<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

નવાગઢના સમીરનું પ્રેમપ્રકરણમાં અપહરણ કરી ગામના ચોકમાં લાવી ઘણના ઘા માર્યાઃ હાથ-પગ ભાંગી નાંખ્‍યા

૨૧ વર્ષના મટનના ધંધાર્થી સમીર ખેરાણીનો પોતાની જ જ્ઞાતિની યુવતિ સાથે સ્‍નેપચેટથી સંપર્ક થયા બાદ પ્રેમ થયો હતોઃ એકાદ વર્ષથી બંને ચેટીંગ કરતાં હતાં: યુવતિએ પોતે બીજે શાદી નહિ કરે તેમ કહેતાં પરિવારજનોએ તેણીના પ્રેમીને અધમુઓ કરી નાખ્‍યો :યુવાનને રાજકોટ સારવાર માટે દાખલ કરાયોઃ જેતપુર તાલુકા પોલીસે યુવતિના પિતા, કાકા સહિતની ટોળકી સામે ગુનો નોંધવા તજવીજ કરી

રાજકોટ તા. ૩: પ્રેમપ્રકરણને કારણે હુમલાની વધુ એક ઘટના બની છે. જેતપુરના નવાગઢમાં રહેતાં ૨૧ વર્ષના મટનના ધંધાર્થી યુવાનને ગામમાં રહેતી પોતાની જ જ્ઞાતિની યુવતિ સાથે એકાદ વર્ષથી પ્રેમ હોઇ યુવતિના પરિવારજનોને જાણ થઇ જતાં તેમણે તેણીના બીજા યુવાન સાથે લગ્નની તૈયારી કરતાં તેણીએ બીજા સાથે લગ્નની ના પાડી દેતાં રોષે ભરાયેલા તેણીના પરિવારજનોએ પ્રેમી યુવાનનું ગત રાતે સાળંગ પૂલ પાસેથી અપહરણ કરી ગામના ઇલાહી ચોકમાં લાવી ફિલ્‍મી ઢબે ઘેરી લઇ પાઇપ, ધોકાથી બેફામ ફટકાર્યા બાદ લોખંડના ઘણના ઘા મારી હાથ-પગ ભાંગી નાંખતા ગંભીર ઇજાઓ સાથે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

પ્રાપ્‍ત માહિતી અનુસાર નવાગઢ હુશેની ચોકમાં રહેતાં સમીર આબીદભાઇ ખેરાણી (ઉ.વ.૨૧)ને રાતે ગામના રોડ પર સાળંગ પૂલ પાસે હતો ત્‍યારે ત્‍યાં અજાણ્‍યાઓએ આંતરી મારકુટ કરી બાઇકમાં અપહરણ કરી નવાગઢના ઇલાહી ચોકમાં લાવ્‍યા બાદ અહિ સલિમભાઇ, અલ્‍તાફભાઇ, મહેબૂબભાઇ સહિતનાએ ટોળકી રચી પાઇપ-ધોકાથી બેફામ ફટકારતાં ગંભીર ઇજાઓ થતાં જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ હુદડે  જેતપુર ઉદ્યોગનગર પોલીસને જાણ કરી હતી.

