<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

આજે ૬૩મો દિવ મુકિત દિન

દરિયાના ઘૂંઘટમાં રચાયેલું નવુ સૌન્‍દર્ય

 (ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણઃ દરિયાના ઘૂંઘટમાં રચાયેલું, નિર્મળ સોનેરી સમુદ્ર, તાડના વૃક્ષોના ઝુંડ અને સુર્ય પ્રકાશથી ચળકતી રેતી, સમુદ્ર ફીણથી ભીંજાયેલો સાગર તટ અને કુદરતનું અનુપમ સૌન્‍દર્ય જેને પોતાનામાં સમૈરયું છે તેવું દિવ ૧૯ ડીસેમ્‍બરે વિદેશ શાશનમાંથી મુકત થઇ ભારતનો ભાગ બન્‍યો અને એ દિવસ દિવ મુકિત દિવસ તરીકે મનાવાય છે.

ઇ.સ. ૧૯૪૭ માં ભારત આઝાદ બન્‍યું અને ગોવા-દમણ-દિવ ભારતમાં જોડાઇ જવા ઉત્‍સુક બન્‍યાં અને આ સંઘર્ષ ૧૯પ૩ માં પરાકાષ્‍ટાએ પહોંચ્‍યો અને તત્‍કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ તા. રપ-૮-પ૪ ના રોજ લોકસભામાં દિવ-દમણ અને ગોવાના દેશપ્રેમીઓને માતૃભુમિમાં જોડાઇ જવા ઉદધોષણા કરી જે આગળ વધતા જેનું સુકાન ભારતીય સૈન્‍યના બ્રિગેડીયર જશવંતસિંહની આગેવાની નીચે દિવ મુકિત અભિયાન મંડાયું હતું.

કેશોદથી સૈન્‍યના હવાઇ જહાજો ઉડયાં, દોલવાડા સુધીની રેલ્‍વે લાઇનો લશ્‍કરી કુમુકોથી ધમધમી ઉઠી અને ૧૭ ડીસેમ્‍બરે આખરી હુકમ આવતાંજ મીલીટરીએ ર્માચ કરી અને સામેથી આવતા દારૂગોળાઓના પ્રતિકાર કરી, થોડી ખૂમારી વેઠીને પણ દિવનું એરપોર્ટ ખેદાનમેદન કરી નાખ્‍યું અને બહારથી આવતો પુરવઠો અટકાવી શોર્યભરી રીતે દિવ કબ્‍જે કર્યુ અને દિવના તત્‍કાલીન પોલીસ કમીશ્નર બર્નાડો અને તેની સેનાએ ભારતીય સૈન્‍યની શરણગતિ સ્‍વીકારી અને દિવ ભારતનું અંગ બન્‍યું.

૧૯ ડીસેમ્‍બર ૧૯૬૧ ના રોજ દીવ પોર્ટુગીઝ શાશનમાંથી મુકત થયુ અને જેના પ્રથમ એડમીનીસ્‍ટ્રેટર તરીકે પ્રભાસ-પાટણના નાગર સદ્‌ગસ્‍થ-કલેકટરપદના અધિકારી પ્રમોદરાય વૈદ્ય એટલે કે પ્રેમસુખભાઇ વૈદ્ય નિમાયા દિવ મુકત કરાવવામાં સોરઠના તત્‍કાલીન જીલ્લા પોલીસ વડા મજબુતસિંહજી જાડેજા અને સોરઠ પોલીસની કાબીલેદાદ કામગીરી હતી કારણ કે લશ્‍કરને આ વિભાગની ભુગોળની કે સામાપક્ષની શકિતની પુરેપુરી જાણકારી ન હતી જે કામ સોરઠ પોલીસે બજાવ્‍યું અને ઓછી ખૂંવારીથી જંગ સફળ થાય તેવી મજબુત વ્‍યુહ રચનાથી લશ્‍કરની સાથે ખભેખભા મીલાવી મદદગાર બન્‍યું. જખ્‍મી સૈનિકો માટે ઉનાના જવાનોએ રકતદાન કર્યુ અને દિવ મુકત થયાની રાત્રે જયારે ઉનામાં ખબર પડી ત્‍યારે દિવાળી જેવો માહોલ સર્જાયો અને આ વિજયી સૈન્‍યના બ્રિગેડીયર જશવંતસિંગ, જયાબેન શાહ, ડીએસપી મજબૂતસિંહ જાડેજા અને કલેકટર મથુરાદાસ તથા સૈન્‍યનું સ્‍વાગત-સન્‍માન કરાયું.

દીવ મુકિત માટે સૌરાષ્‍ટ્રના અનેકો સત્‍યાગ્રહીઓનું મોટું યોગદાન છે. જેમાં યથા સ્‍મરણ રસિકભાઇ આચાર્ય, રતુભાઇ અદાણી, નરભેશંકર પાણેરી, સુર્યકાંત આચાર્ય, વજુભાઇ શુકલ, નવીનચંદ્ર રવાણી, સનત મહેતા, લવજી પટેલ, મનુભાઇ જોશી, ગિરધર વાઘેલા, અસગરઅલી ગાંધી, ચીમન મહેતા, સુરગભાઇ વરૂ, કનુભાઇ લહેરી, જશવંત મહેતા, ચંન્‍દ્રશંકર યાજ્ઞિક સહિત અનેકોનો સમાવેશ થાય છે.

આજે દિવ વિશ્‍વભરના પ્રવાસીઓને આકર્ષે છે. દિવ કેન્‍દ્ર શાશીત પ્રદેશ છે.

 

(2:00 PM IST)