News of Monday, 23rd December 2024
વિસાવદરના બરડીયા ગામે પરપ્રાંતિય મજૂરની ૧૩ વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાતા અરેરાટી
સિંહણ ૪૦૦ મીટર દૂર ઢસડી બાળકી પર બેઠી, પિતાએ હિંમતભેર સામનો કર્યો પરંતુ બાળકીને બચાવવામાં નિષ્ફળતાઃ વન્ય પ્રાણીઓના રોજબરોજ વધતા હુમલાથી લોકો ચિંતાતુર

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૩ :. વિસાવદર તાલુકાના બરડીયા ગામમાં ૧૩ વર્ષની પરપ્રાંતિય મજૂર પરિવારની બાળકીને સિંહણે ફાડી ખાતાં અરેરેટી વ્યાપી ગઇ છે. બાજુનાં ખેતરમાંથી પોતાના પિતાને બેટરી આપવા જતી વખતે બાળકીને સિંહણે શિકાર બનાવી ૪૦૦ ફૂટ જેટલી દૂર ઢસડી ગયો હતો. બાળકીના પિતા બાળકીની શોધખોળ કરતા હતા ત્યારે સિંહણ બાળકી પર બેઠી હતી. બાળકીના પિતાએ તેમની પુત્રીનો જીવ બચાવવા માટે સિંહની સામે હાકલા-પડકારા કરતા સિંહણ ત્યાંથી દૂર ચાલી ગઈ અને બાળકીને મૂકી દીધી હતી પરંતુ ઘટના સ્થળે જ બાળકીનું મોત થયું હતું.વિસાવદર પંથકમાં વન્ય પ્રાણીઓનો દિવસે દિવસે આતંક વધી રહ્યો છે. વિસાવદર તાલુકાના બરડીયા ગામની સીમમાં ગજેરાની વાડીએ મૂળ મધ્યપ્રદેશના શ્રમિકો મજૂરી કામ અર્થે ઘણા સમયથી રહે છે. રાહલી બાટા નરસિંહ (ઉંવ. ૧૩) નામની બાળકી તેની બહેન સાથે બાજુના ખેતરમાં પાણી વાળવાનું કામ કરતા તેમના પિતાને બેટરી આપવા જતી હતી. તેવામાં તુવેરમાં છુપાયેલી સિંહણે રાહલી નામની બાળકીને અચાનક જ ગળાના ભાગેથી પકડી દૂર ઢસડી ચાલી ગઈ હતી. ત્યારબાદ તેની નાની બહેને બૂમાબૂમ કરી દોડીને તેના પિતા પાસે જઈ સમગ્ર વાતથી વાકેફ કર્યા હતા. તેના પિતા તેમની વ્હાલસોયી બાળકીને તુવેરમાં આમતેમ શોધી રહ્યા હતા ત્યારે ૪૦૦ મીટર જેટલી દૂર સિંહણ બાળકીનાં ગળાંના ભાગે બચકા ભરી તેના ઉપર બેઠી હતી. બાળકીના પિતાએ પરિસ્થિતિ જોઈ સિંહણને પડકાર ફેંકયો અને રઘવાઈ બનેલી સિંહણ બાળકીને મૂકી ત્યાંથી દૂર ચાલી ગઈ હતી. ત્યારબાદ ગ્રામજનોને જાણ થતા સરપંચ સહિતના આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારમાં બે સિંહણ અને એક બચ્ચું આંટાફેરા મારી રહ્યાં છે. હુમલાનું સાચું કારણ શું છે તે અંગે પણ વન વિભાગે તપાસ હાથ ધરી છે. હાલ હુમલાખોર સિંહણને પકડવા માટે વન વિભાગની ટીમે ચક્રો ગતિમાન કર્યા છે.
બરડીયા ગામમાં બાળકીને ફાડી ખાવાની ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો છે. આ બનાવની જાણ થતા જ સ્વૈચ્છિક સંસ્થા ‘ગણપતિ ઉત્સવ સમિતિ'ના પ્રમુખ સુરેશ સાદરાણી હોસ્પિટલે દોડી ગયા હતા અને મળતદેહને મોકલવા વાહનની વ્યવસ્થા કરાવવા મદદરૂપ બન્યા હતા.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
