<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

ગોંડલના બન્ને અંડરબ્રીજમાં પાણી ભરાવાની સમસ્‍યાથી પરેશાનીઃ વારંવાર વાહનો સ્‍લીપ

આ પ્રશ્‍નનું તાત્‍કાલીક નિરાકરણ લાવવા લોકમાંગ

(જયસ્‍વાલ ન્‍યુઝ દ્વારા) ગોંડલ, તા. રપઃ ગોંડલ શહેરમાં આવેલા આશાપુરા/અંડરબ્રીજ અને ઉમવાડા રોડ અંડરબ્રીજમાં પાણી ભરાવાની સમસ્‍યાથી વાહન ચાલકો હેરાન પરેશાન થઇ ગયા છે. ત્‍યારે ભર શિયાળે પાણી ભરાવાની સમસ્‍યા છે. પાણી ભરાઇ રહેતા હોવાથી કાદવ, ગંદકી થાય છે. ટુ વ્‍હીલર સહિતના વાહનો સ્‍લીપ થવાના બનાવો બનતા રહે છે.

આશાપુરા અને ઉમવાડા રોડ અંડરબ્રીજમાં કાયમી પાણી ભરાઇ રહેતા હોવાથી ટુ વ્‍હીલર જેવા નાના વાહનોના ચાલકો અવાર-નવાર સ્‍લીપ થઇ જાય છે. બંને અંડરબ્રીજમાં પાણી ભરાઇ રહેતા હોવાથી કાદવ, ગંદકી થાય છે બન્ને અંડરબ્રીજથી આવી સ્‍થિતીથી કંટાળી વાહન ચાલકો લાલપુલ અંડરબ્રીજનો ઉપયોગ કરે છે. લાલપુલ અંડરબ્રીજમાં પુલ નજીકથી રસ્‍તા પર પાણી વહેતા થતા હોવાથી ત્‍યાં પાણી-પાણી ભરાય છે. નળમાં પાણી વિતરણ વખતે આવી સ્‍થિતી વધુ થાય છે.

નગરપાલીકા દ્વારા નગરજનો પાસેથી આકરા વેરા વસુલ કરવામાં આવે છે. ત્‍યારે આ સમસ્‍યાના ઉકેલ માટે પગલા લઇ કાયમી ધોરણે પાણીનો નિકાલ થાય અને પાણી એકત્ર થાય તેવી વ્‍યવસ્‍થા ગોઠવવી જોઇએ તેવી લોકમાંગ છે.

બન્ને અંડરબ્રીજની આવી હાલતને લીધે એસ.ટી. ની કેટલીક બસો પણ શહેરમાંથી ચલાવવાના બદલે શહેરને બાયપાસ કરીને ચલાવાય છે.

(9:56 AM IST)