<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

જૂનાગઢમાં મોરબી, ભુજનાં પ્રવાસીઓની કારમાંથી ૨.૮૦ લાખની મતાની ચોરી મામલે તપાસનો ધમધમાટ

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જોવા આવ્‍યા હતા, ઝુના પાકિંગમાં જ કારનાં કાચ તોડી તસ્‍કરોએ હાથફેરો કર્યો'તો

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા. ૦૮ : જૂનાગઢમાં મોરબી, ભુજનાં પ્રવાસીઓની કારમાંથી ૨.૮૦ લાખની મતાની ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

મોરબીમાં સામા કાંઠે આવેલ અંબિકા સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષીય વજેસિંહ રાજેન્‍દ્રસિંહ જાડેજા પરિવાર સાથે સૌરાષ્‍ટ્રમાં અલગ અલગ સ્‍થળોએ જીજે ૩૬ એએફ ૯૮૭૮ નંબરની કારમાં ફરવા આવ્‍યા હતા. ગુરૂવારે સવારે ૯:૩૦ વાગ્‍યે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જોવા માટે પહોંચ્‍યા હતા. અને કારને ઝુના ર્પાકિંગમાં પાર્ક કરી પ્રાણી સંગ્રહાલય જોવા ગયા હતા અને બાદમાં ૧૧.૩૦ વાગ્‍યે પરત આવતા કારની ડ્રાઇવર સાઈડના વચ્‍ચેના દરવાજાનો કાચ તૂટેલો જોવા મળ્‍યો હતો. આમ તસ્‍કરો વજેસિંહ જાડેજાની કારના કાચ તોડી પત્‍નીના પર્સમાંથી રૂપિયા ૧.૪૦ લાખની રોકડ રકમ તથા રૂપિયા ૧ લાખની કિંમતના ૫ તોલા જૂના સોનાનો ચેન તેમજ ભુજના માનકુવા ગામના કાનજીભાઈ લાલજીભાઈ વેકરીયાની જીજે ૦૬ એમડી ૦૬૬૦ નંબરની કારના પણ કાચ તોડી મહિલાના પર્સમાંથી રૂપિયા ૪૦ હજારની રોકડ મળી કુલ રૂપિયા ૨.૮૦ લાખની માલમતાની ચોરી કરી બંને કારને રૂપિયા ૧૦,૦૦૦નું નુકસાન પહોંચાડીને તસ્‍કરો નાસી ગયા હતા.

આમ ધોળા દિવસે સક્કરબાગ ઝુનાં ર્પાકિંગ ખાતે બે કારમાંથી ચોરી થતા પ્રવાસીઓમાં હલચલ મચી ગઈ હતી. ચોરીની ઘટના અંગે એ ડિવિઝનના પીઆઈ બી. બી. કોળી સહિતના સ્‍ટાફે વજેસિંહ જાડેજાની ફરિયાદનાં આધારે સક્કરબાગ ઝૂના ર્પાકિંગના સીસીટીવી કેમેરામાં જોવા મળેલા અજાણી ૩ મહિલા અને ૨ શખ્‍સની શંકાસ્‍પદ હિલચાલ અંગે તપાસ હાથ ધરી છે.

(1:52 PM IST)