<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

ગિરનાર અંબાજી મંદિરનાં બ્રહ્મલીન મહંતના ઉતરાધિકારી માટે ચાલતા વિવાદથી સરકાર ચોંકી અહેવાલ મંગાવ્યો

વિવાદ અંગેની સત્ય હકીકત એકઠી કરવા માટે તંત્રમાં દોડધામ

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ તા. ૨૧:  ગિરનાર અંબાજી મંદિરનાં બ્રહ્મલીન મહંતનાં ઉતરાધિકારી માટે ચાલતો વિવાદ વધુ પેચીદો બન્યો છે. હવે આ મામલે સરકાર દ્વારા સ્થાનિક તંત્ર પાસેથી અહેવાલ મંગાવવામાં આવતા અધિકારીઓએ વિવાદ અંગેની સત્ય હકીકત એકઠી કરવા દોડધામ શરૃ કરી છે.

અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થયા બાદ બુધવારે ભવનાથના  મહંત હરીગીરીના જૂથ દ્વારા જૂનાગઢમાં જવાહર રોડ પર આવેલ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે ધૂળ લોટ વિધિ દરમિયાન પ્રેમગીરીની ગાદીપતિ તરીકે જાહેરાત કરી બાદમાં તેની ચાદર વિધિ પણ કરી નાખવામાં આવી હતી. જેને લઈને તનસુખગીરી બાપુના શિષ્યો દ્વારા ચાદર વિધિ સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં તનસુખગીરીના ખાસ શિષ્યોએ અને નાના પીરના પરિવારજનોએ પ્રેમગીરીને મહંત તરીકે ધરારથી રાખવામાં આવશે તો સમગ્ર પરિવાર આત્મવિલોપન કરી જવાની ચીમકી આપી માથા પછાડી મહિલાઓએ છાજીયા લીધા હતા.

બીજી તરફ અખાડાની પરંપરા મુજબ પ્રેમગીરીની ચાદર વિધિ કરી નાખવાની પ્રક્રિયાને ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી એ ગેરકાયદેસર ગણાવી હતી. અને જણાવ્યું હતું કે અમે અખાડાની સાથે છીએ અખાડા નો કોઈ વિરોધ નથી માત્ર એક વ્યકિતનો જ વિરોધ છે. આ મામલે કલેકટર ધ્યાન આપી તાત્કાલિક યોગ્ય નિર્ણય કરે કલેકટરે વહીવટ વહીવટી તંત્ર હસ્તક લઇ મામલતદારને સોંપી દેવો જોઈએ તેમ જણાવ્યું હતું.

ગાદી માટે સર્જાયેલા વિવાદની સરકારે ગંભીર નોંધ લઇ પોલીસ, કલેકટર સહિતનાઓ પાસેથી વિવાદ અંગેનો વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે. જેના પગલે વિવાદ અંગેની સત્ય હકીકત એકઠી કરવા કર્મચારીઓ અને અધિકારીઓએ દોડધામ શરૃ કરી છે.

મહંત તરીકેની નિમણૂક કરવાની સત્તા જિલ્લા કલેકટરને છે પરંતુ મોટા વિવાદ બાદ સરકારમાંથી જે સૂચના આવે તે મુજબ જ કલેકટર નિર્ણય કરે તેવી શક્યતા જોવા મળી રહી છે.

(11:24 AM IST)