News of Tuesday, 5th November 2024
સેવા કરવા માટે સત્તાની આવશ્યકતા નથી, જે અમરેલી જિલ્લાની સેવાકીય સંસ્થાઓએ ચરિતાર્થ કર્યું છે : દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર નિર્માણના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને અમરેલી જિલ્લાએ ખૂબ સુપેરે ઝીલીને ૯૯ અમૃત સરોવરનું નિર્માણ કર્યું : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
સ્વચ્છતા જાળવવી, વીજળી, પાણી અને પેટ્રોલની બચત સાથે વૃક્ષારોપણ પણ દેશ સેવા : મુખ્યમંત્રી માતૃભૂમિ વંદના મહોત્સવમાં સહભાગી બન્યાં: ચાડિયાના ગ્રામજનોએ પરંપરાગત રીતે ઉત્સાહભેર સ્વાગત કર્યું : શ્રી અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ-ચાડિયાની રજૂઆતના પરિણામે ચાડિયા ગામે હયાત તળાવનું નવસર્જન થશે : તળાવની જળ સંગ્રહ શક્તિમાં ૧૧ કરોડ લિટરનો વધારો થશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલીના ચાડિયા ગામે નવસર્જન પામનાર બાબુભાઈ આર. પેથાણી સરોવરનું ભૂમિ પૂજન કર્યું

અમરેલી, તા.૫
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી તાલુકાના ચાડિયા ગામે નવસર્જન પામનાર બાબુભાઈ આર. પેથાણી સરોવરનું ભૂમિ પૂજન કર્યું હતું. અમરેલીથી આશરે ૨૫ કિમી દૂર ચાડિયા ગામે માતૃભૂમિ વંદના મહોત્સવમાં સહભાગી થતા જનભાગીદારીથી નિર્મિત થનાર બાબુભાઈ આર. પેથાણી સરોવરનું શીલા પૂજન સાથે ખાતમુહૂર્ત કર્યું હતું.
શ્રી અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ - ચાડિયા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, અમરેલી જિલ્લાની વિવિધ સેવાકીય સંસ્થાઓની મુલાકાતનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, અમરેલી જિલ્લાની વિવિધ સેવાકીય સંસ્થાઓએ ચરિતાર્થ કર્યું છે કે સેવા કરવા માટે સત્તાની આવશ્યકતા નથી. સામાન્ય નાગરિકથી લઇ કોઇપણ સંસ્થાઓ પોતાના સેવા કાર્યો થકી રાષ્ટ્રની સેવા કરી શકે છે. સ્વભાવ અને સંસ્કાર સાથે સ્વચ્છતા વણાઈ જાય ત્યારે સેવા ભાવ દીપી ઊઠે છે.
મુખ્યમંત્રીશ્રીએ પાણીને ખૂબ સાચવી અને કાળજીપૂર્વક વાપરવાના સંદેશને યાદ કરીને પાણીની બુંદ-બુંદને બચાવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર નિર્માણના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને અમરેલી જિલ્લાએ ખૂબ સુપેરે ઝીલ્યું અને અમરેલી જિલ્લામાં ૯૯ જેટલા સરોવરનું નિર્માણ થયું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સ્વચ્છતા જાળવવી, વીજળી, પાણી અને પેટ્રોલ સહિતના સંસાધનોની બચત ઉપરાંત વૃક્ષારોપણ કરવું તે પણ દેશ સેવા છે. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ અવિરતપણે જનકલ્યાણના કાર્યો કરતા રહેવા માટે આહવાન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, ચાડિયા વિકસિત હોવાની સાથે સામાજિક સમરસતાનું પણ મોટું ઉદાહરણ છે. દરેક જ્ઞાતિ-જાતિના લોકોએ સાથે મળીને અહીં નવ ગ્રહોની પૂજા કરી છે જે ચાડિયાને ખરાં અર્થમાં આદર્શ ગામ બનાવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રી અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ - ચાડિયાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. શ્રી અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ – ચાડિયાના ટ્રસ્ટી હસમુખભાઈ ગઢીયાને સેવાકીય પ્રવૃત્તિઓ માટે અભિનંદન આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીના આગમનને ચાડિયાના ગ્રામજનોએ પરંપરાગત રીતે ઢોલ-નગારા સાથે ઉત્સાહભેર વધાવી ધામધૂમથી સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ચાડિયાના સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રીફળ વધેરી ભાવપૂર્વક દર્શન કર્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે સરોવર નિર્માણમાં યોગદાન આપનાર દાતા પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
અમરેલી હવેલીના શ્રી દ્વારકેશબાવાશ્રીએ નૂતન વર્ષની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, માતૃભૂમિ પ્રત્યે પ્રેમ અને સદ્દભાવનાના ગુણો વંદનીય છે. શ્રી અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા માતૃભૂમિનુ ઋણ અદા કરવામાં આવ્યું તે સરાહનીય છે.
શ્રી અન્નપૂર્ણા ટ્રસ્ટના સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવતા વડોદરા કલ્યાણરાયજી હવેલીના ગોસ્વામી દ્વારકેશલાલજીએ કહ્યુ કે, જેમ આહાર દ્વારા શરીરની ભૂખ તૃપ્ત થાય છે તેમ ધર્મ અને સમાજ કલ્યાણની ભાવનાથી આત્મા તૃપ્ત થાય છે જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ ટ્રસ્ટ દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓ થકી પૂરું પાડવામાં આવ્યું છે.
જામનગરના ખીજડા મંદિરના મહંત કૃષ્ણમણી મહારાજશ્રીએ ઉપસ્થિત સર્વેને નૂતન વર્ષની શુભેચ્છાઓ સાથે આશીર્વચન પાઠવ્યા હતા.
શ્રી અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ-ચાડિયાની રજૂઆતના પરિણામે ચાડિયા ગામે હયાત તળાવ નવસર્જન પામશે, સાથે આ તળાવની જળ સંગ્રહ શક્તિમાં ૧૧ કરોડ લિટરનો વધારો થશે.
શ્રી અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીને મોમેન્ટો અર્પણ કરી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ સાથે ગ્રામ પંચાયત-ચાડિયા, ગ્રામ વિકાસ મંડળ, ચાડિયા સેવા સહકારી મંડળી, ભોજલરામ મંડળી, ગરબી મંડળ દ્વારા મુખ્યમંત્રીશ્રીને શાલ ઓઢાડી અને સ્મૃતિચિન્હ અર્પણ કરીને બહુમાન કરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેર પૂર્વ મેયર અને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન અને ચાડિયા ગામના વતની ધનસુખભાઇ ભંડેરીએ શાબ્દિક સ્વાગત કર્યુ હતુ.
આ પ્રસંગે રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, નાયબ મુખ્ય દંડક અને અમરેલી-વડીયા-કુંકાવાવના ધારાસભ્ય કૌશિકભાઇ વેકરિયા, ધારાસભ્યો મહેશભાઈ કસવાળા, જે.વી.કાકડિયા, જનકભાઈ તળાવીયા, કંચનબેન રાદડિયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલિયા, તરવડાના કૃષ્ણપ્રિય સ્વામીજી, પ્રીતમલાલજી મહારાજ, શ્રી અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હસમુખભાઈ ગઢીયા, ટ્રસ્ટીઓ ધીરુભાઈ ભંડેરી, ધનસુખભાઈ ભંડેરી, અશ્વિનભાઈ પેથાણી, કાળુભાઈ ગઢીયા,
બાબુભાઈ ભંડેરી તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો અને દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
