<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

ધનતેરસના પાવન પર્વે બરડા પંથકને જંગલ સફારીની ભેટ આપતા મુળુભાઇ બેરા

બરડા પંથકમાં સંભળાશે એશિયાઇ સિંહોની ડણકઃ એશિયાઇ સિંહોનું બીજુ નવું રહેઠાણ એટલે કે ‘બરડા વન્‍યજીવ અભયારણ્‍ય': ૧૪૩ વર્ષ બાદ કુદરતી રીતે વિચરતા સિંહો બરડામાં પરત આવતા જતા બરડો એશીયાઇ સિંહોનું બીજું રહેઠાણ બન્‍યું- મુળુભાઇ બેરાઃ બરડા પંથક પ્રવાસન ક્ષેત્રે અગ્રહરોળમાં સ્‍થાન મેળવશે : બરડો પંથક પ્રવાસન ક્ષેત્રે અગ્રહરોળમાં સ્‍થાન મેળવશેઃજંગલ સફારી તો માત્ર શરૂઆત છે રાજ્‍ય સરકાર દ્વારા આવનારા સમયમાં બરડા વિસ્‍તારમાં અનેકવિધ વિકાસના કામો થનારા છે : જો આપણે જંગલોનું રક્ષણ કરીશુ તો જ વન્‍યજીવ સૃષ્‍ટિનું રક્ષણ થશેઃ ગીર વન્‍યજીવ અભ્‍યારણ્‍ય બાદ હવે બરડામાં પણ સિંહો હાજરીથી પ્રવાસીઓને નવું નજરાણુ પ્રાપ્‍ત થયું: અર્જુનભાઇ મોઢવાડિયા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૩૦: ધનતેરસના પાવન દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કપુરડી ચેક પોસ્‍ટ ખાતે ગુજરાતમાં પ્રવાસીઓ માટે એક નવીન નજરાણા સમાન ‘એશિયાઈ સિંહોનું બીજું નવું રહેઠાણ' એટલે કે ‘બરડા વન્‍યજીવ અભયારણ્‍ય' ખાતે બરડા જંગલ સફારી' ફેઝ-૧નો રાજ્‍યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તેમજ મહાનુભાવોના હસ્‍તે શુભારંભ કરવામાં આવ્‍યો હતો. 

આ તકે પ્રાસંગિક ઉદબોધન કરતા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્‍યું હતુ કે,  મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી જંગલ સફારી રૂપે આપણા બરડા વિસ્‍તારને દિવાળી ખૂબ જ મોટી ભેટ મળી છે. જંગલ સફારી તો માત્ર શરૂઆત છે રાજ્‍ય સરકાર દ્વારા આવનારા સમયમાં બરડા વિસ્‍તારમાં અનેકવિધ વિકાસના કામો થનારા છે. ૧૪૩ વર્ષ બાદ કુદરતી રીતે વિચરતા સિંહો બરડામાં પરત આવતા જતા બરડો એશીયાઇ સિંહોનું બીજું રહેઠાણ બન્‍યો છે જે આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે.

વધુમાં મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ ગઈ કાલે જ અમરેલી ખાતેથી સૌરાષ્‍ટ્રને અનેક વિકાસ પ્રકલ્‍પોની ભેટ હતી. દિવાળીનો પર્વ મંગલ કાર્યો કરવા માટે શુભ સમય છે ત્‍યારે બરડામાં જંગલ સફારી પ્રારંભ પણ તેનો ભાગ છે. જેમ પ્રવાસીઓ સાસણ ગીરમાં એશિયાઇ સિંહો નિહાળવા માટે આવે છે તેમ હવે મોટી સંખ્‍યામાં પ્રવાસીઓ બરડામાં પણ આવશે. સાસણ ગીર, પોરબંદર નજીક મોકર સાગર વેટલેન્‍ડ , પોરબંદર પક્ષી અભયારણ્‍ય , માધવપુરનો રમણીય બીચ, શિવરાજપુર બીચ, સોમનાથ તથા દ્વારકા મંદિર ખાતે મોટી સંખ્‍યામાં આવતા પ્રવાસીઓ હવે બરડામાં પણ આવશે. જેના પરિણામે બરડો પંથક પ્રવાસન ક્ષેત્રે અગ્રહરોળમાં સ્‍થાન મેળવશે.

