News of Wednesday, 27th November 2024
કચ્છના 'રોડ ઓફ હેવન' પ્લાસ્ટિક મુક્ત ઝોન જાહેર :પ્રવાસીઓ માટે પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ
કાળા ડુંગર, ધોરડો, ધોળાવીરામાં સ્વચ્છતા રાખવા અપીલ : મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે 'રોડ ઓફ હેવન'ની મુલાકાતે :પોલીસ અને વન વિભાગ દ્વારા હાથ ધરાયું પેટ્રોલિંગ

ભુજ : પ્રવાસીઓને આકર્ષનાર ધોરડોનું સફેદ રણ અને આ રણને ધોળાવીરા સાથે જોડનારા ‘રોડ ટુ હેવન’ આસપાસના વિસ્તારનું કુદરતી સૌદર્ય જળવાઇ રહે તે માટે કચ્છ કલેક્ટરે આગામી 13મી જાન્યુઆરી,2025 સુધી જાહેરનામું બહાર પાડીને આ બંને વિસ્તારોને ‘પ્લાસ્ટિક ફ્રી ઝોન’ તરીકે જાહેર કર્યા છે
ધોરડો ખાતે શરૂ કરવામાં આવેલા રણોત્સવમાં મહાલવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં આવનારા પ્રવાસીઓ સફેદ રણની વચ્ચમાંથી પસાર થનારા 'રોડ ટુ હેવન'ના નામે ઓળખાતા આ પ્રાકૃતિક સૌંદર્યથી સજ્જ અદભુત વિસ્તારની પણ અચૂક મુલાકાત લે છે. પર્યાવરણીય દ્રષ્ટીએ સંવેદનશીલ આ બે સ્થળોએ પ્રવાસીઓ દ્વારા બોટલ, કોથળીઓ, નમકીનના પડીકાં સહિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો ફેંકવામાં ન આવે અને સૌંદર્ય, સ્વચ્છતા અને પર્યાવરણીય પરિસ્થિતિ જાળવવા માટે આ વિસ્તારને કલેક્ટર અમિત અરોરાએ જાહેરનામું બહાર પાડીને પ્લાસ્ટિક ફ્રી ઝોન' જાહેર કર્યો છે.
કચ્છના પ્રવાસન સ્થળોની સાથે-સાથે ખાવડાથી ધોળાવીરા જતો માર્ગ કે જે રોડ ટુ હેવન તરીકે વૈશ્વિક સ્તરે પણ પ્રસિદ્ધ થયો છે, ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ રોડ ટુ હેવન જેની બન્ને બાજુએ સફેદ રણનો અદભુત નજારો જોવા મળે છે, તે જોવા ઊભા રહે છે. જેનો આકાશી નજારો પણ અદભુત છે. આ ડ્રોન તસવીરો ભુજના ડ્રોન પાયલોટ અભિષેક ગુસાઈ દ્વારા મંજૂરી મેળવીને કેદ કરવામાં આવી છે. ત્યારે આ વિસ્તારમાં પ્લાસ્ટીકની બોટલો, કોથળીઓ અને અન્ય સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો મળી આવે છે. જેને ધ્યાનમાં રાખીને કચ્છ કલેક્ટર દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ધોરડો ખાતે રણ ઉત્સવની મુલાકાત લેતા પ્રવાસીઓ ખડીર વિસ્તારમાં આવેલા સફેદ રણમાંથી પસાર થતો રસ્તો કે જે "રોડ ટુ હેવન" (NH-754K નો ભાગ)ના નામે પણ ઓળખાય છે, તેની પણ મુલાકાત લે છે. સફેદ રણ વિસ્તાર, રોડ ટુ હેવનનો વિસ્તાર તેમજ ધોરડો રણ ઉત્સવના વિસ્તાર પર્યાવરણીય દ્રષ્ટીએ સંવેદનશીલ છે. પ્રવાસીઓ દ્વારા આ રસ્તા પર પ્રવાસ દરમિયાન તેમજ ફોટો ખેંચવાના સમયે પ્લાસ્ટીકની બોટલો, કોથળીઓ અને અન્ય પ્લાસ્ટીકની સિંગલ યુઝ ચીજવસ્તુઓ જેવો કચરો સફેદ રણ વિસ્તારમાં, રોડ ટુ હેવન વિસ્તારમાં અને તેને સંલગ્ન રણમાં ભરાયેલ પાણીમાં ફેંકવામાં આવતો હોય છે જેથી કરીને કુદરતી સંપદાને નુકસાન પહોંચતું હોય છે.
પ્રવાસીઓ દ્વારા કચરા ન ફેંકવામાં આવે તે માટે પ્રતિબંધ મૂકવા તેમજ આ જાહેર સ્થળોના સૌંદર્ય, સ્વચ્છતા અને પર્યાવરણીય પરિસ્થિતિ જાળવવા માટે તેને "Plastic Free Zone" જાહેર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે કચ્છ કલેક્ટર અમિત અરોરાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા- 2023ની કલમ-163 અન્વયે જાહેરનામું બહાર પાડયું છે કે, કચ્છ જીલ્લાની હદમાં આવેલા ઘોરડો રણ ઉત્સવ વિસ્તારના સબરસ બસ સ્ટેન્ડથી વોચ ટાવર સુધીના રસ્તા અને તેની બંને તરફનો 2-2 કિલોમીટરનો વિસ્તાર, વોચ ટાવરની આસપાસનો સફેદ રણ વિસ્તાર અને "રોડ ટુ હેવન" NH-754k ભુજ તાલુકાના કાઢવાંઢથી ઘોળાવીરા ગામના એન્ટ્રી પોઈન્ટ સુધીનો રસ્તો અને તેની બંને બાજુના રણ વિસ્તારમાં તથા તેને સંલગ્ન રણમાં ભરાયેલ પાણીના વિસ્તારમાં પ્લાસ્ટીકની બોટલો, કોથળીઓ અને અન્ય પ્લાસ્ટીકની સિંગલ યુઝ ચીજવસ્તુઓ જાહેરમાં નાખવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ સ્થાનિક ખાનગી વાહનો ભાડે કરીને આ વિસ્તારમાં ફરવા જતા હોય છે, ત્યારે રસ્તાની બન્ને બાજુએ સફેદ રણનો અદભુત નજારો માણવા માટે રસ્તા પર વાહન પાર્ક કરીને સફેદ રણમાં અંદર ઉતરી ફોટો ક્લિક કરવા માટે તો સાથે જ નાસ્તો પાણી કરવા માટે અહીં ઊભા રહેતા હોય છે, ત્યારે પ્રવાસીઓ અહીં કચરો કરતા હોય છે. તો તાજેતરમાં વનવિભાગના અધિકારી દ્વારા પણ ખાનગી વાહનચાલકોને ફોન કરીને કલેક્ટરના જાહેરનામા અંગે માહિતગાર કરવામાં આવ્યા છે. તો પ્રવાસીઓને પણ પ્લાસ્ટીકનો કચરો ના ફેંકવા માટે માહિતગાર કરવા અપીલ કરવામાં આવી છે. જોકે માર્ગ પર ઠેકઠેકાણે વનવિભાગ દ્વારા સાઈન બોર્ડ અને સૂચનો માટેના બોર્ડ પણ મૂકવામાં આવ્યા હોવાનું વનવિભાગમાંથી જાણવા મળ્યું હતું. આ અગાઉ પણ આ વિસ્તારને નો ડ્રોન ફ્લાય ઝોન ઘોષિત કરવામાં આવ્યું હતું.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
