News of Wednesday, 13th November 2024
ગોંડલમાં જયરાજસિંહ જાડેજા પરિવારના આંગણે તુલસી વિવાહમાં ભુપેન્દ્રભાઇની ઉપસ્થિતિ
વાછરા ગામેથી આવેલ જાનના વાજતે-ગાજતે સામૈયાઃ લોકડાયરાની રંગત જામી

ગોંડલઃ ગોંડલમાં ધારાસભ્ય ગીતાબા જાડેજા પરિવાર દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં ભુપેન્દ્રભાઇ પટેલ સહીતના ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.,૧૩: ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા તથા જયરાજસિહ દ્વારા કરાયેલાં તુલશીવિવાહ નાં માંગલિક આયોજનમાં હજારો લોકો ઉમટયાં હતા. સાંજે ચાર કલાકે વાછરા ગામ થી શાલીગ્રામ ભગવાનની જાન કોલેજચોક માં આવી પંહોચતા સ્વાગત કરાયુ હતુ.સમસ્ત વાછરા ગામ જાનમાં જોડાયુ હતુ. બાદમાં બેન્ડવાજા ની સુરાવલીઓ સાથે ધામધૂમપૂર્વક વરઘોડો નિકળ્યો હતો. જેમાં હાથી ઉપર શાલીગ્રામ ભગવાન બિરાજ્યાં હતા. ઉપરાંત ઘોડા, ઉંટ, રથ, બગીઓ ઉપરાંત રાસ મંડળીઓ જોડાઇ હતી. અને ધારાસભ્યનાં નિવાસસ્થાને પંહોચ્યા હતા. જ્યાં વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે શાલીગ્રામ ભગવાન અને તુલશીમાતાનાં લગ્ન સંપ્પન થયા હતા.
તુલશીમાતાનાં માવતર ધારાસભ્યનાં પુત્ર જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)તથા તેમના ધર્મપત્ની રાજલક્ષ્મીબા બન્યા હતા. જ્યારે શાલીગ્રામ ભગવાનનાં માવતર વાછરાનાં સરપંચ ભરતભાઇ ચોથાણી અને ભરતભાઇ ગમારા બન્યાં હતા. સાંજે સાત કલાકે જાન વિદાય થઈ હતી.
તુલશી વિવાહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, દર્શીતાબેન શાહ, ડો.મહેન્દ્રભાઇ પાડલીયા, પુર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સાંસદ રામભાઈ મોકરીયા, પુર્વ સાંસદ રમેશભાઈ ધડુક સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિવર સાઈડ પેલેસમાં ભોજન સમારોહ રખાયો હતો. જેમાં અંદાજે વીસ હજાર લોકોએ ભોજન લીધુ હતુ. બાદમાં રાત્રે સંગ્રામસિંહ હાઈસ્કૂલ નાં મેદાનમાં યોજાયેલ લોકડાયરામાં મેદાન ટુંકુ પડ્યું હોય તેમ અકડેઠ્ઠ પબ્લિક એકઠી થઇ હતી. લોકડાયરામાં પ્રથમ વખત મહીલાઓની વિશેષ હાજરી હતી. સંગ્રામસિંહ હાઈસ્કૂલ નું મેદાન ભરચક બન્યું હતુ. કીર્તીદાન ગઢવી, દેવાયત ખવડ, કિંજલ દવે, બીરજુભાઇ બારોટ, ધીરુભાઇ સરવૈયા સહિતનાં કલાકારોએ મોડી રાત સુધી જમાવટ કરી હતી. કલાકારો પર રુપીયા નો વરસાદ વરસ્યો હતો.
ભુપેન્દ્રભાઇએ રમાનાથધામ તથા
હજુર પેલેસની મુલાકાત લીધી
ગોંડલ ખાતે ધારાસભ્ય ગીતાબા પુર્વ જયરાજસિહ તથા ગણેશભાઈનાં આંગણે યોજાયેલા તુલશી વિવાહનાં માંગલિક અવસર પર રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહી ઠાકોરજીની આરતી ઉતારી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરથી હેલીકોપ્ટર દ્વારા સાંજે ચાર કલાકે એસઆરપી ગ્રાઉન્ડ પરનાં હેલીપેડ પર ઉતર્યા હતા. જ્યાંથી કાર મારફત જયરાજસિહ જાડેજાનાં નિવાસસ્થાને તુલશી વિવાહમાં પંહોચ્યા હતા.વચ્ચમાં વાછરાથી આવેલી શાલીગ્રામ ભગવાનની જાનનાં ફુલેકામાં પણ જોડાયા હતા. જયરાજસિહનાં નિવાસસ્થાને ધારાસભ્ય ગીતાબા, જયરાજસિહ તથા ગણેશભાઇએ મુખ્યમંત્રીનું સ્વાગત સન્માન કર્યુ હતુ.
થોડાં રોકાણ બાદ મુખ્યમંત્રી ગોંડલનાં પ્રસિદ્ધ રમાનાથધામ ખાતે પહોંચ્યા હતા. ત્યાં માઁ અંબાજીનાં દર્શનનો લ્હાવો લીધો હતો. બાદમાં સંત પુ.નાથાભાઈ તથા પુ.રમાબેનનાં સમાધીમંદીરનાં દર્શન કર્યા હતા. આ વેળા પુર્વ સાંસદ રમેશભાઈ ધડુકે પુ.નાથાભાઈની આધ્યાત્મિક ચેતના અને રમાનાથધામનાં નિર્માણ અંગે મુખ્યમંત્રીને વિદિત કર્યા હતા. બાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હજુર પેલેસ પંહોચ્યા હતા. જ્યાં રાજમાતા કુમુદકુમારીજી તથા રાજવી હિમાંશુસિહજી સાથે મુલાકાત કરી હતી. આ સમયે રાજવી પરિવાર દ્વારા મુખ્યમંત્રીને ભગવદ ગોમંડલ અર્પણ કરાયુ હતુ. બાદમાં મુખ્યમંત્રી ગાંધીનગર જવા રવાના થયા હતા.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
