<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

મોરબીના યુવાને અમેરીકન શેરબજારમાં ઉંચો નફો કમાવવાની લાલચે ૮૫.૪૨ લાખ ગુમાવ્‍યા

ભેજાબાજ ગઠીયાએ ઓનલાઇન રોકાણ કરવા લીંક મોકલી સારા નફાની લાલચે ફસાવ્‍યો : ૧૦ સામે સાયબર ક્રાઇમમાં ફરીયાદ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા )મોરબી, તા. ૬: મોરબીના એસપી રોડ ઉપર રહેતા અને ઉંચી માંડલ નજીક આવેલ સિરામિક ફેકટરીમાં નોકરી કરતા યુવાનને અમેરિકન શેરબજારમાં રોકાણ કરી સારો નફો કમાવાની લાલચ આપી ઠગ ટોળકીએ વોટ્‍સએપ ગ્રુપમાં એડ કરી બે મહિનાના સમય ગાળામાં અલગ અલગ એકાઉન્‍ટમાં રૂપિયા ટ્રાન્‍સફર કરાવી રૂપિયા ૮૫.૪૨ લાખથી વધુ નાણાં પડાવી લઈ છેતરપિંડી કરતા મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

શેરબજારમા રોકાણના નામે ઓનલાઈન થયેલ છેતરપિંડીના આ બનાવની વિગત જોઈએ તો મોરબીના રવાપરમા એસપી રોડ ઉપર સિલ્‍વર હાઇટ્‍સમા રહેતા અને ઉંચી માંડલ ખાતે આવેલ એકોર્ડ વીટ્રીફાઇડમાં નોકરી કરતા ધર્મેન્‍દ્રભાઈ નાગજીભાઈ સુતરિયાએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં વોટ્‍સએપ નંબર તેમજ અલગ અલગ બેન્‍ક એકાઉન્‍ટ ધરાવતા ૧૦ આરોપી તેમજ તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ રૂપિયા ૮૫,૪૨,૧૦૦ની ઓનલાઈન છેતરપિંડી કરવા મામલે ફરિયાદ નોંધાવી હતી.

વધુમાં ધર્મેન્‍દ્રભાઈ સુતરિયાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, ગત તા.૧૬ ઓક્‍ટોબર ૨૦૨૪થી ૮ નવેમ્‍બર ૨૦૨૪ દરમિયાન મોબાઈલ નંબર ૯૯૭૨૪૫૩૨૪૭  સહિતના અલગ અલગ ત્રણ વોટ્‍સએપ ધારકોએ ધર્મેન્‍દ્રભાઈને વીઆઇપી ૧૪ સુરેન્‍દ્ર સ્‍ટોક એક્‍સચેન્‍જગ્રુપ નામના વોટ્‍સએપ ગ્રુપમાં એડ કરી શ્રદ્ધા ચોપરા અને સુરેન્‍દ્ર દુબે નામના શખ્‍સોએ ઉંચો નફો કમાવવા અમેરિકાના શેરબજારમાં રોકાણ કરવા તેમજ આઇપીઓ ભરવાનું જણાવી અલગ અલગ સમયે જુદા જુદા બેન્‍ક એકાઉન્‍ટમાં રૂપિયા ૮૫,૪૨,૧૦૦ મેળવી લઈ પરત કર્યા ન હતા. આ બનાવમાં પોલીસે વોટ્‍સએપ મોબાઈલ નંબર તેમજ યુકો બેન્‍ક અને બંધન બેન્‍કના અલગ અલગ એકાઉન્‍ટ નંબરના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્‍હો નોંધી તપાસ શરૂ કરી છે.

(2:21 PM IST)