વધુમાં મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્‍યું હતું કે, આજથી ઘણા સમય પૂર્વે બરડા ડુંગર વિસ્‍તારમાં બનાવેલા ચેક ડેમો વર્ષાઋતુમાં જળ સંચય પરિણામે વન્‍યજીવો માટે ખૂબ જ ઉપયોગી બન્‍યા છે. બરડો એ માત્ર વન્‍યજીવો નિવાસ નહિ પરંતુ અદ્વિતિય ઔષધિઓ માટે પણ જાણીતો છે. પર્યાવરણ જતન અને સંવર્ધન માટે વન વિભાગ સતત પ્રયત્‍નશીલ રહે છે. જેના પરિણામે વન્‍ય જીવસળષ્ટિનું સંરક્ષણ શકયા બન્‍યું છે.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, બરડા સહિતના વિસ્‍તારમાં માલધારીઓ બહોળી સંખ્‍યામાં નિવાસ કરે છે. જંગલ સફારી પ્રારંભ થતાં માલધારીઓ માટે રોજગારીની અનેક તકો નિર્માણ થશે તેમજ પ્રવાસીઓને પણ ગ્રામીણ સંસ્‍કળતિ તેમજ પ્રકળતિ નજીકથી જાણવાનો એક લહાવો પ્રાપ્ત થશે. એશિયાટિક સિંહોના બરડામા વસવાટ થતા બરડા પંથકની પ્રજામાં પણ અનેરો ઉત્‍સાહ જોવા મળ્‍યો છે. મારો સૌ નાગરિકોને અનુરોધ છે કે વન તથા વન્‍યજીવો સંરક્ષણ માટે આપણે સૌ સાથે મળી સહકાર આપીએ.

આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્‍ય  અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે, જો આપણે જંગલો રક્ષણ કરીશું તો જ વન્‍યજીવ સળષ્ટિનું રક્ષણ થશે. ગીર વન્‍યજીવ અભ્‍યારણ્‍ય બાદ હવે બરડામાં પણ સિંહો હાજરીથી પ્રવાસીઓને નવું નજરાણું પ્રાપ્ત થયું છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન થકી સોમનાથ થી દ્વારકા સુધીના અનેક પ્રવાસન સ્‍થળો વિકાસ થયો છે જેનો સીધો લાભ આપણે સૌને મળ્‍યો છે. પ્રવાસન સ્‍થળોમાં વિકાસ થવાને પરિણામે નાગરિકોના જીવનમાં પણ ઉન્નતિ થઈ છે. વન્‍યજીવો સંરક્ષણ અને પર્યાવરણ જતન કરવાની નૈતિક જવાબદારી આપણા સૌની છે. તો ચાલો આપણે પર્યાવરણનું સંવર્ધન કરી આપણી આગામી પેઢીને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડીએ...

અગ્ર મુખ્‍ય વનસંરક્ષક અને ચીફ વાઈલ્‍ડ લાઈફ વોર્ડન નિત્‍યાનંદ શ્રીવાસ્‍તવે મહાનુભાવો તેમજ મોટી સંખ્‍યામાં હાજર રહેલ સ્‍થાનિકોને આવકારીને જણાવ્‍યું હતું કે, બરડા અભયારણ્‍ય બન્‍યું ત્‍યારથી આ સ્‍થળ ‘સિંહોનું બીજું ઘર' બને તે વિઝન સેવવામાં આવ્‍યું હતું, જે આજે સાકાર થવા જઈ રહ્યું છે. અહીં અનેક સિંહો નિવાસ કરી રહ્યાં છે. સિંહોને અનુકૂળ વાતાવરણ બનાવીને તેમજ તેમના ખોરાક રૂપ હરણ, સાંભર વગેરેનું પણ સંવર્ધન કરીને આ શકય બન્‍યું છે. આ સફારી કાર્યરત થતાં સ્‍થાનિક સ્‍તરે રોજગારીની નવી તકોનું સર્જન થશે અને આ અંતરિયાળ વિસ્‍તારના વિકાસનો માર્ગ મોકળો બનશે.

