News of Wednesday, 30th October 2024
ધ્રાંગધ્રામાં રૂા. ૨૦૦૦ ભરી મહિને ૮૦૦૦ કમાવાની લાલચ આપી છેતરપિંડી કરનાર યુવક, યુવતી ઝબ્બે
૫૦૦થી વધુ લોકોમાં મોટાભાગે મહિલાઓને સભ્ય બનાવી બંને રફુચક્કર થઇ ગયા હતા

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ,તા. ૩૦: ધ્રાંગધ્રાના નરસિંહપરામાં રહેતી કોમલ નામની યુવતી અને અમદાવાદમાં રહેતો મહેન્દ્ર નામના યુવક દ્વારા ધ્રાંગધ્રાના નરશીપરા, કુંભારપરા, કોંઢ રોડ, બસ સ્ટેન્ડની આસપાસ વિસ્તારોમાં અનેક લોકોને ૨૦૦૦ રૂપિયા ભરી સભ્ય બનાવી અને વાઉચરની બુક ભરી મહિને ૮થી ૧૦૦૦૦ હજાર કમાવાની લાલચ આપી અનેક લોકો સાથે ઠગાઈ કરી હતી. આમ બંને બંટી-બબલી ફરાર થઈ ગયા હતા. જેમાં અનેક લોકો ઠગાઈના શિકાર બન્યા હતા. ત્યારે આ યુવતી અને યુવક અમદાવાદ ખાતેથી ઝડપાતા ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે લાવતા મોટી સંખ્યામાં ફરિયાદ કરવા માટે મહિલાઓ સહિત લોકોના ટોળા ઊમટી પડ્યા હતા.
ત્યારે ઠગાઈનો શિકાર બનનાર જાદવ દેવાંશીબેન, જાદવ મનસુખભાઈ, સોનલબેન, છાયાબેન પોતાની આપવીતી કહેતા જણાયું કે આ યુવતી અને યુવક દ્વારા અમને રૂ. ૨,૦૦૦ના સભ્ય બનાવી દર મહિને ૮થી ૧૦ હજાર રૂપિયા કમાવાની લાલચ આપી પાર્ટ ટાઈમ કામ કરી અને તમે કમાઈ શકશો એવી લાલચ આપી અમારી પાસેથી અમારા એકના નહીં પણ અમારા કુટુંબના નામોના બબ્બે હજાર રૂપિયા ભરાવી અને પછી એક પણ રૂપિયો આપ્યા વગર રફુચક્કર થઈ ગયા હતા. ત્યારે આ બંને સામે પોલીસ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન અમારી વિસ્તારની મહિલાઓ સાથે આવ્યા છીએ. પોલીસ ફરિયાદ થાય ત્યારબાદ ઠગાઈનો આંકડો બહાર આવશે. યુવતીના પરિવારજનો ધ્રાંગધ્રા રહેતા હોવાથી મુશ્કેલીઓ મૂકાઈ ગયા છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
