News of Friday, 29th November 2024
હવે પાટીદારો સામે ગુંડાગર્દી નહિ ચલાવીએ : મોરબીમાં કલેકટર સમક્ષ હથિયારની દોઢસો જેટલી અરજી
મોરબી જિલ્લામાં પાટીદાર સમાજના યુવાનોને હથિયાર લાયસન્સ આપવાની માંગ : પાટીદાર સમાજની સંસ્થા દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૯ : મોરબી જીલ્લામાં પાટીદાર સમાજના દીકરા-દીકરીઓ પર થતા અન્યાય અને અત્યાચાર તેમજ વ્યાજના વિષચક્રમાં ફસાતા યુવાનોને લડવાના હેતુથી શ્રી પાટીદાર યુવા સેવા સંઘ મોરબીની રચના કરવામાં આવી છે જે સંસ્થા દ્વારા આજે પાટીદાર સમાજના યુવાનોને હથિયાર લાયસન્સ આપવાની માંગ સાથે કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
પાટીદાર યુવા સેવા સંઘ મોરબી દ્વારા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે મોરબી શહેર અને જીલ્લામાં ૧૫૦ ગામમાં ૬૦ હજાર પાટીદાર પરિવાર રહે છે અનેક પરિવારો વ્યાજખોરી, દાદાગીરી, ગુંડાગીરી, રોમિયોગીરી અને હનીટ્રેપનો શિકાર બન્યા છે આવા ભોગ બનેલ પરિવારોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે વ્યાજખોરી અને દાદાગીરીનો ભોગ બનેલ પરિવાર ખાનગી રીતે સમાધાન કરી લેતા હોય છે પરંતુ અમુક પરિવારો તંત્ર પાસે મદદ માટે જાય છે તોય તંત્ર પણ આ ગુંડાઓ સાથે મિલીભગત હોય તે રીતે વર્તન કરીને ન્યાય આપવામાં આવતો નથી.
આવડો મોટો પાટીદાર પરિવાર જીલ્લામાં રહેતો હોય ત્યારે છાશવારે વ્યાજખોરી, દાદાગીરી, ગુંડાગીરી, રોમિયોગીરી અને હનીટ્રેપના બનાવો બનતા રહે છે અને તંત્રની મદદ ના મળતી હોય, રક્ષક જ ભક્ષક બનતા હોય છે ત્યારે આવા ભોગ બનનાર પરિવાર કયાં જાય ? તેવો સવાલ પૂછીને પરિવારોની સુરક્ષા માટે પાટીદાર યુવાનો જાતે આગળ આવીને હથિયાર પરવાનગી માંગે છે યુવાનોને હથિયાર પરીવાનગી આપવામાં આવે જેથી તેઓ પાટીદાર પરિવારોની સુરક્ષા કરી સકે તેવી માંગ કરી છે.
૧૫૦ - ૨૦૦ હથિયાર અરજી
કરવામાં આવી : જિલ્લા કલેકટર
જે મામલે જીલ્લા કલેકટરે જણાવ્યું હતું કે અમુક ગેંગ દ્વારા પાટીદાર સમાજના યુવકોને હેરાનગતિ કરાય છે જેથી હથિયાર માટે ૧૫૦ થી ૨૦૦ જેટલી અરજી કરવામાં આવી છે વ્યાજખોરો સહિતના અસામાજિક ઈસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા અને પગલા ભરવા ખાતરી આપી હતી તેમજ જીલ્લા એસપીને જરૂરી સુચના આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
