબ સાથે બૌદ્ધિક વિકાસ હેતુ વાંચનાલય, ગૃહપતિ આવાસ અને કાર્યાલય ભવનનોનું લોકાર્પણ પૂજ્ય સંતો, દાતાશ્રીઓ તથા વિશેષ આમંત્રિત મહેમાનોના હસ્તે કરાયું હતું.

કાર્યક્રમનો પ્રારંભ વહેલી સવારે યજ્ઞની આહુતિઓ અને મંત્રોચાર સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મંચસ્થ પૂજ્ય સંતો, દાતાશ્રીઓ, આમંત્રિત મહેમાનો અને સંસ્થાના પ્રમુખના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. 

કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી કે. રાઘવનજીએ વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભારતીય શિક્ષા વ્યવસ્થા માં જ્ઞાનનું  વધારે મહત્વ છે જયારે પશ્ચિમી દેશોની શિક્ષા નીતિમાં માત્ર પુસ્તકિયા નોલેજ ઉપર ભાર મુકવામાં આવે છે.તેમણે પોતાના વક્તવ્યમાં પશ્ચિમી શિક્ષણ અને ભારતીય શિક્ષણની કલ્પના વિષે તફાવત જણાવ્યો હતો. વધુમાં વાત કરતા જણાવ્યુકે વંચિત લોકો કે જેમની આપણે સેવા કરીએ છીએ તે પણ ભવિષ્યમાં બીજાની સેવા કરતા થાય તે દિશામાં વિચાર કરી આગળ વધવા જણાયું હતું અને દેશને જરૂર પડે ત્યારે સમાજના લોકો દેશની સેવા કરવા તત્પર રહેવાની વાત કરી હતી.

કાર્યક્રમને સંબોધતા પ.પુ. ડો. ત્રીકાલદાસજી મહારાજે આશીર્વચન આપતા વર્તમાન સમયમાં શિક્ષણની જરૂરીયાત અને શિક્ષણ સાથે સંસ્કાર ની પણ આવશ્યકતા છે  તેની વાત કરી હતી અને રાષ્ટ્રીય વિચાર વાળી સંસ્થામાં આપના બાળકને ભણાવવાથી  બાળકોમાં સ્વલક્ષી નહિ પરંતુ સર્વલક્ષી વિચાર કરતો થાય તે વર્તમાન સમયની આવશ્યકતા છે. છાત્રાલયમાં આભ્યાસ કરતા બાળકોના માતા-પિતાઓને સંસ્થાના કાર્યમાં જોડાઈ સેવા આપવા આગ્રહ કર્યો હતો. ત્યારબાદ પ.પુ. સંતશ્રી બાલકૃષ્ણદાસજીએ વ્યસન મુક્તિ ઉપર વાત કરી હતી અને બધાને વ્યસન છોડી તે પૈસા સેવાનાં કામમાં વાપરવા જણાવ્યું હતું. વધુમાં સ્વામીજીએ કહ્યું હતું કે સારી સંસ્થામાં શિક્ષણ માટે સેવા કરવી કે દાન આપવું એ નેત્ર દાન આપ્યા સમાન છે અને સૌને સેવા સાધના સંસ્થામાં દાન આપવા અપીલ કરી હતી.

વિશેષ નિમંત્રિત મહાનુભાવ શ્રી દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં અરાષ્ટ્રીય વિચારધારા વાળાની સામે રાષ્ટ્રીય વિચારધારા સાથે દેશ અને સંસ્કારોનું સિંચન કરી દેશભક્ત નાગરિક બનશે તે ખાતરી છે. આપણી ભારતીય પરંપરામા દાનને સૌથી શ્રેષ્ઠ ગણ્યું છે, બીજાનું ભલું કરવાથી આપણું ભલું થશે તે આપણી વિચારધારા છે. અને અંતે સૌ સાથે મળીને આવા વાગડ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ચાલતા છાત્રાલયમાં અને રાષ્ટ્રીય કામમાં સહયોગ આપવા સૌને અપીલ કરી હતી. ત્યારબાદ પૂર્વ ધાર્રસભ્યશ્રી પંકજભાઈ મહેતાએ જણાવ્યું હતું કે સરકારી માપદંડોમાં કચ્છ જીલ્લાના વાગડ અને લખપત તાલુકાને પછાત ગણવા આવે છે તેનું મુખ્ય કારણ શિક્ષણ છે સેવા સાધના દ્વારા થયેલ  શિક્ષણમાં રાષ્ટ્રીય વિચારધારા, સારું નાગરિક કર્તવ્ય, સંસ્કાર સાથેનું કાર્ય છાત્રાલયમાં કરવામાં આવે છે, અને ભવિષ્યમાં સારા દેશભક્ત નાગરીકો તૈયાર થશે તેવી લાગણી અને આનંદ વ્યક્ત કર્યો હતો. સૌને શિક્ષણના માધ્યમથી સમાજમાં ચાલતા અરાષ્ટ્રીય વિચારધારા વાળા અને અસંસ્કારિત લોકોથી ચેતવા જણાવ્યું હતું, ત્યારબાદ દાન આપતા એનઆરઆઈ દાતાઓનો વાગડના વિદ્યાર્થીઓ માટે આપેલ દાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.    

