<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

કાલે દેવદિવાળી : તુલસી વિવાહનો છવાયો ઉમંગ

શાલીગ્રામ સ્‍વરૂપ ઠાકોરજી અને તુલસીજી સ્‍વરૂપ વૃંદાજીના લગ્ન અવસરને માણવા ભાવિકો ઉત્‍સુક

તસ્‍વીરમાં ગોંડલમા તુલસી વિવાહ માટેરોશનીનો ઝગમગાટ જોવા મળી રહયો છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી - ગોંડલ)

રાજકોટ તા. ૧૧ : કાલે પ્રબોધિની એટલે કે દેવઉઠી એકાદશી છે. જેને આપણે ત્‍યાં દેવદિવાળી તરીકે મનાવવામાં આવે છે.

એક પ્રણાલી મુજબ દેવદિવાળીના દિવસે મંદિરો અને હવેલીમાં વિશેષ પૂજા કરી માંગલીક કાર્યોના શ્રીગણેશ કરવામાં આવે છે. આ દિવસે શાલીગ્રામ સ્‍વરૂપ ઠાકોરજી અને તુલસીજી સ્‍વરૂપ વૃંદાજીના વિવાહનો પ્રસંગ મનાવવામાં આવે છે.

કાલે દેવદિવાળી હોય તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવા ભાવિકોમાં અનેરો ઉમંગ છવાયો છે. મંદિરો અને હવેલીઓમાં આ પ્રસંગ ઉજવવા પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે. કોઇ જાનૈયા બનશે અને કોઇ માંડવીયા બનશે. તુલસી કયારે દીવા પ્રગાટાવી શેરડી ધરાવાશે. દેવોના વિવાહનો આનંદ લુંટાશે.

શહેરભરમાં આયોજીત તુલસી વિવાહના આયોજીનોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્‍તુત છે.

ગીતા જ્ઞાન મંદિર

ગીતા જ્ઞાન મંદિરે કાલે તુલસી વિવાહનું આયોજન થયુ છે. ધર્મેન્‍દ્રભાઇ વશરામભાઇ ચૌહાણ તથા માલતીબેન ધર્મેન્‍દ્રભાઇ ચૌહાણના યજમાનપદે શ્રી કૃષ્‍ણચંદ્ર ભગવાનનું ખાંડુ શ્રી ગીતાજ્ઞાન મંદિર ભક્‍તિનગર સર્કલ પાસેથી બપોરે ૪.૩૦ વાગ્‍યે વાજતે ગાજતે  જશે. ત્‍યાં વિધિ પતાવી સાંજે ૬ વાગ્‍યે ગીતા જ્ઞાન મંદિરે પધારશે અને બાકીની વિધિ પૂર્ણ કરાશે. સર્વે ભકતજનોએ પધારવા ગીતા જ્ઞાન મંદિર ટ્રસ્‍ટ દ્વારા અનુરોધ કરાયો છે.

જીવનનગર મહાદેવધામ

જીવનનગર વિકાસ સમિતિ, મહાદેવધામ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા સત્‍સંગ મંડળના સંયુકત ઉપક્રમે કાલે તા. ૧૨ ના મંગળવારે મહાદેવધામ જીવનનગર ખાતે સાંજે ૪ વાગ્‍યે ઠાકોરજીના લગ્નનું આયોજન કરાયુ છે. મંદિરના પટાંગણમાં મંડપારોપણ કરી સાંજીના ગીતો ગવાશે. ઠાકોરજીનું સામૈયું યજમાનના ઘરેથી નિકળી જીવનનગર શેરી નં. ૪, રૈયા રોડ ખાતે મહાદેવધામ ખાતે પહોંચશે. જયાં તુલસી સ્‍વરૂપ વૃંદાજી સાથે વિવાહનો પ્રસંગ ઉજવાશે. ધર્મપ્રેમીજનોએ પધારવા વ્‍યવસ્‍થાપક સુનિતાબેન વ્‍યાસે અનુરોધ કર્યો છે.

રાધેશ્‍યામ ગૌશાળા

ગાંધીગ્રામ, રામામપીર ચોક, રૈયાધાર પાણીના ટાંકા પાસે આવેલ શ્રી રાધેશ્‍યામ ગૌશાળા ખાતે બુધવારે તા. ૧૩ ના સાંજે ૭ વાગ્‍યે તુલસી વિવાહનું આયોજન કરાયુ છે. જાન વાંકાનેરની બાજુના સમઢીયાળાથી આવશે. સાંજે ૭ વાગ્‍યે મહાપ્રસાદની વ્‍યવસ્‍થા કરાઇ છે. ભાવિકજનોએ લાભ લેવા રાધેશ્‍યામ ગૌશાળાની યાદીમાં જણાવાયુ છે

(3:29 PM IST)