તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Wednesday, 6th November 2024
જોરાવરનગરમાં વેપારી જીતેન્દ્રસિંહની ગોળી ધરબી હત્યા
હત્યાનો ભોગ બનેલા મયુર પાનવાળા ૫૦ વર્ષના વેપારીના ભત્રીજા મયુરસિંહ ગોહિલ પાસેથી ગયા વર્ષની દિવાળીએ સુરેન્દ્રનગરનો વનરાજ ખાચર ફટાકડા લઇ ગયો હતો તેના રૂપિયા ૩૫ હજાર આ દિવાળી સુધી ચુકવ્યા નહોતાં: ગત રાતે વનરાજ આવતાં જીતેન્દ્રસિંહે જુના લેણાની ઉઘરાણી કરતાં ઉશ્કેરાઇને હત્યા કરીઃ આરોપીને ઝડપી લેવા દોડધામ : વેપારીની હત્યાથી ત્રણ સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું: ગોહિલ પરિવારમાં ગમગીનીઃ મૃતદેહનું રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

હત્યા થઇ તે પાનની દૂકાને પોલીસ, એકઠા થયેલા લોકો અને ફુટેલુ કાર્ટીસ (ફોટોઃ ફઝલ ચોૈહાણ-વઢવાણ) : હત્યાનો ભોગ બનેલા જીતેન્દ્રસિંહ અગરસિંહ ગોહિલનો નિષ્પ્રાણ દેહ અને તેમનો ફાઇલ ફોટો
રાજકોટ તા. ૬: સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં વધુ એક વખત કાયદો વ્યવસ્થાના લીરા ઉડયા છે. ગામમાં પાનની દૂકાન ધરાવતાં વેપારીની તેમની જ દૂકાનમાં સુરેન્દ્રનગરના શખ્સે છાતીમાં ગોળી ધરબી હત્યા કરી નાખતાં ગામમાં ચકચાર મચી ગઇ છે અને પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. હત્યાનો ભોગ બનનાર વેપારીના ભત્રીજાએ ગયા વર્ષની દિવાળી પર ફટાકડાનો સ્ટોલ કર્યો હોઇ તેમને ત્યાંથી સુરેન્દ્રનગરનો શખ્સ બાકીમાં ફટાકડા લઇ ગયો હતો. તેના પાંત્રીસ હજાર રૂપિયા આ દિવાળી સુધી ચુકવ્યા નહોતાં. ગત રાતે આ શખ્સ ફરી દૂકાન પાસે આવતાં વેપારીએ આગલા લેણા રૂપિયાની ઉઘરાણી કરતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને ઝઘડો ફાયરીંગ કરી દેતાં વેપારીની લોથ ઢળી ગઇ હતી. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે.
વઢવાણથી ફઝલ ચોૈહાણના અહેવાલ મુજબ સુરેન્દ્રનગર જીલ્લા, તાલુકા પોલીસની નિષ્ક્રીયતા છત્તી કરતો વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. જેમાં જોરાવરનગરમાં પાનની દૂકાનમાં બેઠેલા વેપારીને ફાયરીંગ કરી સુરેન્દ્રનગરના શખ્સે હત્યા કરી નાખી છે. બનાવની જાણવા મળેલી માહિતી મુજબ જોરાવરનગરમાં રહેતાં જીતેન્દ્રસિંહ અગરસિંહ ગોહિલ (ઉ.વ.૫૦) નામના વેપારી ગત રાતે ગામના પાદરમાં આવેલી પોતાની મયુર પાન નામની દૂકાનમાં ખુરશી પર બેઠા હતાં ત્યારે સુરેન્દ્રનગરના વનરાજ કાળુભાઇ ખાચરે આવી ઝઘડો કરી પોતાની પાસેના હથીયારમાંથી ફાયરીંગ કરતાં એક ગોળી જીતેન્દ્રસિંહની છાતીમાં ખુંપી ગઇ હતી. બીજી ગોળી ટેબલ તરફ ફંટાઇ ગઇ હતી.
સરાજાહેર ફાયરીંગ થતાં દેકારો મચી જતાં ગામ લોકો ભેગા થઇ ગયા હતાં. બાદમાં આરોપી વનરાજ ભાગી ગયો હતો. ગંભીર ઇજા પામનાર વેપારી જીતેન્દ્રસિંહ ગોહિલને પ્રથમ જોરાવનગર હોસ્પિટલમાં અને ત્યાંથી સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ડોક્ટરે તેમને મૃત જાહેર કરતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવ અંગે જોરાવરનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.
રાજકોટના અહેવાલ મુજબ હત્યાનો ભોગ બનનાર વેપારી જીતેન્દ્રસિંહ ગોહિલ ચાર ભાઇ અને બે બહેનમાં નાના હતાં. તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. સગાએ વધુમાં જણાવ્યું હતું કે જીતેન્દ્રસિંહ ગોહિલના ભત્રીજા મયુરસિંહ ગોહિલે વર્ષ ૨૦૨૩માં દિવાળી વખતે જીતેન્દ્રસિંહની મયુર પાન નામની દૂકાનની બાજુમાં જ ફટાકડાનો સ્ટોલ કર્યો હતો. તે વખતે સુરેન્દ્રનગરનો વનરાજ ખાચર બાકીમાં ફટાકડા લઇ ગયો હતો. જેના રૂપિયા ૩૫ હજાર આ દિવાળી સુધી તેણે ચુકવ્યા નહોતાં. ગત રાતે વનરાજ જોરાવરનગરમાં આવ્યો હોઇ અને જીતેન્દ્રસિંહની દૂકાન પાસે આવતાં તેમણે અગાઉના લેણા નીકળતા ફટાકડાના રૂપિયાની ઉઘરાણી કરતાં વનરાજે ઝઘડો ચાલુ કરી ગાળાગાળી કરી હતી અને પોતાની પાસેના હથીયારથી ભડાકો કરતાં ગોળી જીતેન્દ્રસિંહની છાતીમાં ખુંપી ગઇ હતી અને તેમનું મૃત્યુ થયું હતું. આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
