News of Monday, 28th October 2024
ચુડાના ચચાણા ગામે સવાચાર લાખની મતા તસ્કરો લઇ ગયા!

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૮: ચુડા તાલુકાના ચચાણા ગામે રહેતા પશુપાલકના પરિવારમાં મરણ થયુ હોય તા. ૨૬-૧૦ના રોજ રાત્રે ભજનનો કાર્યક્રમ હતો. જે પુર્ણ કરી પરિવાર રાત્રે ૧ વાગે સુતો હતો અને વહેલી સવારે ૫ કલાકે જાગીને જોતા ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી. તસ્કરો રોકડ, ઘરેણા અને મોબાઈલ સહિત રૂપિયા ૪,૩૦,૬૦૦ની મત્તા ચોરી કરી લઈ ગયા છે.
૪૫ વર્ષીય ભુરાભાઈ સુખાભાઈ બોળીયા પશુપાલન અને ખેતીકામ કરે છે.પાંચેક દિવસ પહેલા તેમના પરીવારમાં મોટાબાપુ મોતીભાઈ વીરાભાઈનું અવસાન થયુ હતુ. જેમાં ગત તા. ૨૬-૧૦ના રોજ રાત્રે ઘર પાસે ભજનનો કાર્યક્રમ હતો. તેઓ, પત્ની અને એક દિકરી મકાનની ઓશરીમાં સુતા હતા. જયારે પહેલા રૂમમાં બીજી દિકરી સુતી હતી અને અન્ય ૩ રૂમને બહારથી સ્ટોપર મારી હતી. નીત્યક્રમ મુજબ ભુરાભાઈ સવારે પ કલાકે પશુઓને દોહવા માટે જાગ્યા હતા. અને જોયુ તો બીજા નંબરનો રૂમ ખુલ્લો હતો. અને તેમાં રાખેલ લાકડાના કબાટનું તાળુ તુટેલુ હતુ તથા સામાન અસ્તવ્યસ્ત હતો અને તસ્કરો કબાટમાં રાખેલ તેમની પત્નીનાં સોના-ચાંદીના ઘરેણાં કિંમત રૂ. ૩,૩૫,૬૦૦, રોકડા રૂ. ૯૦ હજાર અને રૂ. પ હજારનો મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૪,૩૦,૬૦૦ની મત્તા ચોરી કરીને લઈ ગયા હતા. બનાવની ચુડા પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ એચ.એચ.જાડેજા ચલાવી રહ્યા છે.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
