<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

આટકોટના આંગણે કાલે તુલસી વિવાહનું ભવ્ય આયોજન

ધુવાડા બંધ ગામ જમણ:હાથી,ઊંટ,ઘોડા,બગી અને રજવાડી ગાડા સાથે ઠાકરની જાડેરી જાન જોડાશે:ગામમાં ઘરે ઘરે પોતાના ઘરે જ પ્રસંગ હોય એવો ઉત્સવ

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા. 12 : સમસ્ત આટકોટના ગ્રામજનો દ્વારા આવતીકાલે આટકોટ ખાતે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગઈકાલે લગ્ન લખવાનું મુરત કરવામાં આવ્યું હતું બહેનો દ્વારા લગ્નની પરંપરા મુજબ ગીતો ગાય અને વિધિ કરી ભવ્ય લગ્નનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આટકોટના આંગણે યોજનારા આ લગ્નમાં સમસ્ત ગ્રામજનોમાં અને ઘેર ઘેર ભારે આનંદ અને ઉત્સાહ છવાઈ ગયો છે 

કાલે રામજી મંદિરથી ઠાકરની જાડેરી જાન જોડાશે જેમાં ડીજે અને ઢોલ નગારાના સથવારે હાથી,ઘોડા અને ઊંટ પણ જોડાશે આ ઉપરાંત રજવાડી ગાડું અને બગી પણ આ ભવ્ય વરઘોડામાં જોડાશે.

આજે રાત્રે લગ્ન ગીતો ગવાશે તેમજ રાત્રે રાસ ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવશે કાલે સવારે 9:30 કલાકે મંડપ મુરત યોજાશે રામ ગ્રુપ સમિતિ અને સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત આ લગ્નમાં સરજુ મહારાજ,રેખા ભરવાડ,માનસી પટેલ,નિશા જોશી સહિતના કલાકારો લગ્ન ગીતની રમઝટ બોલાવશે આ ભવ્ય લગ્નોત્સવના મુખ્ય દાતા હાલ સુરત રહેતા અને આટકોટની પ્રખ્યાત કેડી પરવાડીયા હોસ્પિટલના મુખ્ય દાતા હરેશભાઈ દામજીભાઈ ભરવાડીયા છે આટકોટના રામજી મંદિર માટે જીવરાજભાઈ છગનભાઈ પરવાડીયા,કિશોરભાઈ અને દામજીભાઈ પરબતભાઈ પરવાડીયાએ રામજી મંદિરની સામેની જગ્યા રામજી મંદિરને અર્પણ કરી છે ત્યાં આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે ઘનશ્યામદાસજી મહારાજ રાજપીપળા,આટકોટ સ્વામિનારાયણ મંદિરના સ્વામી,આટકોટ રામજી મંદિરના પૂજારી ગોપાલદાસ દેવમુરારી,સાંસદ પરસોત્તમ રૂપાલા,કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહેશે આ આયોજનને સફળ બનાવવા સમસ્ત આટકોટના ગ્રામજનો જહેમત ઉઠાવી રહ્યા છે.

(9:34 AM IST)