News of Friday, 8th November 2024
વિરપુર (જલારામ)માં પૂ. જલારામબાપાના દર્શને લાખો ભાવિકો ઉમટયા
‘‘જયાં ટુકડો ત્યા હરી ઢુકડો'' ને જીવનમંત્ર બનાવનાર સંત શિરોમણી પૂ. જલારામબાપાની આજે જન્મજયંતી : પૂજ્ય જલારામ બાપાની જન્મભૂમી અને કર્મભૂમી વીરપુરધામમાં બાપાની ૨૨૫મી જન્મ જયંતિની નિમીતે લાખો ભાવિકો ઉમટી પડેલા જેઓએ બાપાના દર્શન કરી સદાવ્રતનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતીઃ વહેલી સવારથી જ લાખો ભાવિકોની ભીડ ઉમટી...પૂજ્ય જલાબાપાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગીઃ જય જલીયાણના નાંદ સાથે વાતાવરણ ગૂંજી ઉઠ્યું...

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) તા. ૮ : પૂજ્ય જલારામબાપાની ૨૨૫મી જન્મ જયંતિ નિમિતે વીરપુર વેપારી મિત્ર મંડળ દ્વારા સમગ્ર ગામને ધજા, પતાકા તેમજ રોશનીથી શણગારી દિવાળી કરતા પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. વેપારીઓ દ્વારા દુકાનો, હોટેલો તેમજ વીરપુરવાસીઓએ ઘેર-ઘેર આસોપાલવના તોરણ, કેળના પાન, રંગબેરંગી ધજાપતાકા, દિવડાઓ, લાઈટ ડેકોરેશન, આંગણાઓમાં જલારામબાપાના જીવનની ઝાંખી દર્શાવતી રંગબેરંગી રંગોળીઓ પુરવામા આવી હતી. વહેલી સવારે પૂજય બાપાના પરીવારજનો દ્વારા બાપાની સમાધીએ પૂજા અર્ચના કર્યા બાદ નીજ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકતા જન્મ જયંતિ નીમીતે આરતીનો લાભ લેવા ભાવિકોનું ઘોડાપુર મંદિર ખાતે ઉમટી પડયું હતું. ત્યાર બાદ પૂજય બાપાની ૨૨૫મી જન્મ જ્યંતી હોય સેવાભાવી યુવાનો દ્વારા ૨૨૫ કિલોની ગુંદી અને ગાંઠિયાના પેકેટ બનાવી ભવિકોને પ્રસાદરૂપે વિતરણ કર્યા હતા. સાથે જલારામબાપાની જન્મ જયંતિ હોય જલારામ ગ્રૂપ દ્વારા કેક કાપી મંદિરેથી શોભાયાત્રા કાઢવામા આવી જેમાં પૂજય બાપાના જીવનને ચરિતાર્થ કરતી વિવિધ ઝાંખીઓ સાથેની શોભાયાત્રા સમગ્ર ગામના રાજમાર્ગ પર ફરી હતી.
ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જલારામબાપાનું વિરપુર ધામ તેમાં કોઈ પણ જાતનું દાન કે ભેંટ પૂજા સ્વીકાર્યો વગર સદાવ્રત ચાલું હોવાને ૨૫ વર્ષ થઈ ગયા છે. આજે પૂજય બાપાની જન્મ જયંતિ નિમિતે દેશ-વિદેશથી પધારેલા લાખો શ્રધ્ધાળુંઑએ પ્રસાદ લીધો હતો. અને હજુ પૂજ્ય જલારામબાપાના ભક્તોનો પ્રવાહ અવિરત પણે હજુ વીરપુર બાજુ આવી રહ્યો છે. ગાગર જેવડા વીરપુરમાં સાગર જેવડો સંત પૂજય જલારામબાપાની જન્મ જ્યંતીની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.(તસ્વીરઃ કિશનસિંહ મોરબીયા - વિરપુર)
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
