<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

જુનાગઢ જેલમાં કેદી માટે તમાકુ, ચૂનો, બીડી લઈ પહોંચેલો મનપાની કચરા ગાડીનો ચાલક પકડાયો

જેલ પ્રતિબંધિત વસ્તુઓ કચરા ગાડી માં ડ્રાઇવર સીટ નીચે છુપાવીને લાવ્યો'તો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. 21 :  બહારથી દિવાલ કુદાવીને જૂનાગઢ જિલ્લા જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ ફેંકવાનું જેલ તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવતા હવે કેદી માટે તમાકુ ચૂનો બીડી લઈ પહોંચેલો મનપાની કચરા ગાડીનો ચાલક અને કેદીને પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જેલ સહાયક પુંજાભાઈ ગરચર બુધવારે બપોરે જેલ પાછળના મેઇન ગેટ પર ઝડતી અમલદારની ફરજ પર હતા. તે દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકા ખાતેથી જીજે 6 બીટી 6489 નંબરની કચરા ગાડી લઈને ડ્રાઇવર મહેશ ભવાન વાઘેલા જેલમાં સલામતી વિભાગ પાસેનો કચરો લેવા માટે આવતા તેમની સાથે પુંજાભાઈ ગયા હતા. ત્યારે કચરા ગાડીમાં છુપાવેલ જેલ પ્રતિબંધિત ચીજ વસ્તુઓ કાળા ઝબલામાં રાખી હતી. આ વસ્તુઓ જેલના પાકા કામના કેદી અશોક ધનજી સોલંકીએ મંગાવેલ હોય તેને મહેશ વાઘેલાએ આપી દીધી હતી.

 આ દરમિયાન જેલ સહાયક પુંજાભાઈ ગરચરની નજર પડતા પાકા કામનો કેદી સર્કલ બાજુ દોડીને જતા તેનો પીછો કરીને તેની પાસેના ઝભલાની ચકાસણી કરતા તમાકુની 30 પડીકી મળી આવી હતી. આ પછી કચરા ગાડીની ઝડતી કરતા ડ્રાઇવર સીટ નીચેની પેટીમાંથી તમાકુની 24 પડીકી, તમાકુવાળા બે મસાલા, ચૂનાની 60 ટોટી, છૂટક 11 બીડી મળી આવી હતી. 

આથી જેલ સહાયકએ પાકા કામનો કેદી અને કચરા ગાડીનો ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે બંને સામે ગુનો નોંધી કચરા ગાડીના ચાલકની અટક કરી વધુ તપાસ હાથ કરી હતી.

(9:28 AM IST)