<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

પાટડીમાં ગરનાળામાં બેસવા મુદ્દે યુવકની હત્‍યાઃ આરોપીઓની ધરપકડ

ગૌતમ સુરેલાનું મૃત્‍યુ થતા કાનો ઉર્ફે જયદીપ રાવળ અને પાર્થ રાવળ સામે ગુન્‍હો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૧: પાટડીમાં ગરનાળા પર બેસવાની સામાન્‍ય બાબતે યુવાન પર છરી વડે હુમલો કરાતા હત્‍યાના બનાવથી ખળભળાટ મચી ગયો છે.  ગૌતમભાઈ મુળજીભાઈ સુરેલા પોતાના ઘરની બહાર ગટરના ગરનાળા ઉપર બેઠો હતો,ત્‍યારે પાટડી ખાતે રહેતા કાનો ઉર્ફે જયદીપભાઈ રાવળનો ગૌતમભાઈના મોબાઈલ પર ફોન આવતા એને ભૂંડાબોલી ગાળો આપતા ગૌતમભાઈએ ગાળો બોલવાની ના પાડતા એને ઉશ્‍કેરાઈ જઈને તું અત્‍યારે કયાં છું, એમ કહેતા ગૌતમભાઈએ કહ્યું હતું કે, પાટડી ઇન્‍દિરાનગરના ગટરના ગરનાળા પર બેઠો છું એમ કહેતા થોડીવારમાં જ કાનો ઉર્ફે જયદીપભાઈ રાવળે કમરમાંથી છરી કાઢી ગૌતમભાઈના પેટના પડખામાં ડાબી બાજુ છરીનો જોરદાર ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હતી. એટલામાં એનો સાગરીત પાર્થ રાવળ પણ ત્‍યાં આવી જતા બંને જણાએ ગૌતમભાઈને ઢીંકાપાટુનો માર મારી ગટરમાં પાડી દઈ ત્‍યાંથી નાસી છૂટયા હતા.ગૌતમભાઈનું અમદાવાદ સિવિલ હોસ્‍પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજતા આ સામાન્‍ય ઝઘડો હત્‍યામાં ફેરવાયો હતો.જયારે મળતકની લાશને પોસ્‍ટ મોર્ટમ બાદ પાટડી લવાતા પરિવારજનોમાં હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાઈ જવા પામી હતી.જયારે પાટડી પીએસઆઇ એ.કે.વાઘેલા સહિતના પોલીસ સ્‍ટાફે આ બનાવના હત્‍યારા આરોપી કાનો ઉર્ફે જયદીપ રાવળ અને પાર્થ રાવળને પોલીસે ઝબ્‍બે કરી એમની વિરુદ્ધ હત્‍યા અંગેનો ગુન્‍હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ઘરી છે.આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઇ એ.કે.વાઘેલા ચલાવી રહ્યા છે. આ હત્‍યાની ઘટનાના પગલે ધ્રાંગધ્રા  Dysp જે.ડી.પુરોહિત પણ પાટડી દોડી ગયા હતા

(4:37 PM IST)