<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

પોરબંદરમાં દિવાળી સમયે ચોરી- લુંટના બનાવો બને નહીં તે માટે પોલીસનું ફુટ પેટ્રોલીંગ

તહેવારોમાં ટ્રાફિકનો પ્રશ્ન માથાના દુઃખાવા રૂપ ન બને તે માટે પોલીસ દ્વારા સુચના અને માર્ગદર્શનઃ બજારની ભીડમાં ખીસ્સાકાતરૂઓ અને ચીલઝડપ કરનારાઓથી સાવધાન રહેવા અનુરોધ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૮: દિવાળીના તહેવારો દરમ્યાન ચોરી અને લુંટ તેમજ અન્ય ગુન્હાહિત કૃત્યો ન બને તે માટે તકેદારી માટે શહેરમાં પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યું છે.

જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની આગેવાનીમાં ક્રાઇમ કોન્ફરન્સમાં જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાઓ દ્વારા આવનાર દિવાળી તહેવાર અનુસંધાને જરૂરી સુચના અને માર્ગદર્શન અન્વયે જીલ્લા પોલીસ વડાની આગેવાનીમાં ડીવાએસપીશ્રી પોરબંદર શહેર તથા પો.ઇન્સ. શ્રી કમલાબાગ પો.સ્ટે.નાઓ સાથે કમલાબાગ પો.સ્ટે. વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવેલ.

જીલ્લા પોલીસ વડાની આગેવાનીમાં કીર્તિમંદીર પો.સ્ટે. વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવેલ. આગામી તા.૩૧ના રોજ દિવાળીના તહેવારની ઉજવણી થનાર હોય અને દિવાળીના તહેવાર દરમ્યાન પોરબંદર જીલ્લામાં કોઇ ચોરી, લુંટ ન બને તેની તકેદારીના ભાગરૂપે તથા પોરબંદર શહેરમાં કોઇ ટ્રાફીકની સમસ્યા ન ઉદભવે તે સબબ જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ છે.

દિવાળીના તહેવાર દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ બનતા અટકાવવા જાહેર જનતાને તકેદારી રાખવા પોરબંદર જીલ્લા પોલીસ વતી અપીલ કરવામાં આવી છે. જેમાં આગામી દિવાળી વેકેશન દરમ્યાન નોકરીયાત વર્ગોએ વતનમાં જતા પહેલા પોતાના ઘરમાં રાખેલ કીંમતી સોના ચાંદીના દાગીના, રોકડ રૂપીયા બેંકમાં લોકરમાં રાખવા કે કોઇ સુરક્ષીત જગ્યાએ રાખ્યા બાદ જ વતનમાં જવુ. તેમજ તમારા વિશ્વાસુ પાડોશ અથવા સગા-સંબંધીઓને જાણ કરવી. તેમજ શકય હોય તો સીસીટીવી કેમેરા/ચોકીદાર રાખવા.

દિવાળી તહેવાર દરમ્યાન ફેકટરી વિસ્તારોમાં રજાનો માહોલ હોય. જેથી ફેકટરીની ઓફીસમાં કોઇ રોકડ રકમ કે અન્ય કીંમતી સામાન રાખવો નહી. તેમજ સિક્યોરીટી ગાર્ડ તથા સીસીટીવી કેમેરાની ખાસ ખાત્રી કરવી. દિવાળી તહેવાર દરમ્યાન પરીવાર સાથે બહાર ફરવા જઇ રહેલ અંગેની માહિતી સોશ્યલ મિડીયામાં શેર ન કરવી.

રાત્રી તથા દિવસ દરમ્યાન ઘર તથા સોસાયટી આસપાસ શકમંદ વ્યકિત દેખાય તો તુરત પોલીસ કંટ્રોલરૂમ તથા નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવી. દિવાળી તહેવાર દરમ્યાન સોના-ચાંદીના દાગીના ચમકાવવા માટે ફરતા ફેરીયા કે અન્ય અજાણ્યા ઇસમોને દાગીના ધોવા આપવા નહિ અને આવા લેભાગુ ઇસમોથી સાવધાની રાખવી.  તથા બજારમાં ખરીદી માટેની ભીડનો લાભ લઇ ખીચા કાતરૂઓ તથા ચીલઝડપ કરનારાઓથી સાવધાન રહેવા પોલીસ દ્વારા લોકોને માર્ગદર્શન અપાય રહયું છે.

(2:25 PM IST)