શ્રી ગીરધરભાઈ મેઘજીભાઈ પીંડોરીયાએ કાર્યક્રમમાં ૫૫ વિદ્યાર્થીઓના વાર્ષિક નિભાવ ખર્ચ પેટે ૨૦ લાખના માતબર દાનની જાહેરાતકરવામાં આવી હતી, શ્રી ગીરધરભાઈ દ્વારા અગાઉ પણ પરિસર વિકાસ પેટે ૨૦ લાખનું દાન આપેલ એ સાથે સંસ્થાને કુલ ૪૦ લાખનું માતબર દાન આપવામાં આવ્યું છે તેમનું સન્માન તેમના પ્રતિનિધિ શ્રી જાદવજીભાઈ ગોરસીયાએ સ્વ્કાર્યું હતું.શ્રી હરજી કાનજી હાલાઇ હાલે લંડન – ગૃહપતિ નિવાસના દાતા જેમને બાંધકામ પેટે ૨૫ લાખ રૂપિયાનું અમુલ્ય દાન મળ્યું હતું, તેમના પ્રતિનિધિ શ્રી રાવજીભાઈ ખેતાણીએ સન્માન સ્વીકાર્યું હતું. શ્રી સુભાષજી ગોયલ જેઓએ એકસો વિદ્યાર્થીઓ માટે પલંગનો સંપૂર્ણ ખર્ચ તથા પરિસર વિકાસમાં અમુલ્ય દાનનું યોગદાન આપેલ છે. વાગડ વિસ્તારના ધારાસભ્ય શ્રી વીરેન્દ્રસિંહ જાડેજાએ પણ ૫ લાખની સરકારી ગ્રાન્ટની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાંભોજન પ્રસાદનો સહયોગ ગૃહપતિ નિવાસના દાતા શ્રી હરજીભાઈની પૌત્રી તૃષાબેન સાથે લંડનમાં આર.એસ.એસ સાથે જોડાયેલ બાળકોના આર્થિક સહયોગથી કરવામાં આવી હતી. 

આ કાર્યક્રમમાં સૌને આશીર્વચન આપવા પ.પુ. સંતશ્રી ડો. ત્રિકાલદાસજી મહારાજ, પ.પુ. સંતશ્રી બાલકૃષ્ણદાસજી, પ.પુ. દેવનાથ બાપુ અને પ.પુ. દયારામ બાપુ ગુરુ ભગવાનદાસ પધાર્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ખાસ પધારેલા શ્રી કે. રાઘવનજી - અખિલ  ભારતીય ગોસેવા ગતિવિધિ પ્રશિક્ષણ સંયોજક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ સૌને માર્ગદર્શીત કર્યા હતા.

આ કાર્યક્રમમાં નિમંત્રણને માન આપી પધારેલ દાતાશ્રીઓ  રવજીભાઈ નાનજીભાઈ ગોરસિયા - સંપૂર્ણ છાત્રાલય પરિસરના ભૂમિ દાતાશ્રી,  જાદવજીભાઈ ગોરસિયા –  ગીરધરભાઈ મેઘજીભાઈ પીંડોરીયા – તાન્ઝાનિયા ના પ્રતિનિધિ,શ્રી રમેશભાઈ સોરઠીયા, શ્રી વાડીલાલભાઈ સાવલા તથા છાત્રાલય વિકાસમાં દાન આપનાર નાના મોટા સૌ દાતાઓ અને વિશેષ નિમંત્રિત મહાનુભાવો શ્રી દેવજીભાઈ વરચંદ – પ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ, શ્રી જનકસિંહ જાડેજા –  પ્રમુખ જિલ્લા પંચાયત, કચ્છ,  વિરેન્દ્રસિંહ જાડેજા – મા. ધારાસભ્યશ્રી રાપર,  કેશરબેન ગેલાભાઈ બગડા – મા. પ્રમુખશ્રી રાપર તાલુકા પંચાયત,  લક્ષ્મણસિંહ સોઢા – મા.  પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત, કચ્છ, શ્રી પંકજભાઈ મહેતા – મા. પૂર્વ ધારાસભ્ય રાપર, શ્રી મહેશભાઈ પુંજ – મા. પ્રમુખશ્રી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ, શ્રી નવનીતભાઈ ગજ્જર – મા. પ્રમુખશ્રી ટીમ્બર એસો. ગાંધીધામની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

આ સંપૂર્ણ કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના મંત્રી શ્રી દામજીભાઈ જાટીયા અને ટ્રસ્ટી શ્રી નારાણભાઈ વેલાણી દ્વારા કરવામાં આવ્યું હતું. અને  આભારવિધિ શ્રી દામજીભાઈ જાટીયા દ્વારા કરવામાં અવી હતી અને સંપૂણ કાર્યક્રમને સફળ બનાવવા વ્યવસ્થા કુમાર છાત્રાલય – રાપર સંચાલન સમિતિ, જલારામ ગ્રુપ – રાપર ના સદસ્યોએ અને છાત્રાલયના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. સંસ્થાના આમંત્રણને માન આપી પધારેલ સર્વે દાતાશ્રીઓ, નિમંત્રિત મહાનુભાવો, તથા કચ્છભરથી પધારેલ સર્વે મહેમાનો કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદ લઇ કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી.   

તેમ ચિરાગ કોઠારી 

9925012014 ની યાદીમાં જણાવાયું છે.

(9:21 AM IST)