News of Thursday, 21st November 2024
લાંચ કેસમાં પકડાયેલ લોધીકા મામલતદાર કચેરીના કારકૂનને તકસીરવાન ઠરાવીને સાત વર્ષની સજા કોર્ટે ફટકારી
આરોપીએ ૧૦ હજારની માંગણી કરી સોલવંશી સર્ટી. કાઢી આપવા ૬પ૦૦ સ્વીકારતા ઝડપાઇ ગયેલઃ આરોપીએ લાંચ લીધાનો ઓડીયો-વીડીયો પુરાવો છેઃ સ્પે. જજ વી. કે. ભટ્ટનો ચૂકાદો

રાજકોટ તા. ર૧ :.. વર્ષ-૨૦૧૭ માં લોધીકા મામલતદાર કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા નિલેશ ઘાસોટીયાએ ફરીયાદી પાસેથી સોલ્વશી સર્ટીફીકેટ કઢાવી આપવા બદલ રૂ. ૬,૫૦૦ની લાંચ સ્વીકારતા ઝડપાઈ જતા રાજકોટની ખાસ અદાલતના જજ શ્રી વી.કે.ભટ્ટ રૂા. ૨૫,૦૦૦/- નો દંડ અને ૭ વર્ષની સખ્ત કેદની સજા ફરમાવેલ છે.
આ કેસની હકીકત એવા પ્રકારની છે કે, ફરીયાદી જગદીશભાઈ ચોવટીયાએ વર્ષ ૨૦૧૭ માં ગોંડલની કોર્ટમાં જામીનદારનું સોલ્વશી સર્ટીફીકેટ રજુ કરવાનું થતુ હતુ. આ સર્ટીફીકેટ કઢાવવા માટે તેઓએ લોધીકા ખાતેની મામલતદાર કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા આરોપી નિલેશ અમરશીભાઈ ઘાસોટીયા, હાલ ઉ.વ. ૫૧, નો સંપર્ક કરી આ સોલ્વશી સર્ટીફીકેટ મેળવેલ હતુ. સર્ટીફિકેટ કાઢી આપવા બદલ આરોપીએ ફરીયાદી પાસેથી રૂ. ૧૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ હતી જે રકજકના અંતે રૂ. ૬,૫૦૦/- માં નકકી થયેલ. તા. ૧૪/૧૧/૨૦૧૭ ના રોજ ટ્રેપના દિવસે આ આરોપી આત્મિય કોલેજમાં સાંજના સમયે ટ્રેનીંગમાં હતા. આરોપીની સુચના મુજબ ફરીયાદીએ આત્મિય કોલેજે પહોંચી આરોપીને લાંચની રકમ લઈ જવા ફોન ઉપર જણાવતા આરોપીએ આત્મિય કોલેજની બહાર આવી લાંચની રકમ સ્વીકારેલ હતી જેમાં તેઓ રંગેહાથ ઝડપાઈ ગયેલ હતા.
પોલીસ તપાસ પુર્ણ થયા બાદ લાંચનો આ કેસ પુરાવા પર આવતા આરોપીએ સ્પષ્ટ બચાવ લીધેલ હતો કે આરોપીએ ફરીયાદી પાસેથી કોઈ લાંચની રકમની માંગણી કરેલ ન હતી કારણ કે ફરીયાદીને જોઈતુ સોલ્વશી સર્ટીફીકેટ ટ્રેપના દિવસ અગાઉ જ ફરીયાદીને મળી ગયેલ હતુ. ફરીયાદીનો ટ્રેપના દિવસે ફોન આવતા તેઓ આત્મિય કોલેજની બહાર આવેલ ત્યારે આ લાંચની રકમ આરોપીને બળજબરીથી આપેલ હતી.
શ્રી સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ શ્રી એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, ટ્રેપના દિવસે ફરીયાદીના શરીર ઉપર ઓડીયો વીડીયો કેમેરા ફીટ કરવામાં આવેલ હતો જેમાં આરોપીએ કોલેજની બહાર આવી લાંચની રકમ સ્વીકાર્યાનું સ્પષ્ટ જણાઈ આવતુ હતુ. આ પ્રકારનો ઈલેક્ટ્રોનીક પુરાવો કોર્ટમાં રજુ થયેલ છે તેની આરોપીને જાણ હોવા છતા લાંચની રકમ બળજબરીથી આપ્યાનો ખોટો અને બનાવટી બચાવ ઉભો કરેલ છે. આ ઉપરાંત સરકાર તરફે તેવી રજુઆત કરવામાં આવેલ કે આત્મિય કોલેજમાં જયારે તલાટીઓ માટે ખાસ ટ્રેનીંગ પ્રોગ્રામ ચાલતો હોય ત્યારે ફરીયાદીના ફોન કરવાથી આરોપીએ ટ્રેનીંગ છોડીને બહાર આવવા અંગેનું કોઈ જ કારણ જણાવેલ નથી. આ હકીકત સ્પષ્ટપણે સાબિત કરે છે કે તેઓએ ફરીયાદી પાસેથી લાંચની માંગણી કરેલ હતી અને તેથી જ તેઓ ટ્રેનીંગ છોડીને બહાર આવેલ હતા. કોઈ ફરીયાદીનું કામ સરકારી અધિકારીએ પુરૂ કરી દીધેલ હોય તો પણ સ્વીકારવામાં આવેલ રકમ લાંચ જ કહેવાય તેવી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈ છે. આ સ્વીકારેલ રકમ લાંચની નહી તો કયા વ્યવહારની હતી તે હકીકત આરોપીએ કોઈ જગ્યાએ જણાવેલ નથી. આ સંજોગોમાં આરોપીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ તકસીરવાન ઠરાવવા જોઈએ તેવી રજુઆત માન્ય રાખી ખાસ અદાલતના જજ શ્રી વી.કે.ભટ્ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી ૭ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. ૨૫,૦૦૦/- નો દંડ ફરમાવેલ છે.
આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયેલ હતા.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
