News of Thursday, 5th December 2024
ભાવનગરમાં પૈસાની લેતી દેતી મામલે થયેલ મનદુઃખની દાઝ રાખી બે શખ્સે કાર સળગાવી દીધી

ભાવનગર, તા.૫: ઘોઘા જકાતનાકા પાસે આવેલ દેવરાજનગર-૦૧, બ્લોક નં.૩૨/બી માં રહેતા કિશોરભાઈ નાનજીભાઈ પરમારની માલિકીની ટાટા ઈન્ડિગો માઝા કારમાં રવિવારે મોડી રાત્રીના આગ લાગતા આગમાં કાર ભસ્મીભૂત થઈ ગઈ હતી.
આગની આ ઘટના અંગે કિશોરભાઈ નાનજીભાઈ પરમારે ભરતનગર પોલીસ માથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તેમના પુત્ર ઉજ્જવલ પરમારે નીતિન ઘનશ્યામભાઈ પરમાર (રહે. સુભાષનગર, મેલડી માતાજીવાળો ખાંચો, વિજયવીર હનુમાનજી મંદિર પાછળ) સાથે પૈસાની લેતીદેતી કરેલ હતી જેના રૂપિયા ઉજવલે ચૂકવી દીધા હોવા છતાં નીતિનભાઈ અવારનવાર રૂપિયાની માંગણી કરતો હોય, ઉજ્જવલભાઈએ પૈસા આપવાની ના કહેલ તે બાબતની દાઝ રાખી રવિવારે રાત્રિના બે વાગ્યા આસપાસ જયદીપ ઉર્ફે છોટુ કિશોરભાઈ પરમાર (રહે શ્રી રામ સોસાયટી) એ પથ્થરના બ્લોક વડે તેમની કારના કાચ ફોડી નાખી નીતિન ઘનશ્યામભાઈ પરમારે પેટ્રોલ છાંટીને કાર સળગાવી દીધી હતી જેમાં રૂ.૬૦,૦૦૦/- નું નુકસાન થયું હતું.
આ ઉપરાંત આગની આ ઘટનામાં અશોકભાઈની દુકાનનું શટર, કાચના બારણા, વીજ મીટર તેમજ ઇલેક્ટ્રીક વાયર સળગી જતા તેમને પણ આશરે રૂ.૧૫,૦૦૦/- નું નુકસાન થયેલ છે. આ બનાવ અંગે ભરતનગર પોલીસે નીતિન ઘનશ્યામભાઈ પરમાર (રહે. સુભાષનગર) અને જયદીપ ઉર્ફે છોટુ કિશોરભાઈ પરમાર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બંને શખ્સોને ઝડપી લીધા છે.(૬.૬)
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
