<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

શિક્ષણધામ ચાંપરડાના મુકતાનંદબાપુ નરસિંહ મહેતા યુનિ.ની સૌજન્ય મુલાકાતે

જૂનાગઢ તા.૨૮: ચાંપરડા સ્થિત શૈક્ષણીક અને આરોગ્ય ધામનાં સંતશ્રી અને અખિલભારત સાધુ સમાજનાં પ્રમુખશ્રી મુકતાનંદબાપુ ભકતકવિ નરસિંહ મહેતા યુનિ.ની સૈાજન્ય મુલાકાતે પધાર્યા હતા. યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ મુકતાનંદબાપુને આવકારી બહુમાન કર્યુ હતુ.

આ તકે મુકતાનંદબાપુએ યુનિ.નાં વિવિધ વિભાગનાં અધ્યક્ષશ્રીઓ સાથે શૈક્ષણિક ગોષ્ઠી કરતા જણાવ્યુ હતુ કે જ્ઞાન, વિદ્યા અને શિક્ષણ એ ત્રણ શબ્દોનો ઉપયોગ જુદી જુદી જગ્યાએ જુદી-જુદી રીતે થતો હોય છે. ઉપનિષદકાળમાં દરેક શબ્દની સાથે 'જ્ઞાન'શબ્દ જોડવામાં આવતો. જેમ કે, 'બ્રહ્મજ્ઞાન', 'અધ્યાત્મજ્ઞાન', 'આત્મજ્ઞાન'વગેરે. મધ્યકાલીન યુગમાં વિદ્યા શબ્દ વધારે પ્રચલિત હતો. એ સમયમાં રાજા-મહારાજાઓ 'અસ્ત્રવિદ્યા', 'શસ્ત્રવિદ્યા'એવી જુદી જુદી વિદ્યાઓને મહત્વ આપતા. તેમ છતાં અધ્યાત્મની ભૂમિકા પર 'જ્ઞાન'અને 'વિદ્યા'એ બંને શબ્દો સમાનરૂપથી વપરાતા આવ્યા છે. જે અજ્ઞાનરૂપી અંધારામાંથી વ્યકિતને મુકત કરે  તેને 'વિદ્યા'કહે છે અને જેનાથી પોતાના સ્વરૂપની જાણકારી થાય તેને શા સ્ત્રોએ 'જ્ઞાન'કહ્યું છે. ઉપનિષધ્કાળમાં જ્ઞાન ગુરૂઓ દ્વારા આપવામાં આવતું હતું. પૌરાણિક કાળમાં વિદ્યાઓ આચાર્ય પાસેથી પ્રાપ્ત થતી હતી. એમ બંનેનો પોતાનો કાળ હતો. હવેનો યુગ છે 'શિક્ષણયુગ'. અર્વાચીનકાળમાં 'શિક્ષણ'ની ચારેકોર બોલબાલા છે. 'શિક્ષણ'શબ્દ 'શિક્ષા'પરથી આવ્યો છે. 'શિક્ષા'નો મૂળ અર્થ 'દંડ'એવો થાય છે. શિક્ષણનો હેતુ કોઈને દંડ આપવાનો નથી હોતો પણ ફરજિયાતપણે સામી વ્યકિતને સામાજીક શિષ્ટાચાર અને સુયોગ્ય વ્યવહાર તરફ વાળવાનો હોય છે. અહીં 'આત્મજ્ઞાન'ની જગ્યાએ 'જીવનજ્ઞાન'ની વાત છે. જેવી રીતે જ્ઞાન ગુરુ દ્વારા આપવામાં આવે છે, વિદ્યા આચાર્ય પાસે જવાથી મળે છે તેમ શિક્ષણ એ શિક્ષક દ્વારા આપવામાં આવે છે. જેમ જ્ઞાન પ્રાપ્તિ માટે ગુરુ, સદ્ગુરુ હોવા જોઈએ, વિદ્યા માટે આચાર્ય બધી જ કળાઓમાં નિપુણ હોવા જોઈએ તેમ શિક્ષણ માટે પણ શિક્ષક શુદ્ઘ, સાધુ ચરિત્ર અને વિવેકપૂર્ણ જીવન જીવનાર હોવો જોઈએ.

આ તકે ભકતકવિ નરસિંહ મહેતા યુનિ.નાં વિભાગિય વડાઓએ મુકતાનંદબાપુનાં જીવનનાં પ્રેરક પ્રસંગોની બોધાત્મક વાતો સાંભળીને યુનિ.નાં કાર્યક્ષેત્રિય કોલેજોનાં છાત્રો. રાષ્ટ્રવિકાસમાં પોતાનું યોગદાન જોડે તે દિશામાં શિક્ષીત-દિક્ષીત કરવા હામ વ્યકત કરી હતી.

યુનિ.નાં કુલપતિ પ્રો(ડો.) ચેતન ત્રિવેદીએ મુકતાનંદબાપુની ભકતકવિ નરસીંહ મહેતા યુનિ.ની મુલાકાતને યુનિ.નાં શૈક્ષણિક કાર્ય માટે ફળદાયી લેખાવી હતી. આ તકે મુકતાનંદબાપુએ યુનિ.નાં વિવિધ વિભાગોમાં કામ કરતા કર્મયોગીઓની મુલકાત લઇ અધ્યાપકો અને કર્મયોગીઓની શિક્ષણપ્રિતીને બીરદાવી અભિનંદીત કર્યા હતા.

(2:41 PM IST)