News of Monday, 18th November 2024
ટીવી સીરિયલમાં રોલ આપવાના બહાને કચ્છનાં દંપતી સાથે 25.10 લાખની ઠગાઈ
ગેરન્ટી પેટે મેળવેલા ત્રણ કોરાં ચેક બાઉન્સ કરાવીને સમાધાન કરી લેવા પેટે પાંચ લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપી : કહેવાતા નિર્માતાની ધરપકડ

ભુજના મિરજાપર ગામમાં રહેતા એક રીઢા શખ્સે પોતાને ટીવી સિરિયલ અને ટીવી જાહેરાતો બનાવતો નિર્માતા ગણાવીને સૂરજપરના યુગલને તેમના પુત્રને કામ અપાવવાના બહાને 25 લાખ રૂપિયા મેળવી ઠગાઈ આચરી છે. ગેરન્ટી પેટે મેળવેલા ત્રણ કોરાં ચેક બાઉન્સ કરાવીને સમાધાન કરી લેવા પેટે પાંચ લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપનારા આ કહેવાતા નિર્માતાની ધરપકડ કરી, તેના વિરુદ્ધ માનકૂવા પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો અનુસાર ભુજનાં સૂરજપર ગામે રહેતી અને ભુજમાં ખાનગી નોકરી કરનારી ભાવના વિનોદ હીરાણીએ માનકુવા પોલીસને જણાવ્યું હતું કે, વર્ષ 2020ના કોરોના આઉટબ્રેક વખતના લૉકડાઉન અગાઉ તે પતિ અને પુત્ર સાથે મુંબઈમાં રહેતી હતી પરંતુ આ લૉકડાઉન બાદ સપરિવાર વતન પરત રહેવા આવી ગઈ હતી
ચાર વર્ષ અગાઉ ફેસબૂક મારફતે તેઓ મિરજાપરના રઘુરાજ નગરમાં રહેતા હિતેશ વેલજી પરમાર નામના શખ્સના સંપર્કમાં આવ્યાં હતાં. આ ઠગભગત એવા હિતેશે પોતે ટીવી સિરિયલ અને ટીવી જાહેરાતોનું નિર્માણ કરતો પ્રોડ્યુસર હોવાની ઓળખ આપી હતી અને ફરિયાદીના નવ વર્ષના પુત્રને ટીવી સિરિયલ્સ અને કોમર્સિયલમાં કામ અપાવવાની લાલચ આપી હતી. આ યુગલનો વિશ્વાસ જીતવા માટે હિતેશે એક સમયની ભારે લોકપ્રિય બનેલી ‘તારક મહેતા ઉલ્ટા ચશ્મા’ સિરિયલના સેટ પર તથા કલાકારો સાથેના પોતાના ફોટા બતાવ્યા હતા જેથી ફરિયાદી અને તેના પતિનો તે પ્રોડ્યુસર હોવાનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો હતો.
વિશ્વાસ કેળવીને આ શખ્સે યુગલના પુત્રને કામ અપાવવા માટે જરૂરી આર્ટિસ્ટ ઈન્સ્યોરન્સ, કપડાં, મેકઅપના સરસામાન વગેરેના બહાને પોતાના તથા અન્ય લોકોના બેન્ક ખાતા નંબર વડે ટૂકડે-ટૂકડે રૂપિયા પડાવવાનું શરૂ કરી દીધું હતું. આ યુગલે 2020થી 2023ના સમયગાળા દરમિયાન નરેન્દ્ર વેલજી પરમારના ખાતામાં 5.71 લાખ અને 1.46 લાખ, આરોપી હિતેશના ખાતામાં 61,600, જીત સોનેજીના ખાતામાં 4.23 લાખ, મહેશકુમાર જેતુજી રાજપૂતના ખાતામાં 79 હજાર, ભાવિન નામના શખ્સના ખાતામાં 28 હજાર, રામ ગોસ્વામી નામના શખ્સના ખાતામાં 13 હજાર તથા 2.31 લાખ, ભૂપેન્દ્રસિંહ વખુભા સોઢાના ખાતામાં 69 હજાર અને નિખિલ નામના શખ્સના એકાઉન્ટમાં 1 લાખ જમા કરાવ્યા હતા. એ જ રીતે, હિતેશ અને તેના સાગરીત રોહન ગઢવીને અવારનવાર રૂબરૂ મળીને 8 લાખ રૂપિયા મળી કુલ 25,10,000 આપ્યાં હતાં.
દરમ્યાન, હિતેશે અમદાવાદમાં જગત ધાણા દાળ નામની પ્રોડક્ટની જાહેરાતમાં કામ છે કહીને જો પુત્ર તેમાં કામ ના કરે તો કંપનીને સામેથી નાણાં ચૂકવવા પડશે તેમ કહીને ગેરન્ટી પેટે ફરિયાદીના પતિ પાસેથી સહી કરેલાં ત્રણ કોરાં ચેક મેળવી લીધાં હતાં. ઘણો સમય વીત્યા બાદ આ શખ્સની નિયત પર શંકા જતાં પતિ-પત્નીએ નાણાં પરત માગવાનું શરૂ કરતાં હિતેશે તેમને ત્રણ લાખના બે ચેક આપ્યા હતા. જેમાંથી એક ચેક વટાવ્યો તો બાઉન્સ થયો હતો.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
