તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Sunday, 17th November 2024
મોરબી ઝૂલતા પુલ હોનારતના મુખ્ય આરોપી જયસુખ પટેલની મોદક તુલાથી પીડિત પરિવારજનોમાં કચવાટ
જયસુખ પટેલની મોદક તુલા કરવામાં આવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવાદ સર્જાયો

મોરબીમાં આયોજિત એક કાર્યક્રમમાં ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર અને ઝૂલતા પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલનું સમ્માન કરવામાં આવ્યું હતુ. જેમાં જયસુખ પટેલની મોદક તુલા કરવામાં આવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવાદ સર્જાયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા જયસુખ પટેલની 75 કિલો મોદકથી તુલા કરવામાં આવી હતી. જે બાદ આ લાડવાને 60 હજાર ડબ્બામાં પેક કરીને લોકોમાં વિતરણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં મોરબીના સામાજિક અગ્રણીઓ તેમજ ભાજપના નેતાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ ઝૂલતા પૂલમાં મોતને ભેટેલા મૃતકોના પરિવારજનોએ ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે. મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટનાના પીડિતો અને તેમના પરિવારજનોની લડતનું પ્રતિનિધિત્વ કરતા સંઘના સભ્ય નરેન્દ્ર પરમારે જણાવ્યું કે, આ હોનારતના મુખ્ય આરોપીનું આવી રીતે સમ્માન થાય, તે દુ:ખદ છે. બીજી તરફ આયોજકોએ જણાવ્યું કે, જયસુખ પટેલનું અજંતા ગ્રુપની સ્થાપના કરનારા ઉદ્યોગપતિ ઓ.આર.પટેલના પુત્ર તરીકે સમ્માન કરવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે, જયસુખ પટેલને મોરબીમાં પ્રવેશબંધીની શરતે કોર્ટમાંથી જામીન મળ્યા હતા. જો કે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જયસુખ પટેલે 5 દિવસ માટે મોરબીમાં પ્રવેશ માટે મંજૂરી માંગી હતી, પરંતુ કોંર્ટ તરફથી 3 દિવસની જ મંજૂરી મળી હોવાનું આયોજકોનું કહેવું છે.
ઉલ્લેખનીય છે કે, ગત 30 ઑક્ટોબર 2022ના રોજ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ પુલના રિપેરિંગની જવાબદારી જયસુખ પટેલની કંપની ઓરેવા ગ્રુપની હતી. આ દુર્ઘટના બાદ જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને 3 મહિના બાદ 31 જાન્યુઆરીએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતુ. દેશની સર્વોચ્ચ અદાલતે માર્ચ મહિનામાં જ જયસુખ પટેલને જામીન આપ્યા છે, પરંતુ ટ્રાયલ કોર્ટની શરતોને આધિન જયસુખ પટેલને મોરબીમાં પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે.
(1:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
