News of Thursday, 19th December 2024
જુનાગઢની યુવતિનું રાજકોટની હોસ્પિટલના ડોક્ટરે ડાબા સાથે જમણા પગનું પણ ઓપરેશન કરી નાંખ્યું!
તપાસ કમિટીએ ડોક્ટરની બેદરકારી નકારી શકાય નહિ તેવો રિપોર્ટ આપતાં ગાંધીગ્રામ પોલીસે યુનિકેર હોસ્પિટલના ડો. જીગીશ શાહ સામે ગુનો નોંધ્યોઃ યુવતિ દુઃખાવાને કારણે સિલાઇ કામ કરી શકતી નથી : પીએમજેએવાય યોજના અંતર્ગત ઓપરેશન કરાવ્યું હતું

રાજકોટ તા. ૯: જુનાગઢ રહેતી વીસ વર્ષની યુવતિને ડાબા પગમાં દુઃખાવો થતો હોઇ તેણે રાજકોટના જામનગર રોડ પરની યુનિકેર હોસ્પિટલમાં ડો. જીગીશ દોશી પાસે ઓપરેશન કરાવડાવ્યું હતું. પરંતુ જે તે વખતે યુવતિની મંજુરી વગર તેના ડાબા પગની સાથે સાથે જમણા પગનું પણ ઓપરેશન કરી નાખવામાં આવ્યુ હોઇ આ મામલે અરજી થઇ હતી અને તપાસ કમિટીએ તબિબનીબેદરકારી નકારી શકાય નહિ તેવો રિપોર્ટ આપતાં ગાંધીગ્રામ પોલીસે ડોક્ટર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતા સપનાબેન મહેશભાઈ પટોળીયા (ઉ.વ.૨૦) નામની યુવતિએ રાજકોટના જામનગર રોડ પર આવેલી યુનિકેર હોસ્પિટલના ડો. જીગીશ દોશી સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, દસેક વર્ષ પહેલા ગણેશ વિસર્જન વખતે ટ્રક પલ્ટી જતાં મને ડાબા પગે ઇજા થઇ હતી. એ પછી મને ઘુંટણ નીચેના ભાગે દુઃખાવો થયા કરતો હોઇ જુનાગઢ સોનોગ્રાફી, નિદાન સારવાર કરાવી હતી. તેણે લોહીની ગાંઠ થઇ હોઇ તેના માટે વાસક્યુલર સર્જનને બતાવવું પડે તેમ કહેતાં તેણીએ ગૂગલ પર સર્ચ કરતાં રાજકોટના યુનિકેર હોસ્પિટલના ડો. જીગીશ દોશીનું નામ મળ્યું હતું. તેમજ આ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડથી સર્જરી થાય છે તેવી વિગત મળતાં હું તા.૩-૪-૨૪ના યુનિકેર હોસ્પિટલમાં બતાવવા માટે આવી હતી. ત્યાં ડો. જીગીશ દોશીએ પગની તપાસ કરી પાંચ દિવસની દવા આપી હતી પરંતુ સારું ન થતા ફરીથી તા.૧૦-૪ના બતાવવા જતા પગનું ઓપરેશન કરવું પડશે તેમ જણાવ્યું હતું. આથી તા.૨૪-૪ના તમામ રિપોર્ટ કરાવી તા.૨૫ના ઓપરેશન માટે દાખલ થઇ હતી. ઓપરેશન બાદ બીજા દિવસે રજા આપી હતી. રજા આપતા પહેલા ડો.જીગીશ દોશીએ મારા પિતાને જણાવ્યું હતું કે, તમારી દીકરીને જમણા પગમાં પણ ગાંઠ હોવાથી અમે તેનું પણ ઓપરેશન કરી નાખ્યું છે.
ઓપરેશન બાદ ડાબા પગમાં દુઃખાવો મટી ગયો હતો પરંતુ જમણા પગમાં અસહ્ય દુખાવો થતા હું મારા ફઈ સાથે ફરી યુનિકેર હોસ્પિટલમાં ડો.જીગીશ દોશીને બતાવવા માટે જતા તેણે જોઈ તપાસી છ મહિના આરામ કરવાનું અને કોઈ રિપોર્ટ કરવાની જરૂર નથી તેમ કહેતા હું ઘરે આવી ગઈ હતી. પરંતુ દુખાવો સહન ન થતા જૂનાગઢ ડો. નિકુંજ ઠુંમરને બતાવતા તેમને એમઆરઆઈનો રિપોર્ટ કરાવ્યો હતો જેમાં જમણા પગમાં ઓપરેશન વખતે ભૂલ રહી જવાથી ગોઠણભાગે આવતી નસ દૂર ખસી ગઈ છે જેના કારણે આ દુઃખાવો થઈ રહ્યો હોવાનું કહેતા હું ફરી યુનિકેર હોસ્પિટલએ આવી ડો.જીગીશ દોશીને દુઃખાવા બાબતે ફરિયાદ કરતા ફરી આરામ કરવાની સલાહ આપી હતી. ડો.જીગીશ દોશીએ મારા ડાબા પગના ઓપરેશનની સાથે મારી મંજૂરી વગર જમણા પગનું પણ ઓપરેશન કરી નાખ્યું હતું આથી મને આજીવન તકલીફ રહી ગઈ છે. હું સિલાઇ કામ પણ કરી શકતી નથી. મેં તેના વિરૂધ્ધ અરજી કરી હોઇ તપાસ કમીટીમાં રચાઇહતી. કમિટીએ રિપોર્ટ આપ્યા બાદ હવે ફરિયાદ નોંધાવી છે. ગાંધીગ્રામ પીએસઆઇ એ. એસ. મકરાણીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
