<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

લખતરમાં કોન્‍ટ્રાકટ રાખવા બાબતે ફાયરીંગ

 

સુરેન્‍દ્રનગર, તા. ર : સુરેન્‍દ્રનગર જિલ્લાના લખતર રેલવે સ્‍ટેશન રોડ પર આવેલ શ્રેયાંસ સોસાયટીમાં રહેતા ૪૮ વર્ષીય ભરતસીંહ પ્રતાપસીંહ પરમાર કોન્‍ટ્રાકટરનો વ્‍યવસાય કરે છે. તેઓને લખતર હાઈવે પર સાંઈ ગેસ્‍ટ હાઉસ પણ છે.જે હાલ અલ્‍પેશભાઈ મીષાીને ભાડે આપેલ છે. ગેસ્‍ટ હાઉસની બાજુમાં બીજા કોમ્‍પલેક્ષમાં તેઓનું કામ ચાલુ હોય અને સેન્‍ટીંગના કામમાં મજુરો લોખંડ બાંધવાનું કામ કરતા હોય તા.૩૦મીના રોજ સાંજે તેઓ મજુરોને જમાડવા ગયા હતા. મજુરોને જમાડયા બાદ ગેસ્‍ટ હાઉસની રૂમમાં તેઓએ જમવાનું મંગાવ્‍યુ હતુ. અને જમતા હતા. ત્‍યારે બાજુમાં અલ્‍પેશભાઈ બેઠા હતા.

આ સમયે દેવળીયાના અજયસીંહ બળવંતસીંહ રાણા અને એક અજાણ્‍યો માણસ તેમની રૂમમાં આવ્‍યા હતા. અને અજયસીંહે તું મારા ભાઈ ધર્મેન્‍દ્રસીંહ સાથે કેમ માથાકુટ કરે છે. તેમ કહી અપશબ્‍દો કહ્યા હતા. જેમાં ભરતસીંહે અપશબ્‍દો કહેવાની ના પાડતા ઉશ્‍કેરાયેલા અજયસીંહે પેન્‍ટના નેફામાંથી પીસ્‍ટલ જેવુ હથિયાર કાઢી ફાયરીંગ કરતા ભરતસીંહે હાથ આડો ધરી દેતા ગોળી હાથના બાવડા પર વાગી હતી. જયારે અજયસીંહે બીજો રાઉન્‍ડ ફાયરીંગ કરતા ભરતસીંહ નીચે બેસી જતા ગોળી દીવાલ પર લાગી હતી.

દરમિયાન મેનેજર અલ્‍પેશભાઈ વચ્‍ચે પડતા બન્ને નીચે રાખેલી કાર લઈ ફરાર થઈ ગયા હતા. જેમાં ભરતસીંહને લોહી નીકળતી હાલતમાં સારવાર માટે તુરત જ સુરેન્‍દ્રનગર શહેરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્‍ડ હોસ્‍પિટલમાં લઈ જવાયા હતા.

બનાવની લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ભરતસીંહે જણાવ્‍યુ કે, ગામમાં સીસી રોડનું કામ ચાલુ છે. જેમાં યોગ્‍ય ડાયવર્ઝન ન હોવાથી ટ્રાફીકનો પ્રશ્‍ન ઉપસ્‍થિત થતો હતો. આથી તેઓએ કોન્‍ટ્રાકટરને આ બાબતે રજૂઆત કરી હતી. અજયસીંહનો ભાઈ ધર્મેન્‍દ્રસીંહ પણ નાના મોટા કોન્‍ટ્રાકટ રાખતો હોઈ તેને આ વાતની જાણ થતા તેને આ વાત ગમી ન હતી. અને ત્રણ દિવસ પહેલા ધર્મેન્‍દ્રસીંહે ફોન કરી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. જેમાં ધર્મેન્‍દ્રસીંહે તેના ભાઈ અજયસીંહ અને અજાણ્‍યા માણસને ગેસ્‍ટ હાઉસમાં મોકલી બે રાઉન્‍ડ ફાયરીંગ કરી જીવલેણ હુમલો કર્યો છે. આ બનાવની ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પીઆઈ વાય. પી. પટેલ ચલાવી રહ્યા છે.

ઝાલાવાડમાં છેલ્લા થોડા સમયથી ફાયરીંગના બનાવોએ માઝા મુકી છે. સાયલાના સુદામડા, ચોટીલા હાઈવે, જોરાવરનગર અને લખતર પંથકમાં ફાયરિંગના બનાવો બાદ પોલીસ કડક કાર્યવાહી કરી છે. જેમાં પોલીસે ૧૨થી વધુ ગેરકાયદે હથિયારો સાથે શખ્‍સોને ઝડપી લીધા છે. જયારે હથીયારનો પરવાનો ન હોવા છતાં સોશિયલ મીડિયામાં ફોટો મુકી દેનારા ૧૫થી વધુ સામે ગુના દાખલ કર્યા છે. તેમ છતાં જિલ્લામાં ફાયરિંગના બનાવો અટકવાનું નામ લેતા નથી.

(12:05 PM IST)