News of Friday, 8th November 2024
ગિરનાર લીલી પરિક્રમાને તૈયારીઓને આખરી ઓપ :સમીક્ષા બેઠક યોજાઈ: પરિક્રમા રૂટ પર 1 હજાર કચરા પેટી લગાવાશે
જિલ્લા સમાહર્તા અનિલકુમાર રાણાવસિયાએ શ્રદ્ધાળુઓને વીજળી, પાણી, આરોગ્ય, પરિવહન સહિતની સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી

જૂનાગઢ : જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસિયાએ ગિરનાર લીલી પરિક્રમાના રૂટના નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. ફ્રી વાહન પાર્કિંગના સાઈન બોર્ડ અને પરિક્રમાર્થીઓ પરિક્રમાનો રૂટ ન ભટકે તે માટે પણ જરૂરી સાઈન બોર્ડ મૂકવા નિર્દેશ કરવામાં આવ્યો હતો. પરિક્રમા રૂટ પર 1 હજાર કચરા પેટી લગાવાશે.
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી બેઠકમાં જિલ્લા સમાહર્તા અનિલકુમાર રાણાવસિયાએ ગિરનાર લીલી પરિક્રમામાં ગુજરાત અને દેશભરમાંથી પધારતા ભાવિકોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓ પાસેથી પૂર્વ તૈયારીઓની વિગતો મેળવી હતી. આ સાથે શ્રદ્ધાળુઓને વીજળી, પાણી, આરોગ્ય, પરિવહન સહિતની સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે પણ ખાસ પ્રબંધ કરવા કલેકટરે સૂચના આપી હતી. આ માટે વન વિભાગ અને સેવાકીય સંસ્થાઓ દ્વારા પરીક્રમાર્થીઓને બાયોડીગ્રેડેબલ કાપડની થેલીનું પણ વિતરણ કરવામાં આવશે.
જિલ્લા કલેકટરશ્રીએ પરિક્રમા દરમિયાન સફાઈની વિશેષ તકેદારી લેવામાં આવે તે માટે પણ ભાર મૂક્યો હતો. આ વર્ષે પરિક્રમા દરમિયાન પણ સાફ-સફાઈ કરવાનું વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. વન વિભાગ અને સેવાકીય સંસ્થાઓ દ્વારા 1 હજાર જેટલી કચરા પેટીઓ પરિક્રમા રૂટ ઉપર રાખવામાં આવશે. ઉપરાંત દામોદર કુંડ, ભવનાથ સહિતના વિસ્તારની સફાઈ માટે મહાનગરપાલિકાની વધારાની ટીમો પણ કાર્યરત રહેશે. કલેક્ટરએ ફ્રી વાહન પાર્કિંગના સાઈન બોર્ડ અને પરિક્રમમાંથીઓ પણ પરિક્રમાનો રૂટ ન ભટકે તે માટે જંગલમાં સાઈન બોર્ડ મૂકવા નિર્દેશ આપ્યા હતાં.
જિલ્લા કલેકટરએ, એસટી બસ સ્ટેન્ડ ખાતેથી જ પરિક્રમાર્થીઓને પ્લાસ્ટિક સાથે ન લઈ જવા માટે સુચિત અને સમજુત કરવા ઉપરાંત એસટી બસમાં કચરા પેટીની વ્યવસ્થા રાખવા માટે પણ સૂચના આપી હતી. ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ભાવિકોને પીવાના પાણીની પૂરતી સગવડતા મળી રહે તે માટે વધારાના પીવાના પાણીના પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા આવી રહ્યા છે. પરિક્રમાર્થીઓનું આરોગ્ય ન જોખમાય માટે તે ખાદ્ય સામગ્રીના નમુનાઓ લેવા માટે પણ સૂચના આપી હતી. સાથે જ દૂધ ગેસ સિલિન્ડર સહિતના પુરવઠો જળવાઈ રહે તે માટે પણ નિર્દેશ કર્યા હતા.
ભાવિકોની સુરક્ષા અને મદદ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે. જંગલમાં આગના બનાવોને અટકાવવા માટે દવ ટૂકડીઓ કાર્યરત રહેશે. ઉપરાંત ફાયર ફાઈટરની સેવાઓ ઉપલબ્ધ રહેશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, નાયક વન સરક્ષક અક્ષય જોશી, નિવાસી અધિક કલેકટર એન. એફ. ચૌધરી, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર અજય ઝાપડા સહિત પીજીવીસીએલ, આરોગ્ય, પાણી પુરવઠા સહિતના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ આજે ગિરનાર લીલી પરિક્રમા રૂટનું નિરીક્ષણ કર્યું હતું. આ રૂટ નિરીક્ષણ દરમિયાન ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકો માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવા માટે પરામર્શ કર્યો હતો. ઉપરાંત ગિરનાર લીલી પરિક્રમાના કઠિન અને ચઢાણ વાળા રૂટ પર પરિક્રમાર્થીઓને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે પણ જરૂરી વ્યવસ્થાઓ કરવા માટેનો તાગ મેળવ્યો હતો. જિલ્લા કલેક્ટરની સાથે જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી સહિતના અધિકારીઓએ પરિક્રમા રૂટનું જાત નિરીક્ષણ કર્યું હતું.
કલેકટર અનિલકુમાર રાણાવાસિયાની પહેલથી CPR - કાર્ડીયો પલ્મનરી રીસસીટેશન એટલે કે, હૃદય અને ફેફસાને પુનઃજીવિત કરવાની પ્રક્રિયાની ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ફરજ બજાવનાર અધિકારી કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. આજે કલેકટર કચેરી ખાતે જુદા જુદા વિભાગના અધિકારી કર્મચારીઓને CPRની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી
આ તાલીમના માધ્યમથી હૃદય બંધ પડી જવા કે કાર્ડિયાક એરેસ્ટની સ્થિતિમાં તબીબી સેવાઓ સાથે સંકળાયેલ નથી તેવા સામાન્ય લોકો પણ લોકોનો જીવ બચાવી શકે છે. આ તાલીમ આપનાર ડો. અંજલી ઉનડકટ જણાવે છે કે, હૃદય અને ફેફસાને પુન: જીવિત કરવાની પ્રક્રિયા એટલે કે CPR દ્વારા લોકોનો જીવ બચાવી શકાય છે. ખાસ કરીને ગિરનાર લીલી પરિક્રમાનો રૂટ લાંબો અને ચઢાણ વાળો હોવાથી ડીહાયડ્રેશનના કારણે બેભાન થઈ જાય કે, હૃદય બંધ પડી જવાની સ્થિતિમાં CPR દ્વારા ટૂંકા ગાળામાં લોકોનો જીવ બચાવી શકાય છે.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
