<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

અરબી સમુદ્રમાં IMBL નજીક ભારતીય ફિશિંગ બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ : જો કે, ઇન્ડિયન કોસ્ટગાર્ડ સમયસર પહોંચી જતા માછીમારોનો બચાવ થયો

ફાયરિંગની ઘટનાથી માછીમારોમાં ભય ફેલાયો : ઓખાની બોટમાં માછીમારોને ટાર્ગેટ કરવામાં આવ્યા

પોરબંદર તા.૧૮ : પાકિસ્તાન પોતાની હરકતથી બાઝ આવતુ નથી. ગુજરાતના દરિયાઈ સીમામાં અવારનવાર બોટ દ્વારા ઘૂસવાના પ્રયાસો કર્યા છે જે નિષ્ફળ રહ્યા છે. ત્યારે હવે પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘટના મોડી રાતે બની હોવાની માહિતી મળી રહી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અરબી સમુદ્રમાં IMBL નજીક ફાયરિંગની ઘટના બની છે. જેમાં ભારતીય ફિશિંગ બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જો કે, ઇન્ડિયન કોસ્ટગાર્ડ સમયસર પહોંચી જતા માછીમારોનો બચાવ થયો હતો. જો કે ઓખાની ફિશિગ બોટે દરિયામાં જળ સમાધિ લીધી હતી. આ ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

પાકિસ્તાન દ્વારા અગાઉ અનેક વખત દરિયાઈ સીમાને ઓળગવાના પ્રયાસો કરવામાં આવ્યા છે તેમજ ભારતીય માછીમારીને યેનકેન પ્રકારે હેરાનગતિ તેમજ અપહરણ કરીને લઈ જવાની પણ ઘટના બની છે. જો કે આ વખતે પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે જેમાં ઓખાની બોટમાં માછીમારોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. જો કે ભારતીય કોસ્ટ ગાર્ડે જળસમાધી લેતા બોટમાંથી માછીમારોને બચાવી લીધા હતા.

આ ઘટના ક્યા સમયે બની છે તેની ચોક્કસ માહિતી પ્રાપ્તન થઈ ન હતી. જો કે કહેવાય છે કે ઘટના મોડી રાતે બની હતી. અને ભારતીય કોસ્ટ ગાર્ડે જે માછીમારોને બચાવ્યા છે તેમને બપોર બાદ ઓખા બંદરે લાવવામાં આવશે. હાલ આ ફાયરિંગની ઘટનાથી માછીમારોમાં ભય ફેલાયો છે.

(3:29 PM IST)