<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

અણીયારામાં અનિલ મોરવાડીયાનો આપઘાતઃ કેટલાક દિવસથી ધમકી અપાતી હોઇ કંટાળીને પગલુ ભર્યુ

જેની પાસેથી ૧૫૦૦ રૂપિયા લેવાના હતાં તેણે પૈસા પાછા આપવાને બદલે મારકુટ કરી હતીઃ ત્‍યાર પછી ઘરે આવી ધમકાવતાં હતાં: મૃતકના કુટુંબીઓના આક્ષેપ અંગે તપાસ

રાજકોટ તા. ૨૩: સરધારના અણીયારા ગામે રહેતાં અનિલભાઇ બાબુભાઇ મોરવાડીયા (ઉ.વ.૩૨) નામના યુવાને ગઇકાલે સવારે પાંચેક વાગ્‍યે ગામની સીમમાં ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિ તેનું સાંજે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. કુટુંબીજનોએ જણાવ્‍યું હતું કે અનિલભાઇએ એક વ્‍યક્‍તિને ઉછીના પૈસા આપ્‍યા હતાં. તેની પાસે આ નાણા પાછા માંગતા મારકુટ થઇ હતી અને માથે જતાં ધમકી અપાતી હતી. આ કારણે તે ગુમસુમ રહેતો હતો અને આ પગલુ ભરી લીધું હતુ. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

આપઘાત કરનાર અનિલભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો અને ખેત મજૂરી કરતો હતો. તેના પિતા હયાત નથી. તે માતા સહિતના પરિવારજનોનો એક જ આધારસ્‍તંભ હતો. તેના આપઘાતથી ચાર દિકરી અને બે દિકરા મળી છ સંતાને પિતાનું છત્ર ગુમાવ્‍યું છે. અનિલભાઇના કુટુંબી ભાઇએ કહ્યું હતું કે અનિલભાઇએ ગામના જ એક શખ્‍સને ઉછીના પંદરસો રૂપિયા દીધા હતાં. ગયા રવિવારે આ રૂપિયાની અનિલભાઇએ ઉઘરાણી કરતાં એ શખ્‍સે મારકુટ કરી લીધી હતી. ત્‍યાર પછી ઘરે આવીને ધમકી અપાતી હોઇ અનિલભાઇ ચિંતામાં અને ગુમસુમ રહેતો હતો. રવિવારે સવારે તેણે ગામની સીમમાં ઝેર પી લીધુ હતું. ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ મૃત્‍યુ થયું હતું.

હોસ્‍પિટલ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્‍દ્રભાઇ હુદડે આજીડેમ પોલીસને જાણ કરતાં આક્ષેપો અંગે તપાસ થઇ રહી છે.

(11:08 AM IST)