<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

મોરબી નગરપાલિકા હિસાબ આપો હિસાબ આપોના નારા સાથે કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન.

૪૫ ડી હેઠળ થયેલા કામો, નંદી ઘરના ખર્ચનો હિસાબ પાલિકા કેમ આપતું નથી ? કોંગ્રેસનો અણીયારો સવાલ

મોરબી નગરપાલિકામાં ભાજપ શાસન સમયે થયેલા ૪૫ ડી હેઠળના કામો તેમજ નંદીઘરમાં થયેલ ખર્ચ મામલે કોંગ્રેસ પ્રમુખે માંગેલી માહિતી નગરપાલીકા આપતું ના હોય જેથી આજે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ રામધુન બોલાવી હિસાબ આપો હિસાબ આપોના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો.


મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અને શહેર પ્રમુખ દ્વારા નગરપાલિકામાં ૪૫ ડી હેઠળ થયેલા કામો, નંદીઘરના કામો અને આવાસ યોજનાના કામોનો ખર્ચ અને હિસાબ માંગવામાં આવ્યો હતો ત્રણ માસ વીત્યા છતાં નગરપાલિકા તંત્ર હિસાબ કે માહિતી આપતું ના હોય જેથી આજે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં હિસાબ આપો હિસાબ આપોના નારા લગાવ્યા હતા તેમજ ધારાસભ્ય વિરુદ્ધ પણ સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.

જીલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે ૩ માસથી હિસાબ અને માહિતી માંગવામાં આવી છે પરંતુ આપવામાં આવતા નથી જે બતાવે છે કે ભાજપ પ્રેરિત કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે જેને પાલિકા તંત્ર છુપાવી રહ્યો છે તો શહેર પ્રમુખે પણ નગરપાલિકા શા માટે માહિતી આપતી નથી તેવો સવાલ પૂછ્યો હતો અને માહિતી આપવામાં નહિ આવે તો આગામી દિવસોમાં હજુ પણ અનેક આશ્ચર્યજનક કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી છે.

(1:10 AM IST)