તા. ૨૨ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ વદ – ૧૪ શુક્રવાર
સોરઠમાં પૂ. જલારામ બાપાની ૨૨૫મી જન્મ જયંતીની ભાવભેર ઉજવણી
રઘુવંશીઓ માટે સમૂહ પ્રસાદ, રક્તદાન શિબિર, થેલેસેમિયા પરીક્ષણ, અન્નકૂટ શોભાયાત્રા સહિતના આયોજન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૦૮ સોરઠભરમાં આજે સવારથી પૂ. જલારામ બાપાની ૨૨૫મી જન્મ જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે.
દેને કો ટુકડો ભલો લેને કો હરી નામને જીવન મંત્ર બનાવનાર
સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૫મી જન્મ જયંતીને લઈને જય જલિયાણનો નાદ ગુંજી ઉઠ્યો છે.
જુનાગઢ સહિત સોરઠભરમાં સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જુનાગઢ શહેરમાં લોહાણા મહાજન રઘુવંશી સંસ્થાઓ અને મંડળોના ઉપક્રમે જલિયાણ નગરી માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે પૂજ્ય જલારામ બાપાની જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે સવારે બાપાની ઝૂંપડી સન્મુખ ૨૨૫ દિવડાની આરતી, સારસ્વત ભૂદેવોનું પૂજન, પ્રસાદ રક્તદાન શિબિર થેલેસેમિયા પરીક્ષણ, રેન્ડમ બ્લડ સુગર તપાસ, ગૌશાળા સંસ્થાઓને ઘાસચારા તથા દવા અને ચણ માટે ચેક અર્પણનો કાર્યક્રમ યોજાયો છે.
લોહાણા મહાજનના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂની આગેવાનીમાં જલારામ જયંતિ ની ઉજવણીના ભાગરૂપે માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે વિવિધ કાર્યક્રમો ઉપરાંત શહેરમાં હવેલી ગલી સ્થિત જલારામ બાપા તથા માતળશ્રી લીરબાઈ મંદિર ખાતે સવારથી અન્નકૂટ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
જલારામ બાપાના જન્મોત્સવના પાવન અવસરે સાંજે ચાર વાગ્યે પોસ્ટ ઓફિસ રોડ પર નવનિર્મિત જલારામ બાપાના મંદિર સ્થાન પરથી શોભા યાત્રા નીકળશે. શોભાયાત્રા કાળવા ચોક, જયશ્રી રોડ થઈ જલારામ સોસાયટી રોયલ પાર્ક ખાતે પૂર્ણ થશે.શહેરના ઝાંઝરડા રોડ પાસે આવેલ જલારામ ભક્તિ ધામ ખાતે પણ જલારામ પરિવાર ટ્રસ્ટ દ્વારા આરતી પૂજન, ધ્વજારોહણ , મેડિકલ કેમ્પ સહિતના કાર્યક્રમો સાથે જલારામ જયંતિ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જલારામ જયંતિની ભાવભેર ઉજવણીમાં મોટી સંખ્યામાં રઘુવંશી પરિવારો સહિત જલારામ ભક્તો જોડાયા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
