<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

મોટા દડવા ગામે યુવાન ઉપરના ખુની હુમલાના કેસમાં પકડાયેલ આરોપીઓનો નિર્દોષ છૂટકારો

રાજકોટ, તા.૩: મોટા દડવા ગામે સાત વર્ષ પૂર્વે ધાર્મિક જગ્‍યાના જમણવાર દરમિયાન સામું  જોવા મુદ્દે ધોકા-પાઇપ વડે સામુહીક હુમલો કરી માર મારવાના કેસમાં કુલ સાત આરોપી પૈકી છ આરોપીઓનો શંકાનો લાભ આપી છુટકારો ફરમાવાયો છે.

આ કેસની હકીકત મુજબ ગોંડલના મોટા દડવા ગામે રહેતા ફરિયાદી અનિલ ભુપતભાઈ કુવાડીયા તા.૧૯/૯/૨૦૧૭ના રોજ બપોરના અરસામાં પોતાના જ ગામમાં આવેલી વાઘા ભગતની જગ્‍યાએ તિથિના જમણવારમાં કાર લઈને જમવા માટે ગયા હતા.

ત્‍યારે વિશાલ વિભાભાઈ સોનારા, પ્રકાશ, વિરાજ, નિલેશ વિભા, ભૂરો ઉર્ફે વિજય, ઘનશ્‍યામ, ડાયાભાઈ વગેરે શખ્‍સોએ ‘તું અમારી સામે કાતરો કેમ મારે છે, અમારી સામે કોઈ જોઈ શકતું નથી' તેમ કહી  બીભત્‍સ ગાળો ભાંડી પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો, અને ધમકી આપી હતી. જે અંગે અનિલભાઈ કુવાડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જે  કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆતો દલીલો કરવામાં આવી હતી. તેમાં આરોપી વિરાજ ઝીણાભાઈ સોનારા, નિલેશ વિભાભાઈ સોનારા, વિજય ઉર્ફે ભરો ઝીણાભાઈ સોનારા, ધનશ્‍યામ ભાયાભાઈ ચાવડા, મહેશ ઉર્ફે ડધો કાળુભાઈ સોનારા, પ્રકાશ ભગવાનભાઈ સોનારા વતી એડવોકેટ રઘુવીર બસીયાએ રજૂઆતો અને દલીલો કરી હતી કે  બનાવટી ફરીયાદ પાછળથી ઉભી કરવામાં આવી છે ફરીયાદી તમામ આરોપીઓને નામ જોગ ઓળખતા હોવા છતા હોસ્‍પિટલમાં આરોપીઓના નામ જાહેર કરેલ નથી.

ફરીયાદીને ફ્રેકચર સિવાય બીજી કોઈ ગંભીર ઈજા થયેલ નથી જેથી બીજા કોઈ આરોપીઓએ માર મારેલ હોય તેવું રેકર્ડમાં આવેલ નથી.

જે દલીલો ઉપરાંત  ઉચ્‍ચ અદાલતના ચુકાદાઓ ધ્‍યાને લઈને  કોર્ટ દ્વારા ઉપરોક્‍ત આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપીઓ વતી એડવોકેટ રઘુવીર બસીયા રોકાયા હતા.

(2:25 PM IST)