વન અને પર્યાવરણ મંત્રી  મુળુભાઇ બેરા સહિત મહાનુભાવો હસ્‍તે બરડા જંગલ સફારી ફેઝ - ૧ નું લોકાર્પણ , રાણાવાવ રેન્‍જ ઓફિસનું ઇ લોકાર્પણ કરાયું હતું. ઉપરાંત, સિંહ સંરક્ષણ માટે વેટરનરી ટીમને રેસકયુ વાહન લોકાર્પણ તથા સાસણ તેમજ પોરબંદર વેટરનરી અને ટ્રેકર ટીમને ઙ્કશસ્‍તિ પત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

કાર્યક્રમના પ્રારંભે માલધારી સમાજના યુવાનો દ્વારા વિખ્‍યાત મણિયારો રાસ રજૂ કરવામાં આવ્‍યો હતો તેમજ ઉપસ્‍થિત સૌએ બરડા જંગલ સફારી તથા કિલેશ્વર નેચર એજ્‍યુકેશન કેમ્‍પ વિશેની દસ્‍તાવેજી ફિલ્‍મ નિહાળી હતી.

આ સાથે મહાનુભાવોએ જંગલ સફારી વિશે વિસ્‍તળત માહિતી દર્શાવતી બુકલેટ તથા બ્રોશરનું વિમોચન કરવામાં આવ્‍યું હતું.

કાર્યકમમાં મહાનુભાવોનું શાબ્‍દિક સ્‍વાગત પોરબંદર નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્વાજ તથા આભારવિધિ આર.એફ.ઓ એસ.આર.ભમ્‍મર દ્વારા કરવામાં આવી હતી.

બરડા જંગલ સફારી ફેઝ - ૧ લોકાર્પણ પ્રસંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર જી.ટી.પંડ્‍યા, પોરબંદર કલેકટર શ્રી એસ.ડી.ધાનાણી, પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા, દેવભૂમિ દ્વારકા ઇન્‍ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ભૂપેશ જોટાણીયા, નાયબ વન સંરક્ષક સર્વે શ્રી ધનપાલ, અરુણકુમાર, સામાજિક અગ્રણી પી.એસ.જાડેજા, પાલાભાઈ કરમુર, પ્રતાપ પિંડારિયા, વી.ડી.મોરી અને મોટી સંખ્‍યામાં નાગરિકો ઊપસ્‍થિત રહ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, બરડા પ્રદેશના ઊંચા નીચા ડુંગર અને ટેકરીઓથી સુસજ્જિત ભૌગોલિક રચના આશરે ૨૧૫ ચોરસ કિમીનો વિસ્‍તાર પૈકી ૧૯૨.૩૧ ચોરસ કિ.મી. વિસ્‍તારને વન્‍યજીવ (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૭૨ હેઠળ સત્તાવાર રીતે વન્‍યજીવ અભયારણ્‍ય તરીકે જાહેર કરવામાં આવ્‍યો છે. બરડા વન્‍યજીવ અભયારણ્‍ય પોરબંદર અને દેવભૂમિ દ્વારકા એમ બે જિલ્લાઓમાં ફેલાયેલો છે.

બરડા જંગલ સફારીમાં ભાણવડ -રાણાવાવ તેમજ બરડા વન્‍યપ્રાણી અભયારણ્‍યના સૌથી મનોહર વિસ્‍તારોનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. આ સફારી દ્વારા પ્રવાસીઓ બરડા વન્‍યજીવ અભયારણ્‍યની સમળદ્ધ જૈવવિવિધતાનો અકલ્‍પનીય અનુભવ થશે. આ સફારી ટ્રેઇલ કીલગંગા નદીના સાનિધ્‍યમાંથી પસાર થઈ બરડા વન્‍યજીવ અભયારણ્‍યની સમળદ્ધ વનસ્‍પતિ સળષ્ટિ તેમજ વિશિષ્ટ પ્રાણીસળષ્ટિ નિહાળી શકાશે. સફારી પરમિટ મેળવવા માટે પ્રવાસીઓએ ટિકિટ બારી પર અગાઉથી બુકિંગ કરાવવું ફરજીયાત છે. આગામી સમયમાં આ પરમિટ માટે ઓનલાઇન બુકિંગની સુવિધા પણ ઉપલબ્‍ધ થશે, જેથી પ્રવાસીઓ વધુ સરળતાથી અને આગોતરું આયોજન કરી શકશે.

(10:14 AM IST)