News of Saturday, 16th November 2024
સમાજના અંતિમ પગથિયે બેઠેલાં લોકોના જીવનમાં ઉત્કર્ષના અજવાળા પથરાયા છે : ભાનુબેન
તાલાલા તાલુકાના ચિત્રાવડ ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી : રાજેશભાઈ ચૂડાસમા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

તાલાલા (ગીર સોમનાથ) : ભગવાન શ્રી બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીના અવસરે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ‘જનજાતિય ગૌરવ દિવસ'ની ઉજવણી તાલાલા તાલુકાના ચિત્રાવડ ખાતે આવેલ કન્યા સાક્ષરતા નિવાસી શાળા ખાતે કરવામાં આવી હતી.
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબહેન બાબરિયાએ આ અવસરે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ માટે આજનો દિવસ ગૌરવનો દિવસ છે. દેશના કોઈપણ નાગરિક ભેદભાવનો સામનો ન કરે એવા શુભ હેતુસર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, સરકારની સામાન્ય લોકો માટેની સંવેદનાને લઈને સમાજના અંતિમ પગથિયે બેઠેલાં લોકોના જીવનમાં ઉત્કર્ષના અજવાળા પથરાય તે સરકારનો ધ્યેય છે. આજે ભગવાન બિરસામુંડાની જન્મજયંતીના અવસરે આદિવાસી બહુલ વસ્તી ધરાવતા વિસ્તારમાં સરકારી યોજનાઓના લાભ હાથોહાથ આપવામાં આવી રહ્યાં છે. જે સરકારની સામાન્ય જનજાતિના લોકો પ્રત્યેની સંવેદનાને પ્રતિબિંબિત કરે છે.
અંબાજીથી ઉમરગામ સુધી વસવાટ કરતા આદિવાસી સમાજના લોકોને પાણી, સ્વાસ્થ્ય, આરોગ્ય, સિંચાઈ, સ્વચ્છતા, દૂરસંચાર સહિતની સગવડો સરકાર દ્વારા કોઈપણ પ્રકારના ભેદભાવ વગર સુપેરે પૂરી પાડી છે. રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિકાસ માટે રૂ.૧૫ હજાર કરોડની વિકાસ યોજનાઓનું આયોજન કરવામાં આવેલું છે. તેમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.
સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ દેશનું નેતળત્વ સંભાળ્યા બાદ એવું કહ્યું હતું કે, મારી સરકાર છેવાડાના અંતિમ ચરણમાં વસતા લોકોની સરકાર છે. એમના સુધી જનહિતલક્ષી યોજનાઓ પહોંચાડવાની જવાબદારી અમારી સરકારની છે. જે એમણે સાબિત કરી બતાવ્યું છે. જનજાતિ સમૂદાયને સરકારની વિશેષ યોજનાઓનો લાભ વધુને વધુ કઈ રીતે મળે એવો પ્રયત્ન વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવ્યો છે.
આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કાર્યક્રમ અને પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ-જનમન) ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અન્વયે બિહારના જમૂઈ ખાતેથી જનજાતિય લાભાર્થીઓ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંવાદ સાધ્યો હતો. જેનું જીવંત પ્રસારણ આ અવસરે રજૂ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આદિજાતિ સમૂદાય માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખેતીવાડી, આરોગ્ય વિભાગ, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), ઉજ્જવલા યોજના ડિજિટલ એગ્રી સ્ટેક ફાર્મર રજિસ્ટ્રીના વિવિધ સ્ટોલ તેમજ આઇસીડીએસ ઘટક તાલાલા દ્વારા વાનગી નિદર્શન યોજવામાં આવ્યું હતું.
આ અવસરે પી.એમ.જનમન આવાસ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પી.એમ.કિસાન સન્માન નિધિ સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લાના કુલ ૬૧૬૬ લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ અપાયો છે. સીદી સમાજના પ્રખ્યાત ધમાલનળત્ય, આગાખાન ટ્રસ્ટની મહિલાઓ દ્વારા ગરબા રજૂ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તોહલ ભાપકર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી યોગેશ જોશી, નાયબ કલેક્ટર-૧ શ્રી એફ.જે.માકડા, પ્રાયોજના અધિકારી શ્રી એમ.કે.મણવર, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.પી.બોરિચા, અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા સહિત સીદી સમૂદાયના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.(
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
