<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

સૌરાષ્‍ટ્રના પ૩ ડેમ હજુ છલોછલઃ શિયાળુ પાક અને ઉનાળાની ચિંતા નહિ

નીર પ્રકૃતિ કા અનુપમ ઉપહાર, ઇસસે તરતા સારા સંસાર... ગયા વર્ષના નવેમ્‍બર અંત કરતા આ વર્ષે પ૬૮.૭૮ એમ.સી.એફ.ટી. વધુ જળ જથ્‍થો ઉપલબ્‍ધઃ નર્મદા ડેમ ૯પ.૪૯ ટકા ભરેલો

રાજકોટ, તા., ૨૭ : ગુજરાતના ચોમાસાની વિદાય બાદ શિયાળાએ પગપેસારો કરી દીધો છે. શિયાળુ પાકનું વાવેતર શરૂ થઇ ગયું છે. ચોમાસાના પાછોતરા વરસાદના કારણે ડેમોમાં ગયા વર્ષની સરખામણીએ પાણીનો જથ્‍થો વધુ છે તેથી શિયાળુ પાક માટે ઉપયોગી થશે. ઉનાળામાં પીવાના પાણીની નિરાંત રહેશે. સમગ્ર રાજયમાં એકંદરે આવતા ચોમાસા સુધીનું પીવાનુ પાણી ઉપલબ્‍ધ છે. રાજયમાં નર્મદા સહિત સિંચાઇ અને પીવાના પાણીના મળી ર૦૭ ડેમ છે. જેમાંથી આજની તારીખે ૬૮ ડેમ આખા ભરેલા છે. તે ૬૮ પૈકી પ૩ ડેમ સૌરાષ્‍ટ્રના છે. નર્મદા ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાનું ૯પ.૪૯ ટકા પાણી છે. સમગ્ર ગુજરાતના બધા ડેમોમાં મળી કુલ ૯૩.૭૪ ટકા જળજથ્‍થો છે. આગામી દિવસોમાં ઉપયોગ અને બાષ્‍પીભવનના કારણે તેમાં ક્રમશઃ ઘટાડો થશે.

સૌરાષ્‍ટ્રમાં ૧૪૧ ડેમ છે. તેમાં ઉપલબ્‍ધ પાણી (સરેરાશ) ૯૧.૭૬ ટકા છે. આજની તારીખે સતાવાર આંકડા મુજબ ર૩૭પ.૧૮ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે પ૬૮.૭૮ એમ.સી.એફ.ટી. વધુ  છે. સૌરાષ્‍ટ્રના મોટાભાગના વિસ્‍તારોમાં નર્મદાના પાણીનું વિતરણ થાય છ. ચોમાસાના સારા વરસાદના કારણે ડેમો ઉપરાંત તળાવો, કુવા, બોર વગેરેમાં ભરપુર પાણી છે. આ વર્ષે ઘઉં, ચણા,લસણ વગેરે પાક માટે પાણની દ્રષ્‍ટિએ ખુબ અનુકુળતા છે. આખા ડેમ ભરેલા હોય તેવી સારી સ્‍થિતિ અન્‍ય ઝોન કરતા સૌરાષ્‍ટ્રમાં સૌથી વધુ છે. ઉતર ગુજરાતમાં ૧, મધ્‍ય ગુજરાતમાં પ, દક્ષિણ ગુજરાતમાં ૬ અને કચ્‍છમાં ૩ ડેમ હજુ છલોછલ છે. સૌથી વધુ પ૩ ડેમ આખા ભરેલા હોય તેવું સૌરાષ્‍ટ્રમાં છે.

સૌરાષ્‍ટ્રના જે ડેમો હાલ ૧૦૦ ટકા ભરેલા છે તેમાં ઓઝત-ર (જુનાગઢ), કાળુભાર, (બોટાદ), પીંગલી (ભાવનગર), વાગડીયા (જામનગર), ન્‍યારી-ર (રાજકોટ), રાવલ (ગિર ગઢડા), છાત્રાવાડી (અમરેલી), શીંગોડા (ગિર સોમનાથ) હિરણ-ર (ગિર સોમનાથ), મછુંદ્રી (ગિર સોમનાથ), સસોઇ-ર (જામનગર), મચ્‍છુ-૩ (મોરબી), ધારતવાડી-૩ (મોરબી), મોટા ગુજારીયા (જુનાગઢ), કરમણ (રાજકોટ), હિરણ-૧ (જુનાગઢ), વેણુ-ર (રાજકોટ), ભાદર-ર (ધોરાજી, રાજકોટ), ઉમીયા સાગર (જામનગર), ભાદર (ગોંડલ રાજકોટ), આજી-૩ (પડધરી રાજકોટ), ફુલઝર (જામનગર), રંગમતી (જામનગર), ફુલઝર-૧ (જામનગર) વગેરેનો સમાવેશ થાય છે. આ બધા ડેમો હાઇએલર્ટ પર છે.

(2:20 PM IST)