News of Tuesday, 3rd December 2024
ધ્રાંગધ્રાના મેથાણ ગામે ૧૦૦ મહિલાઓ પાસેથી ૭૩ હજારનું રોકાણ કરાવી પોણા કરોડનું કોભાંડ
૯૮ હજારનું કહી મુદત વિતી છતા મુળ રકમ પરત ન આપીઃ ઓફિસને પણ તાળા

(ફઝલ ચોહાણ દ્વારા) વઢવાણ તા.૩: ધ્રાંગધ્રાના મેથાણ ગામે મહિલાઓને ટાર્ગેટ બનાવી અંદાજે પોણા એક કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં નિર્માણ મલ્ટીસ્ટેટ ગ્રુપે રોકાણ કરાવી કૌભાંડ આચર્યાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. જયારે રાજ્યમાં BZ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક સનસનીખેજ કૌભાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં એક જ ગામની ૧૦૦થી વધુ મહિલાઓ શિકાર બની છે.
આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી.ચાવડાએ જણાવ્યું કે, આ અંગેની વિગત મળતા અમે તપાસ ચાલુ કરાવી છે, જેમાં ધ્રાંગધ્રા શહેરમાં આવેલી પ્રસિદ્ધિની ઓફિસ પણ પાછલા ઘણા સમયથી બંધ હોવાનું હાલ જાણવા મળ્યું છે.
નિર્માણ મલ્ટીસ્ટેટ ગ્રુપે ગામડાઓની મહિલાઓને છ વર્ષ માટે દર વર્ષે રૂ. ૧૨,૦૦૦નું રોકાણ કરાવી કૌભાંડ આચર્યાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. એક જ ગામમાંથી રૂ.પોણા કરોડનું મસમોટું કૌભાંડ આચર્યું હોવાની સનસનીખેજ વિગતો સામે આવી છે.
મહિલાઓ પાસે દર વર્ષે રૂ. ૧૨,૦૦૦ લેખે છ વર્ષના રૂ. ૭૨,૦૦૦ રોકડા અને રૂ. ૧,૦૦૦ વીમાના મળી કુલ રૂ. ૭૩,૦૦૦નું રોકાણ કરી એમને પછી રૂ. ૯૮,૦૦૦ પાછા આપવાનો વાયદો કર્યો હતો અને એ માટે એજન્ટો રોકી ગુજરાતભરમાં એમની શાખાઓ હોવાની સાથે ધ્રાંગધ્રામાં પણ એમની ઓફિસ હોવાનું જણાવી મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
આ સ્કીમને છ વર્ષ વીત્યા બાદ રોકાણકાર મહિલાઓ એમના રૂ. ૯૮,૦૦૦ પાછા લેવા જતા એમની ધ્રાંગધ્રા ઓફિસે તાળું હોવાની સાથે એજન્ટોએ પણ હાથ ઊંચા કરી દીધા હતા. આથી મહિલાઓ દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે આ ફ્રોડ કંપની વિરુદ્ધ લેખિત અરજી આપતાં પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.(૨.૫)
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
