News of Wednesday, 25th December 2024
રે જિંદગી !! કચ્છના ભદ્રેશ્વર પાસે પતિ-પત્નિએ દીકરી સાથે ટ્રેન નીચે પડતું મૂકી જીવ દીધો
૪ વર્ષની બાળકીનો આબાદ બચાવ : ગામના મંદિરમાં સેવા પૂજાનું કામ કરતા બાવાજી દંપતી ઝાયલો કાર લઈ આપઘાત કરવા પહોંચ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ, તા.,૨૫ : કચ્છના મુન્દ્રા તા.ના ભદ્રેશ્વર અને વડાલા ગામ વચ્ચે પતિ-પત્નીએ સજોડે ટ્રેન નીચે પડતું મૂકીને પોતાના જીવ દઈ દેતાં અરેરાટી સાથે ચકચાર થઈ રહી છે. આપઘાતના આ બનાવમાં ૪ વર્ષની માસૂમ બાળકીનો બચાવ થયો છે.
મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશને નોંધાયેલી વિગત મુજબ મળતક ૨૫ વર્ષીય બ્રિજેશ હસમુખગીરી ગુંસાઈ તેની પત્ની રંજના અને ૪ વર્ષની માસૂમ દીકરી ઝીલ સાથે ગુડ્ઝ ટ્રેન નીચે પડતું મૂકયું હતું.
આ બનાવમાં યુવાન પતિ-પત્ની બંનેના મોત નિપજ્યા હતા. ટ્રેન રોકી એન્જિન ડ્રાઈવર અને અન્ય લોકો ત્યાં પહોંચ્યા ત્યારે ૪ વર્ષની માસૂમ બાળકી રડી રહી હતી. તેનો આબાદ બચાવ થયો હતો.
મળતક મુન્દ્રા તા.ના ગુંદાલા ગામે મંદિરમાં સેવા પૂજાના કામ સાથે સચ્ચા માતાજી મંદિરમાં મહેતાજીનું કામ કરતો હતો.
મળતી વિગતો મુજબ તેઓ પોતાની ઝાયલો કાર લઈ આપઘાત કરવા પહોંચ્યા હતા. કારના ડેશબોર્ડ ઉપર આર્થિક સંકડામણના કારણે જીવ દઈ રહ્યા હોવાનું ચિઠ્ઠીમાં લખ્યું હતું. દરમ્યાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
