<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

ગુરુઆજ્ઞાથી ગીગાભગતે સ્થાપ્યુ સતાધાર: મૂળ ગેબીનાથથી સતાધારની ગુરુપરંપરા શરૂ થઇ હતી :જાણો રસપ્રદ ઈતિહાસ

ગુરુઆજ્ઞાથી ગીગો ફરતો ફરતો ગીરના એક કાંઠે આવ્યો. એક જગ્યાએ સતની ધજા ખોડાઈ ગઈ. આ જગ્યાએ ગીગાએ ધૂણી ધખાવી. જગ્યાનું નામ આપ્યું સતાધાર.

રાજકોટ :છેલ્લાં કેટલાક સમયથી એક પછી એક સનાતન હિન્દુ ધર્મના સંપ્રદાયમાં વિવાધનો મધપૂડો છેડાઈ રહ્યો છે. હવે સતાધારમાં હાલ વિજયબાપુના પૂર્વાશ્રમના ભાઈએ આક્ષેપો કરતાં વિવાદ વકર્યો છે. ત્યારે આજે અમે તમને મૂળ ગેબીનાથથી શરૂ થયેલી સતાધારની ગુરુપરંપરા વિશે જણાવીએ.

ગેબીનાથ
કચ્છના ઓઢાજામના બે કુંવર. એક જેસલ અને બીજો જખરો. જખરાએ નાથ સંપ્રદાયમાં દીક્ષા લીધી. દીક્ષિત જખરાનું નામ પડ્યું ગેબીનાથ. ગેબીનાથ પાંચાળ પંછકના સોનગઢ નજીકના એક ડુંગર પર સ્થાયી થયા અને તપસ્યામાં લીન થયા. આ ડુંગક આજે પણ ગેબીના ડુંગર તરીકે ઓળખાય છે. ત્યાં તેમનું સમાધિ મંદિર પણ છે.

મેપાભગત
પાંચાળનું પીરાણું, મેપો માળાનો મેર;
ગેબી હું દિ ગોદડી, લાગી અલખની લે'ર.

મેપાભગતનો જન્મ કુંભાર જ્ઞાતિમાં સંવત 1786માં અષાઢ સુદ સાતમના દિવસે થયો. બચપણથી ભક્તિનો લગાવ હતો. યુવાવયે ગેબીનાથના શિષ્ય બન્યા અને નિમ્ન સ્તરથી ભક્તિની ગંગા પાંચાળની ભૂમિ પર વહેતી કરી. કુંભારીકામના ધંધા સાથે મેપાભગતે ભગવત્ ભજનમાં તલ્લીન થયા. તેમનાથી પ્રભાવિત થઈ મોલડી (ચોટીલા) ગામના કાઠી દરબાર તેમના ગુરુભાઈ બન્યા.

જાદરાભગત
મેપાભગતના ગુરુભાઈ રતા આપાના જમાઈ જાદરા કાઠી. ગામ સોનગઢ. જાદરભગત એ સમયે રંજાડી માણસ તરીકે પ્રખ્યાત હતા. રતા આપાના કહેવાથી મેપાભગતે જાદરાને સુધાર્યો અને કંઠી બાંધી શિષ્ય બનાવી ભક્તિના રંગે રંગી દીધો. જાદરા ભગતે સોનગઢમાં ભક્તિની ગંગા મેપાભગતના આશીર્વાદ તળે વહેવડાવી.

ગોરખાભગત
જાદરાભગતનો દીકરો. ઘરમાં જ ભક્તિની ગળથૂથી મળી. પિતાના પગલે ભક્તિના માર્ગે ચાલ્યો અને પિતાના નિધન પછી સોનગઢમાં ભક્તિની ગંગા અને અલખની લહેર જીવંત રાખી.

