<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

રામનું સ્‍મરણ ‘સત્‍ય', રામનું ગાન ‘પ્રેમ' અને રામનું શ્રવણ ‘કરૂણા' પૂ. મોરારીબાપુ

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કાકીડી ગામમાં આયોજિત રામકથા ‘માનસ પિતામહ'નો વિરામઃ પૂ. મોરારીબાપુની આગામી દિવાળી પર્વોના દિવસોમાં ભાવનગર જિલ્લાના તીર્થ સ્‍થાન ગોપનાથ મહાદેવના સાનિધ્‍યમાં રામકથા ગાનની જાહેરાત

(મૂકેશ પંડિત- મેઘના વિપુલ હિરાણી દ્વારા)ઈશ્વરિયા-ભાવનગર તા.૨૮: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડાનાં વાયુમંડળમાં કાકીડીમાં રામકથા ‘માનસ પિતામહ' વિરામ આપતાં પૂ. મોરારીબાપુએ તુલસીદાસજીનાં સાર રૂપ જણાવ્‍યું કે, રામનું સ્‍મરણ ‘સત્‍ય', રામનું ગાન  ‘પ્રેમ' અને રામનું શ્રવણ ‘કરૂણા' છે.

‘સિંહાસન પર ત્રિભુવન સાંઈ, દેખિ સુરન્‍હ દુદુંભિ બજાઈ, તારન તરન હરન સબ દૂષણ, તુલસીદાસ પ્રભુ ત્રિભુવન ભૂષણ. - આ ચોપાઈને કેન્‍દ્રમાં રાખી શ્રી ત્રિભુવનદાદાનાં પૂણ્‍ય સ્‍મરણ સાથે ‘માનસ પિતામહ' રામકથાનાં વિરામ પ્રસંગે પૂ. મોરારીબાપુએ તુલસીદાસજીનાં સાર રૂપ જણાવ્‍યું કે, રામનું સ્‍મરણ ‘સત્‍ય', રામનું ગાન  ‘પ્રેમ' અને રામનું શ્રવણ ‘કરૂણા' છે.

તલગાજરડાનાં વાયુમંડળમાં મહાભારત ચિંતન કેન્‍દ્રમાં રાખી લોકબોલી પ્રયોગ સાથે કાકીડીમાં રામકથા ‘માનસ પિતામહ' ગાન આજે વિરામ પામેલ છે. આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ કથા આયોજનમાં સૌ કોઈની આહુતિઓ મળ્‍યાની પ્રસન્નતા વ્‍યક્‍ત કરી આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી. મહાભારત સંદર્ભે ભિષ્‍મ પિતામહ સંદેશ આજે પણ ઉપયોગી અને ભવિષ્‍યમાં પણ ઉપયોગી રહેશે તેમ જણાવી પૂ. મોરારીબાપુએ ભીષ્‍મ પિતામહ  દ્વારા યુધિષ્ઠિરજીનાં સંવાદમાં રહેલાં ૧૮ સત્‍ય વિશે ટુંકમાં નિરૂપણ કરીને કહ્યું કે, સદભાવ, સ્‍વીકાર, શુભ, ભોજન, સમતા... વગેરે સત્‍ય ગુણોનો ઉલ્લેખ સમજાવ્‍યો અને પાંચ પિતામહોને કથા અર્પણ કર્યાનો ભાવ વ્‍યક્‍ત કર્યો હતો.

રામકથામાં રાવણ મંદોદરી સંવાદ, લંકા યુદ્ધ, સીતા અગ્નિ પરીક્ષા, અયોધ્‍યા આગમન તથા રામ રાજતિલક સાથે રામરાજ્‍યની સ્‍થાપના પ્રસંગ વર્ણવાયા હતા. પૂ. મોરારીબાપુએ આગામી આ પંથકમાં તીર્થ સ્‍થાન ગોપનાથ મહાદેવ સાનિધ્‍યમાં  આગામી દિવાળી પર્વોના દિવસોમાં રામકથા ગાન માટે જાહેરાત પણ કરી દીધી, જેને સૌએ હર્ષ સાથે વધાવી હતી.

‘ચિત્રકૂટ ધામ' કાકીડી ગામે નિમિત્તમાત્ર મનોરથી યજમાન રહેલ સ્‍વર્ગસ્‍થ રમાબેન તથા વસંતભાઈ જસાણી પરિવાર દ્વારા યોજાયેલ આ કથાનો પૂરા પંથકને લાભ મળ્‍યો. સમગ્ર આયોજન તૈયારી સંકલનમાં ચીમનભાઈ વાઘેલા (મહુવા) તથા  ભરતભાઈ ચંદ્રાણી (વીરપુર) સાથે કાર્યકર્તાઓ, સ્‍વયંસેવકો સાથે કાકીડી ગ્રામજનો ભાવ અને ઉત્‍સાહ સાથે રહ્યાં. કથાનો લાભ સ્‍થાનિક ઉપરાંત દેશ અને વિદેશનાં ભાવિક શ્રોતાઓએ મોજ સાથે માણ્‍યો હતો.

(11:39 AM IST)