News of Wednesday, 20th November 2024
સોમનાથ મહાદેવના સાનિધ્યે આવતીકાલથી ચિંતન શિબિર : વેરાવળ પોલીસ છાવણીમાં ફેરવાયુ
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિતનું મંત્રી મંડળ, પોલીસવડા વિકાસ સહાય, ચીફ સેક્રેટરી સહીતના અધિકારીઓ તા.૨૧-૨૨-૨૩ ના મળનારી ચિંતન શિબિર માટે સોમનાથ પહોંચશે : જુદા જુદા સ્તરે સલામતીના ચુસ્ત બંદોબસ્ત : નાકાબંધી- ચેકપોસ્ટ શરૂ : જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સાથે વાતચિત

રાજકોટ તા. ૨૦ : આવતીકાલથી ત્રણ દિવસ સોમનાથ મંદિરના સાનિધ્યમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિતના મંત્રી મંડળ અને રાજયના આઇએએસ- આઇપીએસ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઇ રહેલી ચિંતન શિબિર માટે ગીર સોમનાથ પોલીસવડા મનોહરસિંહ જાડેજા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જુદા જુદા સ્તરે સલામતી પગલા લેવાઇ રહ્યા છે.
તા. ૨૧,૨૨,૨૩ ના યોજાઇ રહેલ આ ચિંતન શિબિરમાં રાજયનું મંત્રીમંડળ, કલેકટરશ્રીઓ, ડી.ડી.ઓ., મ્યુ. કમિશ્નરશ્રીઓ, પોલીસ અધિકારીઓ, મુખ્ય સચિવ ઉપરાંત જુદા જુદા વિભાગોના સચિવો સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ જોડાશે.
આ ચિંતન શિબિરમાં ગુજરાત ગુજરાતના વિકાસલક્ષી અનેક પ્રોજેકટો અંગે ચર્ચા વિચારણા અને પ્રસ્તુતી કરવામાં આવશે. આ આયોજન સંદર્ભે આજે અકિલાએ ગીર સોમનાથના જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે સલામતી અને ટ્રાફીક મેનેજમેન્ટના તમામ મુદ્દાઓ આવરી લઇ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને એસ.આર.પી.ની કંપનીઓનો વ્યુહાત્મક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં ૮૫૦ થી વધુ સુરક્ષાદળો ઉતારવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓના ઉતારા સ્થળો ઉપર અને મંદિરના સાનિધ્યમાં ચિંતન શિબિર સ્થળે આજથી જ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. શહેરને જોડતા તમામ મુખ્યમાર્ગો ઉપર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે અને વાહનોનું ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે. જરૂર પડયે તાત્કાલીક નાકાબંધી કરી શકાય તે માટેનું પૂર્વ આયોજન ઘડી કાઢવામાં આવ્યુ છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
