News of Monday, 18th November 2024
ગોંડલીયા મરચાની પ્રથમ હરરાજીમાં મણના રૂા. ર૩૧૧૩ ભાવ ઉપજયા
ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ લાલ મરચાની ભારીની પૂજા કરીને હરરાજીનો પ્રારંભ કરાવ્યો

ગોંડલમાં લાલ મરચાની હરરાજીના આજથી શ્રીગણેશ થયા છે. તસ્વીરમાં ગોંડલ યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ મરચાની ભારીનું પૂજન - અર્ચન કર્યુ હતું તે તથા મરચાની ભારીઓ નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)
ગોંડલ, તા. ૧૮ : ગોંડલ માર્કેટીંગ યાર્ડમા ગોંડલ ના પ્રખ્યાત ગોંડલીયા મરચાની આવક થઇ છે.
યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા એ પુજા કરીને હરરાજી નો પ્રારંભ કરાવ્યા હતો. ે
સીઝન ની પ્રથમ હરરાજીમા ૨૦ કિલો ના ભાવ ૨૩૧૧૩/- બોલાયા હતા.
સૌરાષ્ટ્રભરમાંથી જેવા કે રાજકોટ, જામનગર, જૂનાગઢ જીલ્લા માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. સમગ્ર ભારતભરમાં ગોંડલના તીખા મરચાને લઈને જાણીતું છે. અહીંનું મરચું તીખાસને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે. આ વર્ષે મરચાની સિઝન સૌ પ્રથમ આવક કરવામાં આવી હતી. યાર્ડમાં આજરોજ અંદાજે ૩૫૦૦ થી ૪૦૦૦ ભારીની આવક થવા પામી હતી. હરાજીમાં મરચાના સરેરાશ ૨૦ કિલો મરચાના ભાવ ૩૦૦૦થી ૬૦૦૦ રૂપિયા સુધી ભાવ બોલાયા હતા. જ્યારે મુહૂર્તમાં મરચાની ૧ ભારીના રેકોર્ડબ્રેક ભાવ ૨૩૧૧૩ સુધી બોલાયા હતા.
પ્રથમ પૂજા વિધિ કરી હરાજી શરૂ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગતરોજ સાંજે મરચાની સિઝનની સૌ પ્રથમવાર આવક શરૂ કરવામાં આવી હતી. અંદાજે ૪૦૦થી વધુ વાહન યાર્ડની બન્ને બાજુ લાંબી કતાર લાગી જવા પામી હતી. આજરોજ સવારે યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, દલાલ મંડળના પ્રમુખ યોગેશભાઈ કયાડા દ્વારા સૌ પ્રથમ મરચાની હરાજી મુહૂર્તની પૂજા વિધિ કરવામાં આવી હતી. ઉપસ્થિત ખેડૂત, વેપારી અને ઓકસમેન ને કુમકુમ તિલક કરવામાં આવ્યા અને શ્રીફળ વધેરી મરચાની હરાજી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રથમ ખેડૂતને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુહૂર્તમાં મરચાની પ્રથમ ભારીની હરાજી શરૂ કરવામાં આવી હતી. મુહૂર્તમાં ૧ ભારીના રેકોર્ડબ્રેક રૂપિયા ૨૩૧૧૩ ભાવ અનિડા ભાલોડી ગામના ખેડૂત સંદીપભાઈ હરિભાઈ ભાલોડીને મુહૂર્તના ભાવ મળ્યા હતા અને બીલનાથ ટ્રેડિંગ કંપની ધરાવતા જગદીશભાઈ રૂપારેલીયા નામના વેપારી દ્વારા મુહૂર્તનો ભાવ બોલાયો હતો.
યાર્ડમાં મરચાની સિઝનની સૌ પ્રથમ આવક
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, ગોંડલનું મરચું આ વખતે અન્ય દેશોમાં વધુ એક્સપોર્ટ થતું હોય છે. તેમજ હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની સિઝનની સૌ પ્રથમ આવક થઈ છે. ગોંડલ પંથકમાં અલગ અલગ મરચાનું ઉત્પાદન થાય છે. જેમાં રેશમ પટ્ટો, ઘોલર મરચું, સાનિયા મરચું, રેવા, ૭૦૨, સિજેન્ટા, ઓજસ અને દેશી મરચાં સહિતની વિવિધ વેરાયટીના મરચાનું ઉત્પાદન ગોંડલના ખેડૂતો મેળવતા હોય છે. ખેડૂતો પોતાનો મરચાનો પાક સુકવીને લઈને આવે જેથી કરી ખેડૂતોને પોતાના પાકનો વધુ સારો ભાવ મળે તેવી યાર્ડના ચેરમેન દ્વારા અપીલ કરવામાં આવી હતી.
અન્ય રાજ્યોમાંથી પણ વેપારીઓ ખરીદવા આવે છે
નોંધનીય છે કે, ગોંડલનું મરચું સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે જેને લઈને અન્ય રાજ્યો માંથી જેવા કે રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુ.પી, કેરલ, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિતના રાજ્યો માંથી વેપારીઓ પણ અહીંયા મરચા ની ખરીદી કરવા માટે આવતા હોય છે
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
