News of Monday, 11th November 2024
રણોત્સવના પ્રારંભે પ્રવાસન નિગમ દ્વારા ખાનગી કંપનીઓ માટે લાલજાજમ પણ સ્થાનિક હોમ રિસોર્ટને આડે મંજૂરીનું ગ્રહણ
આઝાદી બાદથી મહેસુલી રેકોર્ડ નથી તો ય ૨૦૧૪માં મંજૂરી મળી હવે મહેસૂલી રેકોર્ડનું બહાનું, વડાપ્રધાન નરેન્દ્રભાઈના પ્રોત્સાહન થકી એક સમયે રણ ગણાતા હિજરતી વિસ્તારમાં ૫ લાખથી વધુ પ્રવાસીઓ આવે છે, અહીં ૪૯ હોમ સ્ટે થકી ૧૯ ગામોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હસ્તકલા, મીઠો માવો, ઊંટગાડી, ગાઇડ જેવી ૧૦,૦૦૦ થી વધુ લોકોની રોજગારી ઉપર અદ્ધર લટકતી તલવાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૧ : આજ ૧૧ નવેમ્બરથી થી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા કચ્છના રણોત્સવનો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. જોકે, એકબાજુ પ્રવાસન નિગમ ખાનગી રિસોર્ટ કંપનીઓ માટે લાલ જાજમ બિછાવી રહ્યું છે, બીજી બાજુ સ્થાનિક હોમ સ્ટેના કન્સેપ્ટ આડે એ જ પ્રવાસન નિગમના કારણે મંજૂરીનું ગ્રહણ નડી રહ્યું છે. આ વિશે વિસ્તૃત વાત કરીએ એ પહેલાં રણ પ્રદેશ કચ્છને વૈશ્વિક ફલક ઉપર પહોંચાડનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રણના અભિશાપ સમા સૂના સરહદી વિસ્તારને તેના પ્રાકૃતિક સૌંદર્ય થકી હોટ ફેવરિટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાં ફેરવ્યો એ વિશે પણ થોડું જાણી લઈએ. કચ્છનું મીઠા આચ્છાદિત સફેદ રણ આજે વ્હાઈટ ડેઝર્ટની નવી ઓળખ સાથે દેશ વિદેશના પ્રવાસીઓમાં હોટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બની ચૂક્યું છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન સમયમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન થકી દેશના પશ્ચિમી સરહદે આવેલું ધોરડો ગામ આજે વિશ્વ પ્રવાસન ક્ષેત્રે નંબર વન ટૂરિસ્ટ વિલેજ બન્યું છે.
આ વિસ્તારમાં સરકારના પ્રયાસો થકી તંબુ નગરી ટેન્ટ સીટી ઉભી કરાઈ. સરકાર અને સ્થાનિક ગ્રામજનોની સદસ્યતા સાથે પીપીપી મોડેલ આધારિત ભાગીદારી સાથે ચાલતો રિસોર્ટ શરુ કરાયો. પ્રવાસીઓ વધતાં ગયા એ સાથે જ લોકોની હિજરત થકી સૂના થઈ રહેલાં રણ વિસ્તારમાં સ્થાનિકે રોજગારીનું સર્જન કરવાના નરેન્દ્રભાઈ મોદીના વિઝનને આગળ વધારવાના ભાગ રૂપે અહીં રહેતા ગ્રામીણ લોકોને હોમ સ્ટે શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરાયા. અહીં ૨૦૧૪ થી હોમ સ્ટે શરૂ કરનાર ગોરેવાલી ગામના વીરાભાઈ આલા મારવાડા ‘અકિલા’ ના પ્રતિનિધિ વિનોદ ગાલા સાથે વાત કરતાં કહે છે કે, આ ધોરડોના સફેદ રણના ૧૯ ગામોના વિસ્તારમાં ૪૯ જેટલા હોમ સ્ટે આવેલા છે. અમને ગુજરાત પ્રવાસન વિભાગે જ પ્રવાસીઓની સંખ્યા વધતા ૨૦૧૪ માં હોમ સ્ટે માટે પ્રોત્સાહિત કર્યા અને લાયસન્સ આપ્યું. આ હોમ સ્ટે થકી અત્યારે રણોત્સવના ૪ મહિના દરમ્યાન હોમ સ્ટેમાં કામ, કચ્છી ફૂડ, કચ્છી મ્યુઝિક, કચ્છી હસ્તકલા, દૂધમાંથી બનતો મીઠો માવો, રણમાં ઊંટગાડી તેમ જ અલગ કેમલ સફારી, ટૂરિસ્ટ ગાઇડ જેવા વ્યવસાયમાં પ્રત્યક્ષ અને પરોક્ષ ૧૦ હજારથી વધુ લોકો રોજગારી મેળવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સફેદ રણના પ્રવાસન થકી ભુજ, માંડવી, લખપત, અંજાર, ધોળાવીરા સહિત પશ્ચિમથી પૂર્વ કચ્છ સુધી સ્થાનિકે રોજગારીના દ્વાર ખોલી દીધા છે. પણ, અત્યારે કચ્છના પ્રવાસનના કેન્દ્ર સમા સફેદ રણમાં સૌથી મોટી સમસ્યા હોમ સ્ટેની પરમીટ આડે છે. ૨૦૧૪ થી ૨૦૧૯ સુધી પ્રવાસન વિભાગે હોમ સ્ટેને પરમીટ આપી પણ ૨૦૧૯ થી જમીનના મહેસુલી રેકોર્ડ ન હોવાના કારણે રિન્યુ નથી કરી. આઝાદી બાદથી કચ્છના બન્ની વિસ્તારની જમીનનો મહેસુલી રેકોર્ડ નથી. જમીન સરકારી દફ્તરે ચડી જ નથી ચારિયાણ તરીકે આ જમીન છે. તોયે ૨૦૧૪ થી ૨૦૧૯ સુધી હોમ સ્ટે ને મંજૂરી અપાઈ પણ ત્યાર બાદ કેમ પરમીટ રિન્યુ કરાતી નથી. જોકે, સરકાર અને સ્થાનિક તંત્ર ઉદાર છે,
પરમીટ રિન્યુ ન કરાઈ હોવા છતાંયે અમારો વ્યવસાય ચાલુ છે. પરંતુ બન્નીની મહેસુલી સરકારી સમસ્યાને ધ્યાને લઇ પ્રવાસન વિભાગ જો મંજૂરી આપે તો અમને એક કાયદેસર પરવાનગી હોવાનો અહેસાસ થાય બેંક લોન સહિતની અન્ય સરકારી વિધિઓમાં ઉપયોગી નીવડે. વાત, મુદ્દાની છે, જો પ્રવાસન વિભાગ આ જ બન્નીની જમીન ઉપર ખાનગી કંપનીઓના રિસોર્ટ માટે લાલ જાજમ બિછાવતું હોય તો તેમણે સ્થાનિક હોમ સ્ટે માટે પણ હકારતમ્ક અભિગમ રાખવો જોઈએ.
આખરે પ્રવાસન થકી દેશની પશ્ચિમી સરહદે આવેલુ છેવાડાનું ધોરડો ગામ આજે પ્રથમ ગામ બન્યું છે. સૂની સરહદ ધમધમતી થઈ છે. ધોરડો આજે દેશના પ્રવાસન માટે રોલ મોડેલ બન્યું છે એ હકીકત છે અને એનો સંપૂર્ણ શ્રેય નરેન્દ્રભાઈ મોદીને ફાળે જાય છે.

(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
