News of Monday, 23rd December 2024
આજે કચ્છના ઐતિહાસિક શહેર અંજારનો ૧૪૮૦ મો સ્થાપના દિવસ
એ સમયે સૌરાષ્ટ્ર સાથેની અવરજવર માટે એક માત્ર તુણા બંદર હતું : જેસલ તોરલની સમાધિ માટે પ્રખ્યાત અંજાર શહેર કચ્છમાં બ્રિટિશ હકૂમતનું કેન્દ્ર બન્યું હતું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩ : કચ્છના ૧૦ તાલુકા મથકના મુખ્ય ૧૦ શહેરો પૈકી ઐતિહાસિક દૃષ્ટિએ સૌથી જૂના અને રાજકીય દૃષ્ટિએ મુખ્ય રહી ચૂકેલા અંજાર શહેરનો આજે ૧૪૮૦ મો સ્થાપના દિવસ ત્યારે આજે “અકિલા” ના વાચકો માટે કચ્છના આ ઐતિહાસિક શહેર વિશેની રસપ્રદ માહિતી પ્રસ્તુત છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિશે વાત કરીએ ત્યારે એ જાણી લઈએ કે એક સમયે જ્યારે આપણો અવરજવરનો વ્યવહાર દરિયાઈ સફર ઉપર જે આધારિત હતો ત્યારે અંજારનું તુણા બંદર જામનગર, સિક્કા અને નવલખી સાથે જોડતું હતું. કચ્છમાં અંગ્રેજોએ ઇસ ૧૮૧૬ માં તુણા બંદરેથી કચ્છમાં પ્રવેશ કરી પોતાનું થાણું સ્થાપ્યું હતું. એ વ્યૂહાત્મક રીતે મહત્વનું કેન્દ્ર હોઈ અંગ્રેજ પોલિટિકલ એજન્ટ કેપ્ટન મેકમર્ડો એ અંજારને મુખ્ય કેન્દ્ર બનાવી વહીવટ ચલાવ્યો હતો. અંજાર સાથે સંકળાયેલી કહેવત અનુસાર અંજાર શહેર અને અજેપાળ ધણી એ ને સાંકળતા ઇતિહાસ પ્રમાણે હિન્દુસ્તાન ઉપર દરિયાપારના આક્રમણ ને ખાળવા રાજસ્થાનના અજમેરના ચૌહાણ વંશના રાજવીના ભાઈ અજયપાળ ચૌહાણે અંજારમાં પોતાનું થાણું સ્થાપ્યું હતું. તેઓ વિ.સ. ૭૪૧ માં દેવ થયા એ ગણતરી કરીએ તો ૧૩૪૦ વર્ષ થયા એથી જૂનો ઇતિહાસ પકડીએ તો ૧૪૮૦ વર્ષ આ શહેરને થયા હશે. અંજાર શહેર ઇસ ૧૮૧૯, ૧૯૫૬ અને ૨૦૦૧ ના ભૂકંપનો ભોગ બન્યા બાદ ફરી ધમધમતું થયું છે. અંજારમાં ઐતિહાસિક ધરોહર સમી જેસલ બહારવટિયા અને તોરલ સતી સાથે સંકળાયેલ જેસલ તોરલની સમાધિ આવેલ છે. કચ્છના રાજવી રા રાયધણજીએ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો ત્યારે કચ્છમાં બાર ભાયા (૧૨ વહીવટકર્તા) ઓનું રાજ્ય સ્થાપવામાં અંજારના મેઘજી શેઠે મહત્વની ભૂમિકા ભજવી હોઈ એ ઘટના લોકશાહીના પ્રથમ ચરણ તરીકેની ઐતિહાસિક ઘટના મનાય છે. જેને ફ્રાન્સની ક્રોમવેલ ક્રાંતિ સાથે પણ ઘણીવાર સાંકળવામાં આવે છે. અંજાર પાંચ નાકાની અંદર હતું એ આજે વિકસી ને આદિપુર ગાંધીધામ સુધી વિસ્તરી ચૂક્યું છે. સૂડી, ચપ્પુ, અજરખ બાટીક પ્રિન્ટ, બાંધણી સાડી ઉપરાંત કન્સ્ટ્રક્શન એ અંજારનો મહત્વનો ઉદ્યોગ રહ્યો છે.
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
