News of Tuesday, 12th November 2024
દિવાળીના તહેવારોમાં વિશ્વપ્રસિદ્ધ "રાણકી વાવ"ની ૨૦૮ વિદેશી સહિત ૩૭૫૯૭ પ્રવાસીઓએ મુલાકાત લીધી
સહસ્ત્રલીંગ તળાવની મુલાકાત લઈ ફોટોગ્રાફી અને સેલ્ફીનો રોમાંચ માણ્યો : વાવના પ્રાકૃતિક સૌંદર્ય, હરિયાળી અને પિકનિક પોઈન્ટની સહ પરિવાર તેમજ મિત્રો સાથે મોજ માણી

( જયંતીભાઈ ઠક્કર દ્વારા)પાટણ તા.૧૨ : પાટણના વર્લ્ડ હેરાટજ "રાણકી વાવ" વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. વર્ષ દરમિયાન તેમજ વાર તહેવારે અને વેકેશનમાં અહીં હજારો લાખોની સંખ્યામાં પ્રવાસીઓ પોતાના પરિવાર સાથે મુલાકાત લેતા હોય છે. ચાલુ વર્ષે દિવાળીના તહેવારમાં તા. ૧ થી ૦૮ નવેમ્બર દરમિયાન ૩૫, ૪૮૨ ભારતીય પ્રવાસીઓ અને ૧૨૬ વિદેશી સહેલાણીઓ અને પ્રવાસીઓ રાણકી વાવ જોવા ઉમટ્યા હતા. જ્યારે ૨૮ ઓકટોબર થી ૦૮ નવેમ્બર સુધીમાં ૩૭,૫૯૭ ભારતીય પ્રવાસીઓ અને ૨૦૮ વિદેશી પ્રવાસીઓ રાણકી વાવ જોવા આવ્યા છે.
દિવાળીના તહેવારોમાં વર્લ્ડ હેરિટેજ પાટણની રાણકીવાવને નિહાળવા માટે પર્યટકો ઉમટી પડતા રાણકીવાવ સંકુલ પર્યટકોથી ઉભરાઈ ગયું હતું. ભારતીય અને વિદેશ પ્રવાસીઓએ રાણકી વાવ જોવા આવ્યા હતા.
અને સહસ્ત્રલીંગ તળાવની મુલાકાત લઈ ફોટોગ્રાફી અને સેલ્ફીનો રોમાંચ માણ્યો હતો. રાણકી વાવની અદભુત કળા કોતરણીથી પ્રવાસીઓ દિગ્મૂઢ બની ગયા હતા. તેમજ વાવના પ્રાકૃતિક સૌંદર્ય, હરિયાળી અને પિકનિક પોઈન્ટની સહ પરિવાર તેમજ મિત્રો સાથે મૌજ માણી હતી. વિક્રમ સંવત ૧૦૭૮થી ૧૧૨૦ની વચ્ચે સોલંકી રાજવી ભીમદેવ-પહેલાના વખતમાં રાણી ઉદયમતી દ્વારા રાણકી વાવ નિર્માણ કરાઈ હતી. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ અને ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટ રૂ.૧૦૦ પર રાણકી વાવને અંકિત કરાતાં વિશ્વભરમાં રાણકી વાવની લોકચાહના વધી છે જેના લીધે વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ભારત દેશના ખૂણે ખૂણે થી અને અન્ય દેશમાંથી પ્રવાસીઓ આ અદભુત વાવ નિહાળવા ઉમટી પડે છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
