<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

લખતરમાં પગપાળા જતી કિશોરીનો પગ લપસતા ડમ્‍પરના જોટામાં આવી જતા ઇજા

વઢવાણઃ તા. ૩:  લખતર બસ સ્‍ટેન્‍ડથી સહયોગ વિદ્યાલય સીસી રોડનું કામ ચાલી રહ્યું  છે, ત્‍યારે લખતરમાં રહેતા વિનોદભાઈની દીકરી ખુશીબેન વિનોદભાઈ જખવાડિયા ( ઉંમર વર્ષ ૧૪) સીસી રોડ ઉપર પસાર થઈ રહી હતી. ત્‍યારે માટીના ઢગલા ઉપર ચાલતી વેળાએ પગ લપસતા ત્‍યાંથી પસાર થતા ડમ્‍પરના પાછળના જોટામાં પગ આવી જતા દીકરીને ગંભીર ઈજા પહોંચી હતી.

દીકરીને અતિ ગંભીર ઇજા હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ અકસ્‍માતની ઘટનાની જાણ લખતર પોલીસને થતા લખતર પોલીસ દ્વારા ડમ્‍પરને કબજો લઈ લખતર પોલીસ સ્‍ટેશન ખાતે લઈ જવામાં આવ્‍યો હતો. ત્‍યારે ડમ્‍પર ચાલક અકસ્‍માત સર્જી ફરાર થયો હતો. આ અકસ્‍માતની ઘટનાના પગલે હાઈવે ઉપર લોકોના ટોળેટોળા ઉમટયા હતા અને ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. લખતર પોલીસ દ્વારા ડમ્‍પરનો કબજો લઈ ટ્રાફિક હળવો કરી હાઇવે ખુલ્લો કરવામાં આવ્‍યો હતો. આ તમામ ઘટનાની તપાસ હાલ લખતર પોલીસ ચલાવી રહી છે.

 

(11:24 AM IST)