<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

ગિરનારની લીલી પરિક્રમા પહેલાં ઉતારા અને અન્નક્ષત્રોને રૂટ પર કાલથી એન્ટ્રી :તૈયારીઓને આખરી ઓપ અપાયો

પરિક્રમાના રૂટ ઉપર સાધુ-સંતોએ જીણાબાવાની મઢી પાસેથી ધુણા ધખાવી દીધા: મજેવડી ગેટથી ભવનાથ રૂટ પર ૩૦ થી વધુ દિશાનિર્દેશક બોર્ડ, નો પાર્કિંગના 50 જેટલા બોર્ડ મુકાયા અને ટ્રાફિક સમસ્યા ટાળવા 250થી વધુ બેરીકેટ અને 250નો સ્ટાફ તૈનાત

જૂનાગઢ :ગિરનારની 36 કિલોમીટરની લીલી પરિક્રમા વિધિવત શરુ થવાને આડે હવે માત્ર 4 દિવસનો સમય બાકી રહ્યો છે. ત્યારે પરિક્રમા કરવા આવનાર લાખો પરિક્રમાર્થીઓની પાથમિક સુવિધાઓને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજથી પરિક્રમાના રૂટ ઉપર સાધુ-સંતોએ જીણાબાવાની મઢી પાસેથી ધુણા ધખાવી દીધા છે. ઉતારા મંડળ અને અન્નક્ષેત્રને આવતીકાલથી રૂટ ઉપર પ્રવેશ આપવામાં આવશે.

ભવનાથ, જીણાબાવાની મઢી, માળવેલા, બોરદેવી સિવાય અન્ય કોઈ પડાવ ખાતે રાત્રિ રોકાણ કરવું નહીં, નિયત કરાયેલ રૂટ જેમ કે, ભવનાથથી રૂપાયતન, રૂપાયતનથી ઇંટવા, ઇંટવાથી ચાર ચોક થઈ જીણાબાવાની મઢી, જાંબુડી થાણાથી ચાર ચોક સુધીનો રસ્તો, મઢીથી માળવેલા સુધીની કેડી, મઢીથી સરકડીયા હનુમાન સુધીની કેડી, માલીડાથી પાટવડ કોઠા થઈ સુરજકુંડ, સુરજ કુંડથી સરકડીયા સુધીનો રસ્તો, સુરજકુંડથી સુખનાળા સુધીનો રસ્તો, સુખનાળાથી માળવેલા, માળવેલાથી નળપાણીની ઘોડીની કેડી, નળપાણી ઘોડીથી નળપાણીની જગ્યા, નળપાણી જગ્યાથી બોરદેવી ત્રણ રસ્તા સુધીની કેડી, ત્રણ રસ્તાથી બોરદેવી અને બોરદેવીથી ભવનાથ સુધીનો રસ્તો. આમ ભવનાથમાં આ 36 કિ.મી.ની પરિક્રમા પૂર્ણ થાય છે.

જૂનાગઢ ટ્રાફિક પોલીસ દ્વારા ભવનાથ વિસ્તારમાં અલગ-અલગ ૬ જગ્યાએ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ ભવનાથ તળેટીથી સોનાપુરી સ્મશાન સુધી ભવનાથમાં જવા માટે વન-વે રસ્તો કરવામાં આવ્યો છે, તો બીજી તરફ સોનાપુરી સ્મશાનથી ગીરનાર દરવાજા સુધી ભવનાથથી બહાર નીકળવા માટે વનવૈ રસ્તો જાહેર કરવામાં આવશે. પી.આઈ.વી.જે.સાવજે કહ્યું કે, મજેવડી ગેટથી ભવનાથ રૂટ પર ૩૦ થી વધુ દિશાનિર્દેશક બોર્ડ, નો પાર્કિંગના 50 જેટલા બોર્ડ મુકવામાં આવ્યા છે. ટ્રાફિક સમસ્યા ટાળવા 250થી વધુ બેરીકેટ અને 250નો સ્ટાફ મુકવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલમાંથી પરિક્રમા માટે ખાસ ઓક્સિજન સિલિન્ડર, સ્ટ્રેચર, દવાઓ સાથે મેડિકલ ઓફિસર, ફિજિશીયન, નર્સિંગ સ્ટાફ સહિતની 2 ટીમ દ્વારા ભવનાથ તળેટીમાં આરોગ્યવિભાગનો આઈસીયુ વોર્ડ તૈયાર કરવામાં આવશે. રૂટ પર ચઢાણવાળા વિસ્તારમાં શ્વાસની તકલીફ તથા હદય રોગની સંભાવના વધુ રહે છે. આ ઉપરાંત વાતાવરણમાં બદલાવના કારણે ઓક્સિજન, સ્ટ્રેચરદવાઓના જથ્થા સાથે મેડીકલ ઓફિસર, ફિજિશિયન નિષ્ણાતની ટીમ, તેમજ નર્સિંગ સ્ટાફ હાજર રહેશે.

(2:04 PM IST)