<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

ભાવનગર જિલ્લા જેલના કાચા કામના કેદીએ ગુપ્ત ભાગે સંતાડેલો મોબાઈલ ફોન ઝડપાયો

કેદીનું મેડિકલ ચેકઅપ કરાવાતા તેના એક્સરે ફોટામાં ગુદા ના ભાગે મોબાઈલનો ફોટો સામે આવતા તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર જિલ્લા જેલ માંથી એક કેદીએ પોતાના ગુપ્ત ભાગે સંતાડેલ મોબાઈલ ફોન મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જેલમાં ચેકિંગ દરમિયાન ચાર્જિંગ મળી આવ્યા બાદ એક કેદીનું મેડિકલ ચેકઅપ કરાતા એક્સ રે માં ગુદા  ના ભાગે મોબાઈલ હોવાનું જણાવતા કેદીને હોસ્પિટલ ખસેડાયેલ. આ બધા અંગે પોલીસે કેદી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જેલમાં મોબાઇલમાં વાત કરવા માટે એક કેદી એ વિચિત્ર અને અનોખી તરકીબ થી  મોબાઈલ ફોન પોતાના ગુપ્ત ભાગે સંતાડી દીધો હતો પરંતુ જેલના સ્ટાફે પૂરી શંકા જતા મોબાઈલ ઝડપી લીધો હતો.
આ બનાવ ની મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લા જેલમાં જેલના ઇન્ચાર્જ જેલર વિષ્ણુજી વાઘેલા તથા ચેકિંગ ટીમે તપાસ કરતા બેરેક નંબર 5 પાસ  મોબાઇલ નું ચાર્જર મળી આવતા ચેકિંગ ટીમે જેલના કેદીઓની તપાસ કરી હતી પરંતુ મોબાઇલ મળી આવ્યો ન હતો. પરંતુ જેલમાં મોબાઇલ હોવાની ચોક્કસ શંકા જતા જેલમાં મેડિકલ ઓફિસરને બોલાવી શંકાસ્પદ જણાતા કાચા કામના કેદી તરીકે બેરેક નંબર ૫ માં સજા ભોગવતા રવિ નટુભાઈ બારૈયા ઉ.વ. 23 નામના કેદીનું મેડિકલ ચેકઅપ કરાવાતા તેના એક્સરે  ફોટામાં ગુદા ના ભાગે મોબાઈલનો ફોટો સામે આવતા તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો અને કેદી પાસે થી કેચુંડો કંપનીનો મોબાઇલ કબજે કરવામાં આવ્યો હતો.હાલ કાચા કામના કેદી ને હોસ્પિટલના પ્રિઝનલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે ભાવનગર જિલ્લા જેલના ઇન્ચાર્જ જેલર વિષ્ણુ જી વાઘેલા એ કેદી રવિ બારૈયા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કેદીના ગુપ્ત ભાગે મોબાઈલ  મળી આવવાના આ બનાવે ભારે ચકચાર જગાવી છે.

(7:44 PM IST)