દાનાભગત
દાનો બોટાદ નજીક આણંદપરનો વતની. વિધવા માતાનો જન્મથી આંધળો દીકરો એકવાર સોનગઢથી જાદરાભગત આણંદપર પધાર્યા. ડોસીની પ્રાર્થનાથી આંધળા દાનાને દેખતો કર્યો અને શિષ્ય બનાવી સોનગઢ તેડી લાવ્યા.

જાદરા ભગતનો દીકરો ગોરખો પણ ભક્તિના રંગે રંગાયો હતો. આથી જાદરાભગતે શિષ્ય દાનાને થોડી ગાયો આપી સોરઠ પંથકમાં મોકલ્યો અને ત્યાં ભક્તિની ગંગા વહેવડાવા આદેશ આપ્યો. દાનો ગુરુઆજ્ઞાથી સોરઠનાં ગીર કાંઠા પરના ચલાળા ગામે આવ્યો. ત્યાં સ્થાયી થઈ ભક્તિની ગંગા વહેવડાવી. ચલાળા ગામ દાનાભગતના સતકર્મથી પ્રખ્યાત થઈ ગયું.

આપા વિહામણભગત
એકવાર દાનાભગત સોનગઢ ગુરુ સમાધિના દર્શને આવ્યા. લોકોએ ફરિયાદ કરી કે, આપના વતન પાસેના પાળિયાદ ગામનો કાઠી વિસામણ લૂંટફાંટ કરી લોકોને રંજાડે છે. દાનાભગતે પાળિયાદ આવી વિસામણને સુધાર્યો અને કંઠી બાંધી શિષ્ય બનાવ્યો. ભક્તિના રંગે રંગાયેલા વિસામણે પાળિયાદમાં ભક્તિની ગંગા વહેવડાવી.

આપા ગીગા ભગત
ચલાળાની જગ્યામાં ગાયુનું છાણ-વાસીદું કરવા એક ગધેયનાતની એક વિધવા આવતી. તેની સાથે ગીગા નામનો તેનો દીકરો પણ આવતો. ગીગો બચપણથી જ જગ્યામાં આવતો આથી દાનાભગતે વિધવાના દીકરાને યુવાવયે શિષ્ય બનાવી ભક્તિના રંગે રંગ્યો.

એકવાર વિહામણભગત ગુરુના દર્શને ચલાળા આવ્યા. ત્યારે ગીગાને બોલાવી દાનાભગતે થોડી ગાયો અને ધરમની ધજા આપી કહ્યું કે, જ્યાં આ ધજા આપોઆપ ખોડાઈ જાય ત્યાં તું ભક્તિની ગંગા વહેવડાવજે.

ગુરુઆજ્ઞાથી ગીગો ફરતો ફરતો ગીરના એક કાંઠે આવ્યો. એક જગ્યાએ સતની ધજા ખોડાઈ ગઈ. આ જગ્યાએ ગીગાએ ધૂણી ધખાવી. જગ્યાનું નામ આપ્યું સતાધાર. સતાધારમાં ગીગાએ ભક્તિની ગંગા વહેવડાવી. જોતજોતામાં સતાધાર પ્રખ્યાત થઈ ગયું અને સતધર્મથી ધમધમવા લાગ્યું. આજે પણ આપા ગીગાના ધામ તરીકે સતાધાર ઓળખાય છે.

(ઝવેરચંદ મેઘાણી કૃત સોરઠી સંતો નામના પુસ્તકમાં મેપાભગત, જાદરાભગત, ગોરખાભગત, દાનાભગત, આપા વિહામણભગત, આપા ગીગાભગત સહિત સતાધારની આ જગ્યા વિશે લેખલું છે. જે અહીં ટૂંકમાં રજૂ કર્યું છે.)

સતાધારની ગુરુપંરપરા

  • આપા ગીગા
  • આપા કરમણ
  • આપા હરિરામ
  • આપા લક્ષ્મણ
  • આપા શામજીબાપુ (કુંભાર)
  • જીવરાજબાપુ (કુંભાર)
  • જગદીશબાપુ
  • વિજયબાપુ

(2:06 PM IST)