સમીરે હોસ્‍પિટલના બિછાનેથી કહ્યું હતું કે હું બે ભાઇ અને એક બહેનમાં વચેટ તથા કુંવારો છું. મારે જેતપુરથી પંદરેક કિ.મી. દૂર ખજુરી ગુંદાળા પાસે મટનની દૂકાન છે. એકાદ વર્ષ પહેલા ગામની જ યુવતિ સાથે મારે સ્‍નેપચેટથી પરિચય થયો હતો. અમે એક જ જ્ઞાતિના હોઇ તેણે કદાચ મને ક્‍યાંક જોયો હશે જેથી મેસેજ કર્યા હતાં. પણ મેં આ મેસેજ દોઢ બે મહિના પછી જોયા બાદ મેં પણ સામે મેસેજ કર્યા હતાં. આ રીતે અમારી વચ્‍ચે ઓળખાણ થઇ હતી અને પ્રેમ થયો હતો.  અમે બંને લગ્ન કરવા ઇચ્‍છતા હતાં. એક જ જ્ઞાતિ હોઇ તેના પરિવારજનો માની જશે તેમ લાગતાં મેં મારા પરિવારને વાત કરી હતી. પણ એ લોકોએ શાદીની ના કહી દીધી હતી અને પોતાની દિકરીના બીજા યુવાન સાથે લગ્ન કરાવવા મુરતીયો શોધવાનું ચાલુ કર્યુ હતું. પણ યુવતિએ પોતે સમીર સાથે જ લગ્ન કરશે તેમ કહી દેતાં તેના પરિવારજનોને તેના પર સિતમ ગુજાર્યો હતો. છતાં તે એકની બે ન થતાં તેઓએ મને જ પાડી દેવાનું નક્કી કર્યુ હતું. અમારા એક બીજા સગા મારફત સમાધાનની વાત પણ ચાલતી હતી.

આ વચ્‍ચે સોમવારે એટલે કે ગત રાતે હું દૂકાન બંધ કરીને બાઇક પર ઘરે આવી રહ્યો હતો ત્‍યારે રસ્‍તામાં સાળંગ પૂલ પાસે રોડ પર બે અજાણ્‍યા શખ્‍સ ઉભા હતાં. તેને મદદની જરૂર હોય એ પ્રકારના હાવભાવ દેખાતાં  મેં બાઇક ઉભુ રાખતાં જ ઝાડીમાંથી ત્રણ બીજા શખ્‍સો ધોકા સાથે ધસી આવ્‍યા હતાં અને કંઇપણ બોલ્‍યા વગર મને ધોકાવાળી કરી હતી. બાદમાં એક બાઇકમાં મને વચ્‍ચે બેસાડી દીધો હતો અને મારો મોબાઇલ ફોન પડાવી લીધો હતો. મારુ બાઇક બીજા શખ્‍સે હંકારી લીધુ હતું. રસ્‍તામાં પણ મને ઝાપટો મારવાનું ચાલુ રાખ્‍યું હતું. મેં આ લોકોને કોણ છો? ક્‍યાં લઇ જાવ છો? પુછતાં કોઇ જવાબ દીધો નહોતો. એ પછી મને તેઓ નવાગઢના ઇલાહી ચોકમાં લાવ્‍યા હતાં. અહિ યુવતિના પિતા, કાકા તેમજ બીજા સગાઓ મળી ટોળુ ધોકા પાઇપ સાથે અગાઉથી જ ઉભુ હતું. આ બધાએ મને વચ્‍ચે રાખી ફિલ્‍મી ઢબે ઘેરી લીધો હતો અને માર મારવાનું ચાલુ કર્યુ હતું.

મને બેફામ માર મારતાં રાડારાડી થતાં બીજા લોકો પણ ભેગા થઇ ગયા હતાં. પણ આ લોકોનું ટોળુ વધુ હોઇ કોઇ વચ્‍ચે પડયું નહોતું. બીજી તરફ એક શખ્‍સ લોખંડનો મોટો ઘણ (હથોડો) લાવેલ અને તેનાથી મારા પગ પર ઘા કરતાં મેં ઘા બચાવી લીધા હતાં. આથી એક જણાએ મારુ ગળુ પકડી રાખ્‍યું હતું અને બીજા લોકોએ હાથ પકડી લીધા હતાં. બાદમાં મને બંને પગમાં ઘણના ઘા મારતાં પગ ભાંગી ગયા હતાં, હાડકાના ભૂક્કા થઇ ગયા હતાં. મારા હાથ પણ ભાંગી નાંખ્‍યા હતાં. નજીકમાં જ બીજી ગલીમાં હુશેની ચોકમાં મારુ ઘર હોઇ કોઇએ જાણ કરતાં મારા ઘરના લોકો દોડી આવતાં આ શખ્‍સો ભાગી ગયા હતાં. મને જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. તેમ વધુમાં સમીર ખેરાણીએ જણાવતાં ઉદ્યોગનગર પોલીસે નિવેદન-ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

(2:28 PM IST)